આ વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેદાનમાં આવ્યા છે ને તેમણે વસતિ વધારા પર નિયંત્રણનો મુદ્દો ઉઠાવતાં ફરી આ મુદ્દો ચર્ચામાં છે. હમણાં વિશ્વ વસતિ દિવસ હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં યોગીએ વસતિ વધારો રોકવાની જરૂરીયાત પર ભાર મૂક્યો પણ સાથે સાથે એવું પણ કહી દીધું કે, ચોક્કસ કોમની વસતિ વધે તેના કારણે અસંતુલન સર્જાશે. આ ચોક્કસ કોમ કઈ એ કહેવાની જરૂર નથી.
યોગીએ કહ્યું કે, આપણે વસતિ વધારાને રોકવા મથીએ છીએ તેમાં એવું ન બને કે એક ચોક્કસ કોમની વસતિ વધવાની ઝડપ વધારે હોય અને જે મૂળ નિવાસીઓ છે તેમની વસતિ પોતાની ફરજ સમજીને જાગૃતિ બતાવે તેથી તેમની વસતિ વધારાનો દર નિયંત્રિત થઈ જાય. યોગીએ ચેતવણી પણ આપી કે, જે દેશોમાં વસતિ વધારે હોય છે ત્યાં આ પ્રકારનું અસંતુલન ચિંતાનો વિષય બને છે. ધાર્મિક આધારે વસતિના પ્રમાણમાં અસંતુલન સર્જાય તો થોડા સમય પછી અવ્યવસ્થા અને અરાજકતાનું સર્જન થાય છે.
યોગીએ સ્વીકાર્યું કે, આપણે પરિવાર નિયોજન કરીને વસતિ વધારામાં નિયંત્રણને લગતા કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધારવા જોઈએ પણ સાથે સાથે ધર્મના આધારે વસતિમાં અસંતુલનની સ્થિતિનું સર્જન ન થાય એ પણ જોવું પડે. વસતિ વધારો રોકવા માટે તમામ ધર્મ, વર્ગ, સંપ્રદાયે એક સાથે કામ કરવું પડે. યોગીની વાતનો ટૂંક સાર એ છે કે, આ દેશમાં વસતિ વધારા પર કાબૂ મેળવવો હોય તો હિંદુ, મુસ્લિમ સહિત તમામ ધર્મનાં લોકોની વસતિના વધારા પર કાબૂ મેળવવો પડે ને ખાલી હિંદુઓ પરિવાર નિયોજનને અપનાવીને વસતિ ઘટાડવા મથ્યા કરે એ નહીં ચાલે. યોગીની વાત હિંદુત્વના એજન્ડાના ભાગરૂપે કહેવાઈ છે એ સ્પષ્ટ છે પણ તેમની વાત સાવ સાચી છે તેનો ઈનકાર કરી શકાય તેમ નથી. ભારત માટે વસતિ વધારો મોટી સમસ્યા છે એ સંજોગોમાં વધતી વસતીને રોકવી જ જોઈએ પણ એ જવાબદારી માત્ર હિંદુઓની નથી.
દેશના તમામ ધર્મનાં લોકોએ તેમાં સરખા ભાગે યોગદાન આપવું જ જોઈએ કેમ કે દરેક દેશવાસીની એ ફરજ છે. દેશના દરેક નાગરિકે વસતિ વધારાના કારણે દેશને અને દરેક સમાજને જે નુકસાન થાય છે તે વિશે વિચારવું જ જોઈએ. આપણી સૌથી મોટી ગંભીર સમસ્યા વસતિ વધારો જ છે ને તેના વિશે આપણે હજુ નહીં જાગીએ તો સાવ પતી જઈશું. આ દેશ જેટલો હિંદુઓનો છે એટલો જ મુસ્લિમોનો પણ છે, ખ્રિસ્તીઓનો પણ છે ને આ દેશમાં રહેનારા તમામ ધર્મનાં લોકોનો છે તે જોતાં બધાંએ ધર્મની વાત બાજુ પર મૂકીને આ સમસ્યા વિશે વિચારવું જોઈએ. આ સમસ્યાને હળવી કરવા યોગદાન પણ આપવું જોઈએ એવી યોગીની વાત સાવ સાચી છે. અત્યારે નહીં જાગીએ તો આપણે આપણી ભાવિ પેઢીઓને એ હાલતમાં મૂકી દઈશું કે પછી ધર્મ પણ બાજુ પર રહી જશે ને વસતિ વિસ્ફોટના ભારથી જ આપણે ખતમ થઈ જઈશું.
યોગીની એ વાત પણ સાચી છે કે, તમામ ધર્મનાં લોકો વસતિ વધારાને રોકવામાં યોગદાન નહીં આપે તો ધાર્મિક રીતે વસતિનું અસંતુલન સર્જાશે. તેનું કારણ એ કે, મુસ્લિમોમાં વસતિ વધારાનો દર દેશના વસતિ વધારાના દર કરતાં ઘણો ઊંચો છે જ. ભારતમાં આઝાદીના સમયથી ઈસ્લામ સૌથી ઝડપથી વૃદ્ધિ દર ધરાવતો ધર્મ છે. ઈસ્લામ પાળનારા લોકોનું પ્રમાણ વધ્યું છે એ સાવ સાચી વાત છે. મુસ્લિમોમાં વસતિ વધારાનો દર રાષ્ટ્રની વસતિ વધારાના વિકાસ દર કરતાં ઘણો ઊંચો છે એ વાસ્તવિકતા છે ને આ વાસ્તવિકતા સરકાર દ્વારા કરાતા વસતિ વધારાના આંકડા પરથી જ છતી થાય છે. આ વખતે તો હજુ સુધી વસતિ ગણતરી પતી નથી તેથી તેના આંકડા બહાર પડાયા નથી પણ છેલ્લા બે વખતની વસતિ ગણતરીના આંકડા પર નજર નાંખીએ તો પણ આ વાત સ્પષ્ટ થશે.
ઈ. સ. ૧૯૯૧-૨૦૦૧ના દાયકામાં ભારતમાં હિંદુઓની વસતિ ૧૯.૯૨ ટકા વધી હતી. તેની સામે મુસ્લિમોની વસતિ ૨૯.૫૨ ટકા વધી હતી. ૨૦૦૧-૨૦૧૧ના દાયકામાં હિંદુઓના વસતિ વધારાનો દર ૧૮.૬૦ ટકા હતો તેની સામે મુસ્લિમોની વસતિ ૨૪.૬૦ ટકા વધી હતી. એક તરફ મુસ્લિમોની વસતિ ઝડપથી વધી રહી છે તેના કારણે દેશની વસતિમાં તેમનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઈ. સ. ૨૦૦૧માં દેશની વસતિમાં ૧૩.૪ ટકા મુસ્લિમો હતા. ૨૦૧૧માં આ પ્રમાણ વધીને ૧૪.૨ ટકા થયું. આ વાત સરકારી આંકડા છે ને તેના પરથી સ્પષ્ટ છે કે ભારતમાં મુસ્લિમોમાં વસતિ વધારાનો દર ઊંચો છે. હવે હિંદુઓમાં વસતિ વધારાનો દર ઘટે ને મુસ્લિમોમાં વધે તેના કારણે ધીરે ધીરે મુસ્લિમોની વસતિ વધે ને હિંદુઓની ઘટે નહીં તો પણ સ્થિર રહે તો પણ ધાર્મિક રીતે વસતિનું અસંતુલન તો સર્જાય જ.
આ અસંતુલનના કારણે કોમવાદી તણાવ સહિતની સમસ્યાએ સર્જાય જ તેમાં શંકા નથી. યોગીની વાત એ રીતે સાવ સાચી છે એ જોતાં આ દેશના હિંદુ અને મુસ્લિમ બંને એક થઈને તેનો ઉકેલ લાવવા મથે એ જરૂરી છે. હિંદુઓમાં પણ ઘણી જ્ઞાતિમાં વસતિ વધારાનો દર ઊંચો છે જ ને ત્યાં પણ નિયંત્રણની જરૂર છે જ પણ ઈસ્લામ પાળતા સમગ્ર સમુદાયમાં વસતિ વધારાનો દર ઊંચો છે તેથી ધાર્મિક અસંતુલનનો મુદ્દો કાઢી નાંખવા જેવો નથી જ. આ સંજોગોમાં મુસ્લિમો વસતિ વધારાના દરને નીચો લાવવા પ્રયત્ન કરે તો દેશમાં મુસ્લિમોનું પ્રમાણ હિંદુઓથી વધી જશે એ વાતનો છેદ જ ઉડી જાય ને સમગ્ર દેશને ફાયદો થાય. બાકી તો વધારે છોકરાં જણવાની સ્પર્ધા શરૂ થશે ને તેમાં દેશ પતી જશે.