ધરતીપુત્રોનો આર્તનાદ સાંભળતો મેઘો : જિલ્લામાં આગમન

  • અષાઢી બીજ પુર્વે મુરઝાતી મૌલાતોને જીવતદાન આપવા માટે અણીના સમયે થયેલી મેઘરાજાની એન્ટ્રીથી હાશકારો 
  • લીલીયાનાં હાથીગઢમાં 1 ઇંચ, લીલીયામાં અડધો ઇંચ, નવા ખીજડીયામાં ધોધમાર, અમરેલીમાં એક ઇંચ વરસાદ પડયો : કુંડલામાં દોઢ થી બે ઇંચ

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં લાંબા મેઘ વિરામ બાદ સારા વરસાદની ચાતક નજરે ખેડુતો રાહ જોઇ રહયા હતા. ત્યારે અષાઢી બીજ પુર્વે મેઘરાજાએ સુકન સાચવ્યુ છે. આજે અમરેલી શહેર અને નજીકના 15 કિ.મી.ના કેટલાક ગામોમાં વિજળીના કડાકા ભડાકા સાથે હળવા ભારે વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. અમરેલી શહેરમાં સમી સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને પોણાથી એક કલાકમાં ધીમી ધારે એકાદ ઇંચ જેવો વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. અને અસહય ઉકળાટ બાદ લોકોએ ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી. અમરેલી નજીક ઇશ્ર્વરીયા મહાદેવના ગામે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. અને ધોધમાર વરસાદ પડતા મુરજાતી મોલાતને ફાયદો થયેલ છે. લાઠીથી અમારા પ્રતિનિધી વિશાલ ડોડીયાના જણાવ્યા અનુસાર લાઠી શહેરમાં પણ વિજળીના કડાકા ભડાકા સાથે સારો વરસાદ પડયો હતો અમરેલી નજીક આવેલા ફતેપુર, ચાંપાથડ અને વિઠલપુરમાં વિજળીના કડાકા ભડાકા સાથે સારો વરસાદ પડયાનું સતીષ રાઠોડએ જણાવ્યુ હતુ જ્યારે કેરીયાનાગસ અને આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર બે થી અઢી ઇંચ જેવો સારો વરસાદ પડી જતા ખેતીપાક ઉપર કાચુ સોનુ વરસ્યાનું ભરતભાઇ હરખાણીએ જણાવ્યુ હતુ.
લીલીયામાં બપોર બાદ આકાશમાં વાદળો છવાયા હતા અને અડધો ઇંચ જેવો વરસાદ પડયાનું અશોકભાઇ વિરાણીએ જણાવ્યુ છે. અમરેલી નજીકના નવા ખીજડીયામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડયો હતો જ્યારે ગાવડકા ગામમાં પણ સારો વરસાદ પડયાનું હસમુખ રાવળની યાદીમાં જણાવ્યુ છે.
સાવરકુંડલા શહેરમાં વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ આકાશમાં કાળા ડિબાનગ વાદળો છવાયા હતા વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડી જતા ખેડુતોમાં ખુશી વ્યાપી હતી. ખાંભા શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે અડધોથી પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. જ્યારે બાબરામાં પણ હળવો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે.લીલીયાના તાલુકાના હાથીગઢની ચારેય બાજુની સીમમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકા એક પલ્ટો આવતા પોણો કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડી જતાં મુઝાતી મોલાતને જીવન દાન મળ્યુ છે. ખેડૂતોમાં ખીશી વ્યાપી હતી. તેમ શ્રીકાંત દાદાએ જણાવ્યું હતું.