દેશમાં કોરોનાના કેસ ૫૦ લાખને પાર: ૮૨ હજારથી વધુના મોત

  • છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૦૧૨૩ કેસ નોંધાયા, ૧૨૯૦ના મોત
  • કુલ દર્દીઓનો આંકડો ૫૦,૨૦,૩૬૦ને પાર કરી ગયો, જેમાંથી ૯.૯૫ લાખ લોકો સારવાર હેઠળ, ૩૯.૪૨ લાખ લોકો સ્વસ્થ થયા

ભારતમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૯૦૧૨૩ દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી ૧૨૯૦ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૫૦,૨૦,૩૬૦ પાર ગયો છે. જેમાંથી ૯,૯૫,૯૩૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે ૩૯,૪૨,૩૬૧ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૮૨,૦૬૬ લોકોના મૃત્યુ થયા છે.
મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસમાંથી લગભગ અડધા કેસ (૪૮.૮ ટકા) ૩ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કુલ દર્દીઓમાં ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, છત્તીસગઢ, ઓડિશા,કેરળ અને તેલંગણાના લગભગ એક ચતૃથાંશ (૨૪.૪ ટકા) યોગદાન છે. આંકડાકીય રીતે જોઈએ તો સૌથી પહેલા નંબરે મહારાષ્ટ્ર (૧૦,૯૭,૮૫૬), બીજા નંબરે તામિલનાડુ (૫,૧૪,૨૦૮), ત્રીજા નંબરે કર્ણાટક (૪,૭૫,૨૬૫), આંધ્ર પ્રદેશ ચોથા નંબરે (૫,૮૩,૯૨૫), પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ (૩,૨૪,૦૩૬), છઠ્ઠા નંબરે દિલ્હી (૨,૨૫,૭૯૬), સાતમા નંબરે પશ્ર્ચિમ બંગાળ (૨,૦૯,૧૪૬), આઠમા નંબરે ગુજરાત (૧,૧૬,૩૪૫), નવમા નંબરે પંજાબ (૮૪,૪૮૨) અને દસમા નંબરે મધ્ય પ્રદેશ (૯૩,૦૫૩) આવે છે.
કોરોનાથી સૌથી વધુ મોત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૮માં સ્થાને છે. પહેલા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં કોરોનાથી ૩૦૪૦૯ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં ૮૫૦૨ લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબરે કર્ણાટક જ્યાં ૭૪૮૧ લોકોના મોત થયા છે. ચોથા નંબરે આંધ્ર પ્રદેશ (૫૦૪૧), પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ (૪૬૦૪), છઠ્ઠા નંબરે દિલ્હી (૪૮૦૬), સાતમા નંબરે પશ્ર્ચિમ બંગાળ (૪૦૬૦), આઠમા નંબરે ગુજરાત (૩૨૪૭), નવમા નંબરે પંજાબ (૨૫૧૪) અને દસમા નંબરે મધ્ય પ્રદેશ (૧૮૨૦) આવે છે.
મંત્રાલયના જણાવ્યાં મુજબ કુલ એક્ટિવ કેસમાંથી ૬૦.૩૫ ટકા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુથી આવે છે. અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોમાં પણ સૌથી વધુ લગભગ ૬૦ ટકા (૫૯.૪૨ ટકા) આ રાજ્યોમાંથી જ છે. દેશમાં કોવિડ-૧૯થી મૃત્યુદર ૧.૬૪ ટકા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ સંક્રમણના કારણે મૃત્યુ પામનારા ૭૦ ટકાથી વધુ લોકો બીજી બીમારીઓથી પણ પીડાતા હતાં. મંત્રાલયે પોતાની વેબસાઈટ પર આ જાણકારી આપી અને કહૃાું કે અમારા આંકડાની મેળવણી આઈસીએમઆર સાથે કરવામાં આવી રહી છે.