દેશમાં કોરોના સંક્રમિતોની સખ્યા ૮૪.૬૨ લાખને પાર: કુલ ૧.૨૫ લાખના મોત

 • ૨૪ કલાકમાં ૫૦,૩૫૬ નવા દર્દીઓ, વધુ ૫૭૭ના મોત

  દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ૨૪ કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક ૭ હજારથી વધુ કેસો સામે આવ્યાં છે, તો up માં પણ સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધવા લાગી છે.
  ભારતમાં કોરોનાના કેસોની વાત કરીએ તો હવે સંક્રમિતોનો આંકડો ૮૪ લાખની પાર પહોંચી ચૂક્યો છે. ઠંડીની સિઝન શરૂ થવાની સાથે જ કોરોનાના કેસો વધવા લાગ્યાં છે.
  જો કે રાહતની વાત છે કે, દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ભારતમાં કોરોનાથી રિકવર થનારા દર્દીઓની સંખ્યા ૭૮ લાખની પાર પહોંચી ચૂકી છે. આ સાથે જ દેશમાં કોરોનાના મૃત્યુદરમાં પણ ઘટાડો આવ્યો છે.
  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૦,૩૫૭ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૫૭૭ લોકોના મરણ નોંધાયા છે.
  આજના નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં હવે કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૪,૬૨,૦૮૧ પર પહોંચી ચૂકી છે. જ્યારે મૃત્યુઆંક વધીને ૧,૨૫,૫૬૨ પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા ૭૮,૧૯,૮૮૭ પર પહોંચી ગઈ છે.
  આ સાથે જ દેશમાં કોરોના રિકવરી રેટ ૯૨.૧૪ ટકા પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૧૪૧ એક્ટિવ કેસો ઓછા થયા છે. કોરોનાનો એક્ટિવ દર ૬.૧૧ ટકા થઈ ગયો છે. ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૧.૪૮ ટકા છે.
  દેશમાં અત્યાર સુધી ૧૧.૬૫ કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યાં છે. આઇસીએમઆરના જણાવ્યા પ્રમાણે, દેશમાં શુક્રવાર સુધી ૧૧,૬૫,૪૨,૩૦૪ સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાં ૧૧,૧૩,૨૦૯ કોરોના ટેસ્ટિંગ ગઈ કાલે જ કરવામાં આવ્યાં છે.