દેશમાં જુલાઇ બાદ સૌ પ્રથમ વખત દૈનિક કેસ ૨૦ હજારથી નીચે

ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. લગભગ ૬ મહિના બાદ કોરોનાના નવા કેસોની સંખ્યા ૨૦ હજારની નીચે આવી છે. જે કોરોના સામે જંગ લડી રહેલા ભારત માટે સારા સમાચાર ગણી શકાય.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૧૯,૫૫૬ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૩૦૧ લોકોના મરણ થયા છે. નવા કેસ અને મરણ મામલે સોમવારની સરખામણીમાં મંગળવારે મોટો ઘટાડો નોંધાયો છે. ૨ જુલાઈ બાદ એટલે કે લગભગ ૬ મહિના બાદ નવા કેસોમાં આટલો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
સોમવારે એક દિવસમાં કોરોનાના ૨૪,૩૩૭ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આ આંકડામાં આજે સાડા ચાર હજાર ઓછા થઈ ગયા છે. આવી જ રીતે મરણ મામલે પણ સોમવારે ૩૩૩ની સરખામણીમાં આજે ૩૦૧ નોંધાયા છે. આ ૩૨નો ઘટાડો થયો છે.
ભારતમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા એટલે કે એક્ટિવ કેસો પણ ઘટીને ૩ લાખની નીચે આવી ગયા છે. જે ૧૬૦ દિવસમાં સૌથી ઓછા છે. આ સંખ્યા કુલ કેસના ૩ ટકા માત્ર છે.
જ્યારે એક દિવસમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા ૩૦,૩૭૬ પર પહોંચી છે. જે નવા કેસ કરતાં ૧૦ હજાર વધુ છે. હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૨,૯૨,૫૧૮ છે, જ્યારે કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા ૯૬,૩૬,૪૮૭ પર પહોંચી ચૂકી છે.
ભારતમાં કોરોનાના કુલ કેસ ૧,૦૦,૭૫,૧૧૬ છે. જેમાં ૧,૪૬,૧૧૧ લોકોના મરણ થયા છે. દેશમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.