ધર્મસ્થાનો ખોલવા માટે ઉતાવળ કરવાની કોઈ જરૂર જ ક્યાં છે?

આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે ને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ કોરોનાને નાથવા શું કરવું તેની પળોજણમાં લાગેલી છે ત્યારે મહારાષ્ટ્રમાં કેટલાક નમૂના મંદિરો સહિતનાં ધર્મસ્થાનો ખોલવાની મંજૂરી આપવાનું કોરસ માંડીને બેઠા છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર મંદિરો ખોલવાની મંજૂરી નથી આપી રહી કેમ કે મંદિરો ખૂલે ને લોકોની ભીડ જામે તો કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધે. ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે સાવ સાચા છે પણ હિંદુવાદી સંગઠનો મંદિરો ખોલવા જોઈએ એવું વાજું વગાડ્યા કરે છે. જુના નેતાઓ પણ આ હઈસો હઈસોમાં જોડાયો છે ને ઉદ્ધવ ઠાકરે સાથે હિસાબ સરભર કરવા હિંદુવાદી સંગઠનોને ચડાવ્યા કરે છે. મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ આ વિવાદમાં ઝંપલાવી દેતાં આખી વાતમાં નવો વળાંક આવી ગયો.

ભાજપના નેતાઓએ રાજ્યપાલને મળીને ઉદ્ધવ સામે રજૂઆત કરેલી. તેના આધારે કોશિયારીસાહેબે ઉદ્ધવને પત્ર ઠપકાર્યો છે. આ પત્રમાં તેમણે જે વાતો કરી છે એ વાંચ્યા પછી કોશિયારી મહારાષ્ટ્રના રાજ્યપાલને બદલે ભાજપના નેતા તરીકે વર્તતા હોય ને ભાજપનો એજન્ડા આગળ વધારવા મથતા હોય એવું લાગે. કોશિયારીએ ઉદ્ધવને કોરોના સામે રાખવી પડતી સાવચેતીઓ રાખીને ધર્મસ્થાનો ખોલવાની મંજૂરી આપવા કહ્યું છે ને કયાં કયાં ધર્મસ્થાનોની મુલાકાત લીધી તેની પણ યાદ અપાવી છે. જો કે સૌથી ખટકે એવી બાબત કોશિયારીએ ઉદ્ધવ પર કરેલો કટાક્ષ છે. કોશિયારીએ લખ્યું છે કે, તમને મંદિરો નહીં ખોલવા કોઈ દૈવી સંકેત મળે છે કે પછી તમે પોતે પણ જે શબ્દને નફરત કરો છો એવા ‘સેક્યુલર’ થઈ ગયા છો?

કોશિયારીએ ઉદ્ધવને યાદ અપાવી છે કે, બીજાં શહેરોમાં ધર્મસ્થાનો જૂન મહિનાથી ખૂલી ગયાં છે ને કોરોનાના કેસોમાં એવો ઉછાળો નથી ત્યારે મહારાષ્ટ્રમાં મંજૂરી આપવી જોઈએ. કોશિયારીએ એવો કટાક્ષ પણ કર્યો છે કે, બાર, રેસ્ટોરન્ટ્સ અને બીચ ખૂલી ગયા છે ત્યારે આપણા દેવ-દેવીઓએ લોકડાઉનમાં રહેવાની ફરજ પડાય છે એ વિધીની વક્રતા કહેવાય.

ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના પુત્ર છે એટલે કોશિયારી કે બીજું કોઈ પણ કંઈ કહે ને એ સાંભળી લે એ વાતમાં માલ નથી. ઉદ્ધવે વળતો જવાબ આપી જ દીધો છે કે, અમને હિંદુત્વના મુદ્દે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી ને હું એટલો મહાન થયો નથી કે મને દૈવી સંકેત આવે પણ કદાચ તમને આવતા હશે. ઉદ્ધવે જનોઈવઢ ઘા કરતાં એવું પણ કહ્યું છે કે, મુંબઈને પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર ગણાવનારા લોકોને સ્મિત સાથે આવકારવાનું મારા હિંદુત્વમાં નથી આવતું.

ઉદ્ધવે બીજું પણ ઘણું કહ્યું છે ને એ બધાની વાત કરવાનો મતલબ નથી પણ કોશિયારી રાજ્યપાલપદે હોવા છતાં લોકોની ચિંતા કરવાના બદલે ભાજપની ભાષા બોલે એ જોઈને આઘાત લાગે છે. ઉદ્ધવના સેક્યુલારિઝમ કે તેમને આવતા દૈવી સંકેત વિશેના કટાક્ષ ચર્ચા કરવા યોગ્ય પણ નથી તેથી તેની વાત નથી કરતા પણ આખી વાતને હિંદુત્વ સાથે જોડવી બરાબર નથી. મહારાષ્ટ્રમાં તમામ ધર્મસ્થાનો બંધ છે, માત્ર મંદિરો બંધ નથી ને એ નિર્ણય લોકોના હિતમાં લેવાયેલો છે. ભાજપ રાજકીય સ્વાર્થ માટે આખા મુદ્દાને હિંદુત્વ સાથે જોડે છે. આ મુદ્દો રાજકીય છે ને રાજ્યપાલે તેનાથી દૂર રહેવાનું હોય.

ભાજપ ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કરવામાં એ હદે આંધળો થયો છે કે, મોદીની ભાષા પણ તેને યાદ નથી. મોદી પોતે વારંવાર એકની એક વાત કહ્યા કરે છે કે, લોકોની ભીડ થાય એવું કશું ના કરો ને કોરોનાથી બચવા બની શકે એટલી કાળજી રાખો. મોદી સરકારે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે પણ સાથે સાથે જાત જાતની શરતો પણ મૂકી છે. આ મંજૂરી પણ એવાં રાજ્યોમાં છે કે જ્યાં કોરોનાનો ખતરો નથી. બાકી જે રાજ્યોમાં કોરોના બેકાબૂ છે ત્યાં તો મોદીએ પણ જે પ્રતિબંધો મૂકવા હોય એ મૂકવાની છૂટ આપી છે. મોદી એક રોજ વાત કહે છે કે, કોરોના ખતરનાક છે ને તેનાથી બચવા જે કરવું હોય એ કરો. ઉદ્ધવ ઠાકરે એ જ કરી રહ્યા છે. મોદી આ મામલે બિલકુલ સાચા છે ને ઉદ્ધવ પણ સાચા છે.

ભાજપના નેતાઓનું બકવાસ લોજિક લગાડીએ તો મોદી સરકાર પણ હિંદુ વિરોધી કહેવાય. કોશિયારી સાહેબના શબ્દોમાં કહીએ તો સેક્યુલર થઈ ગઈ કહેવાય કેમ કે મોદી સરકારે હજુ ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી નથી આપી. મોદીએ સાફ શબ્દોમાં કહી પણ દીધું છે કે, હમણાં ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી મળે એવી આશા પણ ન રાખતા. આ કારણે મોદી સરકાર હિંદુ વિરોધી થઈ ગઈ ? ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે નવરાત્રિમાં ગરબાને મંજૂરી નથી આપી. ખાલી નવ દિવસ આરતી કરવાની મંજૂરી આપી છે. તેમાંય માતાજીના ફોટાને અડકવાનું નહીં ને પ્રસાદ વહેંચવાનો નહીં એવી શરતો રાખી છે. રૂપાણી સરકાર પણ હિંદુ વિરોધી થઈ ગઈ ? બિલકુલ નહીં. બલકે મોદી ને રૂપાણી સવાયા હિંદુ કહેવાય કેમ કે એ લોકો દેશવાસીઓના જીવની ચિંતા કરી રહ્યા છે. એ લોકો જે પણ કાળજી ને સતર્કતા લઈ રહ્યા છે એ લોકોને બચાવવા માટે છે. લોકોમાં હિંદુઓની બહુમતી છે એ જોતાં આ બધું હિંદુઓ માટે જ છે.

મંદિરો બે મહિના નહીં ખૂલે તો કશું ખાટુંમોળું થઈ જવાનું નથી. ભગવાન બધે છે ને જેને આસ્થા છે એ તો ગમે ત્યાં બેસીને પૂજા, ધ્યાન કે જે રીતે તેને પોતાની આસ્થાની અભિવ્યક્તિ કરવી હશે એ રીતે કરી લેશે. તેને માટે મંદિરે જવાની જરૂર જ નથી. છ મહિના મંદિરો વધારે બંધ રહેશે તો ભગવાન કંઈ રીસાઈ જશે ને આપણને માફ જ નહીં કરે એવું બનવાનું નથી. નવરાત્રિ એક વરસ નહીં કરીએ તો કંઈ માતાજી આપણા પર કોપાયમાન થઈ જશે એવું થવાનું નથી પણ આ બધું કરવા જતાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી ગયો તો પછી ભગવાન કે માતાજી કોઈ નહીં બચાવી શકે. કોઈને આ વાત કડવી લાગશે પણ સાવ સાચી છે ને તેનો પરચો આપણને તબલીઘી જમાતના કિસ્સામાં મળેલો જ છે.

તબલીઘીઓએ દિલ્હીમાં ભેગા થઈને જલસો ના કર્યો હોત તો આભ તૂટી પડવાનું નહોતું. લોકો પોતાના ઘરોમાં ભરાઈ રહ્યા હોત તો સલામત રહ્યા હોત. તેના બદલે આ જલસામાં ગયા ને તેમાં કેટલાય ઢબી ગયા. તબલીઘી જમાતવાળા પણ એવું જ કહેતા હતા કે, આપણે તો અલ્લાહના કામ માટે જઈએ છીએ તેથી કશું નહીં થાય. અલ્લાહે તેમને ત્યાં જવા નહોતું કહ્યું પણ એ બધા પોતાની રીતે ગયેલા તેથી અલ્લાહનું નામ વટાવીને જલસાના કારભારીઓએ લોકોને ઉલ્લુ બનાવ્યા ને તેની કિંમત બીજાએ પણ ચૂકવી. આ જલસામાં ગયેલા ઘણા બધા ઢબી ગયા એ તો ઠીક પણ બીજા કેટલાયને પણ ચેપ લગાડતા ગયા. એ બિચારાઓએ કશું કર્યા વિના તેની કિંમત ચૂકવી ને તેમના પરિવારો આખી જિંદગી તેની કિંમત ચૂકવશે.

તબલીઘી જમાતના કારભારીઓએ સમજદારી બતાવી હોત તો દેશમાં કોરોનાના આટલા કેસો ના થયા હોત. તેના બદલે તેમણે અંધશ્રદ્ધાને પોષી અને તેના કારણે કાળો કેર વર્તાઈ ગયો. ભાજપના નેતાઓ પણ ઉદ્ધવને હિંદુ વિરોધી ચિતરીને રાજકીય ફાયદા માટે એ જ ધંધો માંડીને બેઠા છે. ભાજપના નેતા તો સ્વાર્થમાં આંધળા થયા છે તેથી તેમને આ બધી વાતો કહેવાનો મતલબ નથી પણ લોકો સમજદારી બતાવે ને આ વાતોમાં ના આવે એ જરૂરી છે. ભાજપના નેતાઓની વાતોને હિંદુત્વ કે ધર્મ સાથે કંઈ લેવાદેવા નથી. ભાજપના કૂવામાંના દેડકા જેવી માનસિકતા ધરાવતા કેટલાક નેતાઓના બકવાસને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખજો ને મોદીની વાત માનજો. કોરોનાનો ખતરો સાવ ના જાય ત્યાં લગી કોઈ જોખમ બિલકુલ ના લેશો. તમને જે ભગવાન કે બીજા કશામાં આસ્થા હોય એને ઘરે બેસીને જ ભજી લેજો, તેને જરાય ખોટું નહીં લાગે કે નારાજ પણ નહીં થાય.

આ આખા વિવાદમાં એક મજાની વાત એ છે કે ધર્મસ્થાનો ખોલવાની તરફેણ કરનારા લોકોમાં એક અસદુદ્દીન ઓવૈસી પણ છે. રાજ ઠાકરે, પ્રકાશ આંબેડકર સહિતના બીજા પણ રાજકારણીઓ પણ આ માગ કરી રહ્યા છે પણ ઓવૈસીનો ઉલ્લેખ એટલે કર્યો કે, ભાજપને ઓવૈસીના નામની ભારે ચિડ છે. ઓવૈસી મુસ્લિમ નેતા છે ને તેમની રાજકીય દુકાન મુસ્લિમ મતદારો પર જ ચાલે છે તેથી ઓવૈસી કટ્ટરવાદી મુસ્લિમો ઝૂમી ઊઠે એવાં નિવેદનો છાસવારે ફટકાર્યા કરે છે. આ કારણે ઓવૈસી પાકિસ્તાનની ભાષા બોલે છે એવું પણ ભાજપ કટાક્ષમાં કહ્યા કરે છે. હવે ભાજપ પોતે મોદીની ભાષા છોડીને ઓવૈસીની ભાષા બોલવા માંડ્યો છે ને ઓવૈસીની જેમ ધર્મસ્થાનો ખોલવાની તરફેણ કરી રહ્યો છે.