દેશવાસીઓ વચ્ચે કડવાશનો લાભ બીજાં ભારતદ્રોહી પરિબળો ઉઠાવશે

દેશની નાની મોટી તમામ બાબતોનું રાજકીયકરણ કરીને ચૂંટણીલક્ષી લાભ ખાટવાની સત્તાપક્ષ અને વિપક્ષની નીતિ રાષ્ટ્રને માટે કેટલી નુકસાનકારક છે એ વિશે ગંભીરપણે વિચારવાનો સમય આવ્યો છે. દેશના દરોક નાગરિકે ભાવાવેશમાં આવીને, બેફામ બની, એક અથવા બીજા રાજકીય પ્રવાહમાં તણાઈને નિર્ણયો કે નિવેદનો કરવાનું વલણ બદલવાની જરૂર છે.અન્યથા વર્તમાનના ઘટનાક્રમો આવતા દિવસો કે દાયકાઓમાં એના વિષફળથી સમગ્ર દેશને ખેદાનમેદાન કરી મૂકશે.
હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ સહિતના ઘટનાક્રમોમાં રાજકીય હુંસાતુંસી રાષ્ટ્રઘાતક બની શકે એ વાતને સત્તાધીશો અને વિપક્ષધીશોએ ગૂંજે બાંધવાની તાતી જરૂર છે. આજકાલ ટૂંકાગાળાના રાજકીય લાભ ખાટવાની મનોવૃત્તિ ભારતીય સ્વજનોને જ રાષ્ટ્રદ્રોહી, ખાલિસ્તાની અને હવે તો તાલિબાની કહેવા સુધી જાય ત્યારે એકંદરે માત્ર લોકશાહી જ નહીં, સમગ્ર રાષ્ટ્રને નુકસાન થતું હોવાનું અનુભવાવું ઘટે. એ જ રીતે સ્વયં મોદીએ લખીમપુરની ઘટના અંગે તત્કાળ પગલાં લઈને અને કિસાનોના આંદોલનને રાષ્ટ્રનો પ્રશ્ર્ન લેખીને સરદાર પટેલ જેવી કુનેહથી સમાપ્ત કરવા સક્રિય બનવું પડે. રાષ્ટ્રીય બાબતોમાં કે આંતરરાષ્ટ્રીય મંચની બાબતોમાં સત્તાપક્ષ અને વિપક્ષ કૂતરાં-બિલાડાના ખેલ ભજવે એ અશોભનીય લાગે. વિશ્ર્વમંચ પર એનો સારો સંદેશ જતો નથી. અમે રાષ્ટ્રવાદી અને તમે રાષ્ટ્રદ્રોહી એવી ભૂમિકા લેવાય તો દુનિયા આપણી પર હસે એ સ્વાભાવિક છે.
દેશવાસીઓ વચ્ચેની આવી કડવાશનો લાભ વિશ્ર્વનાં બીજાં ભારતદ્રોહી પરિબળો ઉઠાવે અને દેશ ફરીને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે કે આર્થિક રીતે ગુલામી ભણી ધકેલાય એનો વિચાર સુજ્ઞજનોએ કરવાની આ ઘડી છે. અત્યારે આ વાત કદાચ અરણ્યરુદન જેવી લાગે, પણ આવતા દિવસોમાં એના ગંભીર અને ઘાતક પરિણામોનો વિચાર કરીને ભારતીયોનો અનેકતામાં એકતાનો સંકલ્પ દ્રઢ કરવાનો હજુ સમય છે. પાણી માથાની ઉપર સુધી જાય પછી તો અબ પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત એવી અવસ્થા અનુભવાશે. કાયદાનું પાલન કરવાની જવાબદારી જેને શિરે છે એ જ કાયદો તોડવાની શીખ આપે ત્યારે વાડ ચીભડાં ગળતી લાગે છે. કોંગ્રેસના ઈશારે વર્ષથી આંદોલન ચાલતું હોય તો એ પક્ષ આટલો નબળો કઈ રીતે હોય એવો પ્રશ્ર્ન પણ થવો સ્વાભાવિક છે.
મડદાલ કોંગ્રેસનો વ્હિપિંગ બોય તરીકે જ ઉપયોગ થાય છે. યોગીએ તો લખીમપુર ઘટના અંગે સંવેદના વ્યક્ત કરવાની સાથે રાજ્યમાં અશાંતિ ફેલાવવા બદલ તાલિબાનના સમર્થકો જવાબદાર હોવાનું કહ્યું. લખીમપુરના એ ખેડૂત પરિવારના જે લોકોને કચડવામાં આવ્યા અને જે માર્યા ગયા એમાં ભાજપના કાર્યકરો અને પત્રકારનો પણ સમાવેશ હતો. “પોલિટિકલ ટૂરિઝમ કહીને રાજનેતાઓ મૃતકોના પરિવારની મુલાકાત કરીને સંવેદના વ્યક્ત કરવા જનારાઓને વખોડવા એને પણ અપરિપક્વતા અથવા ગણતરીપૂર્વકની ઉશ્કેરણી જ લેખવી પડે.
ભાજપના નેતાઓ વિપક્ષે હતા ત્યારે કે આજે જ્યાં વિપક્ષે છે ત્યાં આવી જ મુલાકાતો યોજવામાં પાછળ નથી રહ્યા. કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા ખેડૂતોને કચડીને મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની જ પોલીસ થકી જેની સામે એફઆઈઆર નોંધાઈ છે અને જે 302નો આરોપી છે એવા પોતાના પુત્રને નિર્દોષ ઠરાવે છે.
એકંદરે આ બધા વાણીવિલાસ થકી તો દેશના લોકપ્રિય વડા પ્રધાન મોદીની પ્રતિષ્ઠાને ઘસરકો પહોંચતો હોય એવું લાગે છે. ક્યારેક અનુકૂળતાએ ભાજપ ચૂંટણી જીતવા માટે દેશના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું નામ પણ ઉપયોગમાં લે છે. પહેલા વડા પ્રધાન પંડિત નહેરુના આ અત્યંત વિશ્વાસુ નેતાએ રેલવે અકસ્માતને પોતાની નૈતિક જવાબદારી ગણીને રેલવે મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું એ વાતનું સ્મરણ થઇ આવે છે. અહીં તો કેન્દ્રના મંત્રી એમનો પુત્ર નિર્દોષ હોય તો અદાલતમાં એ પુરવાર કરી શકાશે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનો મુદ્દો ખૂબ ગજવાય છે.જમ્મુ-કાશ્મીર હજુ ઉકળતો ચરુ છે. તમામ રાજકીય પક્ષો ધાર્મિક મુદ્દે મતદારોને રાજી કરવાની વેતરણમાં છે.
આવા સંજોગોમાં કોઈપણ ઘટના બને ત્યારે બહતી મેં હાથ ધો લો એ ઉક્તિને સાર્થક કરવા સમાન તમામનું વર્તન લાગે છે. લખીમપુર જેવી ઘટના બને ત્યારે સર્વપક્ષી નેતાઓને વિશ્ર્વાસમાં લઈને વાતાવરણને શાંત કરવાના પ્રયાસો થવા જોઈએ, પણ આ દિશામાં કોઈ પ્રયાસ થતા નથી. બધ્ાુું રાજકીય લાભ ખાટવાને કાજે કરવામાં આવે છે. સત્તાપક્ષ અને વિપક્ષોનું આવું વલણ અંતે તો રાષ્ટ્ર માટે ઘાતક સાબિત થવાનું. અપેક્ષા કરીએ કે રાજકીય શાસકો અને વિપક્ષના નેતાઓ એકમેકના દુશ્મન બનીને તમામ મુદ્દે એકમેકની વિરુદ્ધ સક્રિય રહેવાને બદલે જાહેરહિતના મુદ્દે પ્રજાના કલ્યાણમાં કેટલાંક સહિયારાં કામ કરવાની દિશામાં અને નેશન ફર્સ્ટને વાસ્તવમાં ચરિતાર્થ કરવામાં સક્રિય થશે. વ્યક્તિ અને પક્ષ કરતાં દેશનું હિત મહત્ત્વનું છે એ વાત આપણે સૌએ ગૂંજે બાંધવાની જરૂર છે.