દેશમાં કોરોના વાયરસનું ભારતીય વેરિયન્ટ નથી:ICMRનો દાવો

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના પગલે ઘણા રાજ્યોમાં નવા કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું છે કે, કોરોના વાયરસનો એક પણ ભારતીય વેરિયન્ટ કેસ સામે આવ્યો નથી. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસનું એક પણ એવું વેરિયન્ટ નથી મળ્યું, જેમાં ભારતીય સંસ્કરણ મળ્યું હોય.

આઇસીએમઆરના મહાસચિવ બલરામ ભાર્ગવે આ અંગે માહિતી આપતાં કહૃાું કે, કોરોના વાયરસનું કોઇ ભારતીય વેરિયન્ટ નથી. કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સીને યુકે અને બ્રાઝિલના વેરિયન્ટ વિરુદ્ધ અસર બતાવ્યું છે. જ્યારે દક્ષિણ આફ્રીકી વેરિયન્ટની વેક્સિન પર અત્યારે પણ કામ ચાલી રહૃાું છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે બુધવારે માહિતી આપી હતી કે, ભારતમાં કોરોના વાયરસના એક નવા ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટ અંગે જાણવા મળ્યું છે. ઘણા વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન્સ દેશના ૧૮ રાજ્યોમાં મળ્યા છે. આનો અર્થ છે કે, કોરોના વાયરસના વિવિધ પ્રકાર અંગે જુદી-જુદી જગ્યાએ જાણવા મળ્યું છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ નવી ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ભારતમાં સંક્રમણ ઝડપથી વધી રહૃાું છે.