- ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૫ લાખને પાર
- મૃત્યુઆંક ૧.૨૬ લાખને પાર, એક્ટિવ કેસની સંખ્યા ૫.૧૨ લાખ
દેશમાં કોરોના વાયરસના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૫ લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા ૧.૨૬ લાખને પાર થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા ૯૦,૦૦૦થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો હતો અને કોરોનાના સતત વધતા કેસમાં થોડાક સમય માટે આંશિક રાહત મળી હતી અને છેલ્લા કેટલાક દિવસથી ૫૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાતા હતા. પરંતુ ગઈકાલે એક દિવસ ૫૦,૦૦૦ કરતા વધુ કેસ નોંધાયા બાદ ફરી ઘટાડો નોંધાયો છે. જોકે, દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં પહેલાની સરખામણીમાં ઘટાડો નોંધાઈ રહૃાો છે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટની ટકાવારીમાં પણ વધારો જોવા મળ્યો છે.
રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૫,૬૭૪ નવા કેસ નોંધાયા છે અને ૫૫૯ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ ૮૫,૦૭,૭૫૪ કેસ થઈ ગયા છે. જેમાંથી ૫,૧૨,૬૬૫ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં ૭૮,૬૮,૯૬૮ કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૨૬,૧૨૧ લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં મોતનું પ્રમાણ ૧.૫ ટકા છે. જ્યારે રાહત આપતી વાત એ છે કે ભારતમાં હવે રિકવરી રેટ ૯૨.૪ ટકા સુધી પહોંચી ગયો છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં નવા ૩,૯૫૯ કેસ નોંધાયા છે અને ૧૫૦ લોકોના મોત થયા છે. જ્યારે ૬,૭૪૮ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૭,૧૪,૨૭૩ થઈ ગયો છે. તેમાંથી ૧,૦૦,૦૬૮ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪૫,૧૧૫ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૫,૫૯,૦૯૦ લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. એક તબક્કે રોજ ૧૦૦૦થી વધારે કેસો નોંધાતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા ૧૦૦૦ની અંદર આવી ગઈ હતી. પણ આજે ફરી એકવાર ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧,૦૪૬ નવા કેસ નોંધાયા હતા અને ૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૯૩૧ દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો ૧,૭૯,૬૭૯ થઈ ગયો છે. જેમાંથી ૧૨,૧૪૬ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૩,૭૫૬ લોકોના મોત થયા છે અને ૧,૬૩,૬૪૦ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં સાત નવેમ્બર સુધીમાં કોરોનાના ૧૧,૭૭,૩૬,૭૯૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, શનિવારે ૭ નવેમ્બરે ૧૧,૯૪,૪૮૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહૃાો છે.