દેશમાં ૨૪ કલાકમાં ૨.૦૮ લાખ કોરોના કેસ, ૪૧૫૭ દર્દીઓનાં થયાં મોત

  • ભારતમાં કોરોના પોઝિટિવિટી રેટ ઘટીને ૯.૪૨% થયો

 

ભારતમાં કોરોનાના નવા કેસ બે લાખની અંદર પહોંચ્યા બાદ આજે તેમાં સામાન્ય વધારો થયા બાદ આંકડો ૨ લાખને પાર થયો છે. જોકે, એક સમયે કોરોનાના કેસ જે પ્રમાણે ૪ લાખને પાર ગયા હતા તેમાં ઝડપથી મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, હજુ પણ મૃત્યુઆંકની ગતિ એક્સપર્ટથી લઈને અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યો છે. ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે પોઝિટિવિટી રેટ ઘટીને ૯.૪૨ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના વધુ નવા ૨,૦૮,૯૨૧ કેસ નોંધાયા છે, જ્યારે ૪,૧૫૭ લોકોના વાયરસના કારણે મોત થઈ ગયા છે.

ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થતા અને સાજા થનારા દર્દીઓની સંખ્યા મોટી હોવાથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૪,૯૫,૫૯૧ સાથે ૨૫ લાખની અંદર આવી ગઈ છે. ભારતમાં પાછલા ૨૪ કલાકમાં ૨,૯૫,૯૫૫ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.

ભારતમાં ૨૪ કલાકમાં નોંધાયા ૨.૮ લાખ કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૭૧,૫૭,૭૯૫ થઈ ગઈ છે. જ્યારે ૩ લાખ જેટલા દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨,૪૩,૫૦,૮૧૬ થઈ ગઈ છે. નવા કેસમાં ઘટાડો થયો છે પરંતુ સતત દૈનિક મૃત્યુઆંક ૪૦૦૦ની આસપાસ રહેતા હોવાથી કુલ મૃત્યુઆંક ૩,૧૧,૩૮૮ થઈ ગયા છે.

ભારતે એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની તપાસ માટે ૨૨.૧૭ લાખ નવા ટેસ્ટિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આઇસીએમઆર મુજબ ૨૪ કલાકમાં ૨૨,૧૭,૩૨૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૩૩,૪૮,૧૧,૪૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં ૧૬ જાન્યુઆરીએ શરુ થયેલા કોરોના રસીના અભિયાન બાદ કુલ ૨૦,૦૬,૬૨,૪૫૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.