દેશમાં કોરોના સંક્રમણનો આંક ૭૨ લાખને પાર, ૧ લાખથી વધુ દર્દીઓએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના સંક્રમણ લોકોનો આંક ૭૨ લાખને પાર પહોંચી થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૧.૧૦ લાખને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૩,૫૦૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૩૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૨,૩૯,૩૯૦ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૬૩ લાખ ૧ હજાર ૯૨૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૮,૨૬,૮૭૬ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૦,૫૮૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૦૦,૯૦,૧૨૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૧,૪૫,૦૧૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતમાં ૧૩મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૬૯ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૪૪૨ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૮ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૩,૯૨૩ એ પહોંચી ગયો છે.