જેની દર વર્ષે આતુરતાથી આપણે બધા રાહ જોતા હોઈએ છીએ, એ સાતમ-આઠમ એટલે કે રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીના તહેવારોમાં આ વખતે મેળાઓ યોજાયા નથી અને હજુ પણ યોજાવાના નથી. આ કારણે બજારોમાં રોનક પણ જોવા મળતી નથી. કોરોનાના કહેર વધી રહ્યા હોવાથી આ વર્ષે મેળાઓ તો ઠીક, હરવા-ફરવા કે પ્રવાસ કરવાનું પણ માંડી વાળવું પડે તેવું છે. આપણે બધા બહારની દુનિયામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે પોતાના ઘરને જ ભૂલી ગયા છીએ. આપણા ઘરમાં જ આપણે જાણે મહેમાન હોઈએ, તેમ માત્ર થોડી કલાકો રોકાઈએ છીએ. જે દંપતી નોકરી કરતા હોય તેના બાળકો નોકર-ચાકર કે આયાઓની દેખભાળ હેઠળ ઉછરતા હોય છે. જો કે, તે પૈકી ઘણાં દંપતી મેનેજ કરીને બાળકોને પણ રોજ થોડો સમય આપતા હોય છે.
આ ધમાલભરી જિંદગી વચ્ચે કોરોનાનું સંકટ આવ્યું. આ મહામારીમાં લાખો લોકો બિમાર પડી રહ્યા છે અને હજારો લોકો મરી રહ્યા છે, તેથી આ મહામારીને માનવજાતનો દુશ્મન જ ગણી શકાય, પરંતુ તેના કારણે લોકડાઉન અને તમામ ધર્મ-સંપ્રદાય-જાતિ-વર્ગના તહેવારો અને પ્રસંગો મોટાભાગે ઘરમાં જ ઉજવવા પડી રહ્યા છે. આ કારણે ઘણાં પરિવારોના સભ્યો એકબીજાથી નિકટ પણ આવ્યા છે. આ વર્ષે લોકો ઘરની બહાર ઓછા જ નીકળે તે હિતાવહ છે. કારણ કે કોરોનાનો વિકરાળ રાક્ષસ કોઈને છોડતો નથી. તહેવારોની મજા લેવા જતા ક્યાંક 14 દિવસનો મેડિકલ વનવાસ ન આવી જાય, અને તેમાં પણ ગંભીર બિમારીનો ભોગ બની ન જવાય તે માટે આપણે સૌએ સાવધ રહેવું જ પડશે. આ ચેતવણી નથી પરંતુ જીવન બચાવવાનો શ્રેષ્ઠ સંદેશો છે. શક્ય હોય ત્યાં સુધી ભીડભાડ ન કરીને સંક્રમણથી ઘણાં અંશે બચી શકાતું હોય છે. રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટરો અવારનવાર શહેરના નગરજનો અને જિલ્લાની જનતાને આ મહામારી સામે ચેતવતા રહે છે. સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક મોઢા પર ચિપકાવીને જ રાખવું, ટોળાં ભેગા ન કરવા અને હાથ વારંવાર ધોવા તથા સેનેટાઈઝરની તકેદારી રાખવામાં કાંઈ બહુ મોટો ખર્ચ થતો નથી, બલ્કે મોટાભાગે ખર્ચ જ થતો નથી. આ માટે સાવધ રહીને દંડની રકમ બચાવીએ તેના કરતા પણ વધુ મહત્ત્વનું એ છે કે આપણા અને બીજાના સ્વાસ્થ્યને બચાવીને, આપડી પોતાની જિંદગીને બચાવીને. લોકો મેળાઓમાં કે બહાર નીકળી શકવાના નથી. તેથી ઘરમાં જ સાતમ-આઠમ-નોમથી શ્રાવણી અમાસ સુધીના તહેવારો ઉજવશે. આ ઉજવણી આ વખતે સહપરિવાર ધાર્મિક પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક ચર્ચા, ભક્તિ ગીત-સંગીત વગેરેના માધ્યમથી ઘરમાં જ કરવાનો રુડો અવસર ઈશ્વરે આપ્યો છે, તેથી ભક્તિભાવ સાથે મનોરંજન સાથે તહેવારો ઉજવીએ. આ વર્ષે ઘરની અંદર પરિવારના જ સભ્યો જો નાની મોટી ગેમ્બલીંગ ગેઈમ મનોરંજન ખાતર રમતા હોય કે પછી ચોકડી, છકડી, રમી, કાળીની રાણી વગેરે બાવન પત્તાની નિર્દોષ રમતો રમતા હોય તો તેને વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને તંત્રો ‘ઓવરલૂક’ કરે તેવી પ્રબળ સંભાવના છે. ખરેખર તંત્રે લોકોનો હાઉ દૂર કરવાની કોઈ જાહેરાતો પણ કરવી જોઈએ, જેથી લોકો તહેવારોને મનભરીને ઘરમાં જ માણી શકે. આપણા દેશમાં તહેવારોનું અનેરું મહત્ત્વ છે, તો ગુજરાતીઓ તો તહેવારોમાં થનગની ઉઠતા હોય છે, તેમાં પણ સૌરાષ્ટ્રવાસીઓની તહેવારોને માણવાની પરંપરાગત મોજ કાંઈક અલગ જ હોય છે. આ વખતે આ જ તહેવારોને આપણે કોરોના સાથે જાગૃતિના મનોરંજક કાર્યક્રમો, ગીત-સંગીત, નાટક એટક કે વેબિનારોના વર્ચ્યુઅલ ઓનલાઈન મેળાવડાઓ કરીને ન ઉજવી શકીએ ? કોરોનાથી બચવું પણ હોય અને મોજ પણ કરવી હોય તો આવું કરવું જ પડશે. કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોકમેળાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વિવિધ પદયાત્રાસંઘો, સેવાકૅમ્પના આયોજકો તેમજ ગણપતિ-મહોત્સવનાં મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોની જાહેરમાં ઉજવણી ન કરવા રજૂઆત મળી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. શ્રાવણ અને ભાદરવામાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ-ઉત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષંગિક પગપાળાસંઘો, પદયાત્રીકના માર્ગમાં યોજાતા સેવાકૅમ્પો અને મહોરમ – તાજીયાનાં જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન જેવાં આસ્થાના પ્રતીકસમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે. આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાયક્રમો અને ઉત્સવો ન યોજવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. ભાદરવી પૂનમે અંબાજીમાં યોજાતા મેળા સંદર્ભે પગપાળા સંઘોએ સ્વયં સામે ચાલીને પદયાત્રા નહીં યોજવાની રજૂઆત કરી છે. જેને ધ્યાનમાં રાખી પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવાકેન્દ્રો ન ખોલવાં સરકારે નિર્ણય લીધેલો છે. ઉપરાંત ગણપતિ-મહોત્સવમાં પણ લોકો માટીની પ્રતિમાનું પોતાના ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરે તેમજ વિસર્જન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી અપીલ કરાઈ છે. કોરોનાની મહામારીએ લોકોના જીવન પર ઘેરી અસર પાડી છે અને એમાંય મહાઉત્સવ જનમાષ્ટમી આવતો હોય ત્યારે સાતમ-આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં યાત્રાધામો અને મંદિરોમાં મેળાનો માહોલ જામે છે પણ આ વખતની સાતમ-આઠમ જરા હટકે ઉજવવી પડશે. ઉપરાંત જગતમંદિર દ્વારકા ઈતિહાસમાં પ્રથમ વખત 3 દિવસ માટે નિજ ભક્તો માટે દર્શન બંધ રહેશે. રાજ્યમાં કોરોના સંકટ ઘેરાઇ રહ્યું છે. અનલોક બાદ ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે. તો તહેવારોની પણ મોસમ જામી છે. આ સાથે જ બીજી તરફ જોવા જઇએ તે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવશે તેવો ઐતિહાસિક નિર્ણય પહેલીવાર લાંબી મુંઝવણ અને મથામણ પછી લેવામાં આવ્યો છે. દ્વારિકાધીશનું જગતમંદિર પણ જન્માષ્ટમીએ બંધ હોય એ સંકેત સૌરાષ્ટ્રની પ્રજાએ સમજવો જોઈએ કે પરિસ્થિતિ કઈ હદ સુધી વણસી જવા લાગી છે. અત્યારે જે રીતે સતત કેસો વધતા જાય છે એ ક્રમ જો આખો ઓગસ્ટ ચાલુ રહે તો કુલ સરવાળો ક્યાં પહોંચશે ? શિક્ષણ તો વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેના વિવાદમાં અટવાઈ ગયું છે. એ ખરેખર ક્યારે પાટે ચડશે એ નક્કી નથી. અગાઉ બંધ થઈ ગયેલા ઓનલાઇન ક્લાસિઝ ફરી ચાલુ તો થઈ ગયા છે પરંતુ અન્ય અનેક સ્કૂલોએ હજુ એવા ક્લાસ ચાલુ કરવાના બાકી છે.
|
|
|