દેશમાં કુલ કોરોનાના કેસ ૯૮ લાખને પાર: ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૩૦,૦૦૫ કેસ સામે આવ્યા છે અને ૪૪૨ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૩ હજારથી વધુ એક્ટિવ કેસ ઓછા થયા છે. અત્યાર સુધી દેશમાં ૯૩,૨૪,૩૨૮ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. પરંતુ ૧,૪૨,૬૨૮ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. પરંતુ ભારતમાં મૃત્યુદર ઘણા દેશોની તુલનાએ ઓછો છે. ભારતમાં અત્યાર સુધી ૯૮,૨૬,૭૭૫ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ વચ્ચે સારા સમાચાર છે કે ભારતમાં જલદી કોરોના વેક્સિન આવવાની આશા છે. ત્યારબાદ સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
કોરોના સંક્રમણની જાણકારી મેળવવા માટે દેશમાં કોરોના ટેસ્ટની સંખ્યા ૧૫ કરોડને પાર થઈ ગઈ છે. છેલ્લા એક કરોડથી વધુ ટેસ્ટ ૧૦ દિવસ દરમિયાન કરવામાં આવ્યા છે. વધુ ટેસ્ટથી સંક્રમણના દરમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. સક્રિય કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહૃાો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહૃાુ કે, દેશમાં સતત ૧૨ દિવસથી કોરોના વાયરસ સંક્રમણના ૪૦ હજારથી ઓછા કેસ સામે આવી રહૃાાં છે.
સીએસઆઈઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી) તથા એપોલો હોસ્પિટલે ગુરૂવારે સંયુક્ત રૂપથી કોરોના રેપિડ ટેસ્ટ કિટનું નિર્માણ અને તેના વ્યવસાય માટે સમજુતીની જાહેરાત કરી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીસીએમબી તથા એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ કોરોના ટેસ્ટિંગ માટે એમ્પલીફિકેશન રેપિડ આરટી-પીસીઆર (ડીએસઆરઆરટી-પીસીઆર)ના નિર્માણ અને વ્યવસાય માટે સહયોગ કરશે. આ ટેસ્ટ કિટનો વિકાસ સીએસઆઈઆર-સીસીએમબીએ કર્યો છે. કોરોનાની ઝડપથી તપાસ માટે સુરક્ષિત તથા સસ્તી આ કિટ દેશભરમાં એપોલો નેટવર્ક દ્વારા ઉપલબ્ધ થશે.