દેશમાં અસલ ફિલ્મ થિયેટરો બંધ છે ત્યારે સુશાન્ત-રિયાની કથા સનસનાટી મચાવે છે

થિયેટરો ક્યારે ચાલુ થશે તે તો કોઈ જાણતું નથી. સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં અંતે રિયા ચક્રવર્તીની ધરપકડ થઈ ગઈ. રિયા ચક્રવર્તી પણ એક્ટ્રેસ છે ને સુશાંતની છેલ્લી ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના કેસની તપાસ આમ તો સીબીઆઈ કરે છે પણ સુશાંતના મોત સાથે ડ્રગ્સનો મામલો પણ જોડાયેલો છે, એ બહાર આવ્યા પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) પણ તપાસમાં જોડાઈ છે. એનસીબીએ ગયા અઠવાડિયે રિયાના ભાઈ શોવિકને ઉઠાવીને અંદર નાંખ્યો ત્યારથી જ રિયાના જેલભેગી થવાની ઘડીએ ગણાવા જ માંડેલી. મંગળવારે એનસીબીએ એ કામ પણ કરી નાખ્યું ને રિયા પણ તેના ભાઈને કંપની આપવા માટે જેલભેગી થઈ ગઈ.

રિયાની ધરપકડ સાથે સુશાંત મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે ને રિયાનાગળા ફરતે ગાળિયો ફિટ થઈ ગયો હોય એવું લાગે છે. એનસીબીએ રિયાની સુશાંતના મૃત્યુમાં સંડોવણીનો તખ્તો બરાબર તૈયાર કરી દીધો છે. એનસીબીએ સત્તાવાર રીતે કશું કહ્યું નથી પણ સૂત્રોના નામે જે વાતો લીક કરાય છે એ પ્રમાણે, રિયાએ પહેલાં પોતે કદી ડ્રગ્સ લીધું નથી એવો દાવો કરેલો પણ હવે કબૂલી લીધું છે કે પોતે ક્યારેક ક્યારેક ડ્રગ્સ લેતી હતી ને સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતી પણ હતી. રિયા તો ફિલ્મોમાં કામ કરે છે તેથી આમ પણ તેની વાત પર કોઈને ભરોસો નહોતો કે એ ડ્રગ્સ નથી લેતી. આમ પણ ડ્રગ્સ લેનાર કદી પોતે ડ્રગ્સ લે છે એવું કબૂલે? ન જ કબૂલે. એ જોતાં રિયા કબૂલાત ન કરે તેથી એ ડ્રગ્સ નથી લેતી એવું સાબિત થતું નહોતું પણ હવે તેણે પોતે જ એ કબૂલાત કરી લીધી છે ત્યારે એ મુદ્દો રહેતો પણ નથી.

સીબીઆઈની તપાસ રિયાએ ડ્રગ્સ લીધું હતું કે નહીં તેના પર નથી. એનસીબી તો પછી જોડાઈ પણ મૂળ કેસ તો રિયાએ સુશાંતને ડ્રગ્સ આપી આપીને પતાવી દીધો કે નહીં તેનો છે ને એનસીબીનો દાવો છે કે, રિયા સુશાંતને ડ્રગ્સ આપતી હતી એ હકીકત છે, તેના જડબેસલાક પુરાવા અમારી પાસે છે. આ સંજોગોમાં રિયા માટે હવે બચવું મુશ્કેલ છે. એ દોષિત છે, નિર્દોષ છે, સુશાંતને તેણે મારી નાખ્યો કે મરાવી નાખ્યો એ વિશે કશું અત્યારે કહી શકાય તેમ નથી. એ બધું કોર્ટ નક્કી કરશે ને જે પુરાવા મુકાશે તેના આધારે નક્કી થશે પણ આ ટ્વિસ્ટ પછી લાગે છે કે, રિયા માટે ભર જવાનીમાં રાતા પાણીએ રડવાના દિવસ આવી ગયા છે.

એનસીબીએ રિયાના ફોનની વોટ્સએપ ચેટની તપાસ કરી તેમાંથી ડ્રગ્સની લેવડદેવડનો ભાંડો ફૂટેલો. તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ નવી નવી વાતો બહાર આવતી ગઈ ને છેવટે રેલો રિયાના ભાઈ શોવિક તથા રિયાના બીજા ગોઠિયા સુધી પહોંચી ગયો એવું એનસીબીનુ કહેવું છે. રિયાના ભાઈ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા મારીજુઆના જેવા નશીલા પદાર્થો ખરીદતા હતા એવા મજબૂત પુરાવા છે ને તેનાં નાણાં રિયા આપતી હતી એવા પણ પુરાવા છે. લોકડાઉન દરમિયાન માર્ચથી જૂનના ચાર મહિના દરમિયાન સુશાંતના નોકર દીપેશ સાવંતે રિયા અને શોવિકના કહેવાથી 165 ગ્રામ મારીજુઆના લઈને સુશાંતને પહોંચાડેલું. સુશાંત સાથે સંકળાયેલા મનાતા બે ડ્રગ્સ સપ્લાયર પાસેથી એનસીબીએ 59 ગ્રામ મારીજુઆના ઝડપ્યું પણ છે.

રિયાનું કહેવું છે કે, તેણે સુશાંતને ડ્રગ્સ લેતાં રોકવા પ્રયત્ન કરેલો પણ સુશાંતને ડ્રગ્સની લત લાગી ગયેલી તેથી બહાર નિકળી જ નહોતો શકતો. આ વાત કેટલી સાચી એ નક્કી કોઈ કહી ન શકે ને રિયાની વાત પર કેટલો ભરોસો કરવો એ તો બધાંને ખબર જ છે. એ વાતથી બહુ ફરક પણ પડતો નથી કેમ કે રિયાએ પ્રયત્ન કર્યા હોય તો પણ તેનું ફળ મળ્યું નથી. રિયા તેને ડ્રગ્સની લતમાંથી બહાર લાવી ના શકી ને સુશાંત જતો રહ્યો એ હકીકત છે.

યોગાનુયોગ રિયાએ સુશાંતની બે બહેનો સામે સુશાંતને આપઘાત માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધાવી તેના બીજા જ દિવસે રિયા જેલભેગી થઈ છે. મુંબઈ પોલીસે સોમવારે જ રિયાની ફરિયાદના આધારે સુશાંતની બહેનો પ્રિયંકા સિંહ અને મીતુ સિંહ સામે સુશાંતને આપઘાત માટે ઉશ્કેરવાનો કેસ નોંધેલો. આ કેસમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો. તરૂણ કુમાર અને બીજા પણ આરોપીઓ છે. રિયાનો આક્ષેપ છે કે, સુશાંતની બહેનોએ ડો. તરૂણ કુમારની મદદથી બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરીને સુશાંતને વોટ્સએપ પર મોકલાવેલું.

સુશાંત મુંબઈમાં હતો છતાં તેને દિલ્હીમાં આઉટપેશન્ટ બતાવીને પ્રીસ્ક્રીપ્શન લખાવાયેલું. દિલ્હીની 24 સરકારી હોસ્પિટલોમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને દર્દી હોસ્પિટલમાં આવ્યા વિના ડોક્ટરનું માર્ગદર્શન અને દવા મેળવી શકે તેવી વ્યવસ્થા કોરોનાના કારણે કરાયેલી. તેનો ગેરલાભ લઈને સુશાંતની બહેનોએ બનાવટી પ્રિસ્ક્રિપ્શન લખાવી લીધું એવો રિયાનો આક્ષેપ છે. આ પ્રિસ્ક્રિપ્શનમાં સુશાંતને એનઝાઈટીની દવાઓ લેવા કહેવાયેલું. એનઝાઈટી મોડર્ન લાઈફના કારણે ફરતો થઈ ગયેલો શબ્દ છે. માણસમાં ભય કે અસલામતીની લાગણી સતત રહે તેને એનઝાઈટી કહે છે. આ શબ્દ સામાન્ય રીતે ભવિષ્યની ચિંતા કે અસલામતી માટે વધારે પ્રમાણમાં વપરાય છે. સુશાંતને ભવિષ્યની શું ચિંતા હતી તેની આપણને ખબર નથી પણ એ આ દવાઓ લેતો હતો એવું સાબિત થયેલું છે.

રિયાનો આક્ષેપ છે કે, સુશાંતની બહેનોએ તેના મોતના પાંચ દિવસ પહેલાં જ વોટ્સએપ પર આ પ્રિસ્ક્રિપ્શન મોકલેલું. આ દવા વોટ્સએપ પર લખી ના શકાય એવી છે છતાં તેની બહેનએ તેને દવાઓ લેવા કહેલું. સુશાંતની બહેન પ્રિયંકાએ સુશાંત સાથેની વોટ્સએપ ચેટમાં આ દવાનો ઉલ્લેખ કરેલ છે. એક દવા અઠવાડિયા સુધી, બીજી દવા દરરજ ને ત્રીજી દવા તેને એનઝાઈટીનો એટેક આવે ત્યારે આ લેવી તેનો ઉલ્લેખ છે જ પણ રિયા બનાવટી પ્રિસ્ક્રિપ્શનની જે વાત કરે છે એ કેટલી સાચી છે તે આપણે ખબર નથી. વોટ્સએપ ચેટમાં એવો પણ ઉલ્લેખ છે કે, પ્રિયંકાએ સુશાંતને કહેલું કે, મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરો પાસે તેની સારવાર કરાવશે ને બધું ખાનગી રહેશે.

મુંબઈ પોલીસે આ ફરિયાદ નોંધીને સીબીઆઈને તપાસ માટે કેસ સોંપી દીધો છે કેમ કે સુપ્રીમ કોર્ટનું ફરમાન છે કે સુશાંતસિંહને લગતા તમામ કેસોની તપાસ હવે પછી સીબીઆઈ કરશે. સીબીઆઈ ચિઠ્ઠીની ચાકર છે ને ઉપરથી ફરમાન આવે છે તેમ કરે છે એ જોતાં રિયાના આક્ષેપના આધારે સુશાંતની બહેનો સામે ઉપરથી ફરમાન આવશે તો તપાસ થશે, બાકી રામ રામ. થોડા મહિના પછી બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે એ જોતાં સુશાંતની બહેનો સામે પગલાંનું જોખમ મોદી સરકાર લે એ વાતમાં માલ નથી. તેમાં ભાજપને નુકસાન થવાનો પૂરો ખતરો છે એ જોતાં એવી આશા ના રાખવી. સીબીઆઈએ રિયા સામેની તપાસમાં જે ઉત્સાહ બતાવ્યો એવો ઉત્સાહ રિયાના આક્ષેપમાં બતાવે એવી શક્યતાછે જ નહીં. બહુ બહુ તો તપાસનું નાટક થશે ને પછી વાતનો વીંટો વાળી દેવાશે.

રિયાના કેસમાં પણ અત્યારે તેના દિવસો સારા લાગતા નથી ને તેનું બોર્ડ હવે પતી ગયું એમ મોટા ભાગનાં લોકો માને છે. પણ ક્યારે દિવસો ફરે એ કહેવાય નહીં. સુશાંતના કેસમાં રિયા તો પ્યાદું છે ને અસલી નિશાન બીજું કોઈક જ છે ને એ નિશાન પાર પાડવામાં સીબીઆઈને રસ છે. રિયા સીબીઆઈને સહકાર આપવા તૈયાર થઈ જાય ને તેનો પઢાવેલો પોપટ બની જાય તો રિયાના દિવસો પણ ફરી જાય. અત્યારે આપણને લાગે છે કે રિયા ભેરવાઈ ગઈ પણ સીબીઆઈ ગમે તે ચમત્કાર કરી શકે છે. સીબીઆઈનો તો ઈતિહાસ જ તેના ઉપર બેઠેલા આકાઓના ઈશારે કામ કરવાનો છે. કાલે ઉપરવાળા ફરમાન કરે તો બધું ફેરવાઈ પણ જાય. સીબીઆઈ હોય કે એનસીબી હોય, બધા સત્તામાં બેઠેલા લોકોના પાળેલા પોપટ છે એ જોતાં ગમે તે થઈ શકે.

રિયા પણ ઓછી માયા નથી ને તેને કશું સમજાવવાની જરૂર જ નથી. એ યંગ છે, બ્યુટીફુલ છે, એક્ટ્રેસ છે ને નાની ઉંમરે બહુ બધું શીખીને બેઠેલી છે. ઘાટ ઘાટનાં પાણી પણ પીધાં હોય એવું લાગે છે. હજુ તેની ગણતરીની ફિલ્મો આવી છે ને એ પણ એવી કે જે કોઈને યાદ નથી. એક અભિનેત્રી તરીકે તેની કોઈ ઓળખ જ નથી કે તેનામાં કોઈ ટેલેન્ટ હોય એવું લાગ્યું નથી, છતાં જે રીતે તેણે તેની માયાજાળ ફેલાવી છે એ જોતાં એ પણ બાજી પલટી શકે છે. સત્તામાં બેઠેલા લોકો પણ અંતે તો માણસ જ છે ને? રિયા ચક્રવર્તી નામની 28 વર્ષની એક્ટ્રેસની માયાજાળમાં કોઈ પણ ફસાઈ શકે એ જોતાં રિયા માટે પણ આશા છોડવા જેવી નથી. હજુ નવો ટ્વિસ્ટ આવી શકે, પિક્ચર અભી બાકી હૈ.