ધર્માન્ધતા ધરાવતી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કોમી રંગ બદલાયા નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દિ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાનું નક્કી કર્યું ત્યારથી એક ઉત્તેજના હતી. મોદી આ સમારોહમાં શું બોલશે તેના પર સૌની નજર મંડાયેલી હતી. મોદીની છાપ પ્રખર હિંદુવાદી નેતા તરીકેની છે, જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની છાપ કટ્ટરવાદી મુસ્લિમોના અડ્ડા તરીકેની છે. આ સ્થિતિમાં મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંતોષવા ઉતરે ત્યારે કેવા મુદ્દા ઉઠાવશે એ જાણવામાં સૌને રસ છે. મોદી શિખામણોનો મારો ચલાવવામાં ને જાત જાતના મંત્રો આપવામાં માહિર છે. વળી એ વાત એ દિલથી કહેતા હોય છે એટલે એનો પ્રભાવ પડે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોદી કોઈ નવો મંત્ર આપે છે કે નહીં તેના પર પણ સૌની મીટ મંડાયેલી હતી. મોદી કોઈ વિવાદ ખડો કરે છે ને રાજકીય કોમેન્ટ કરે છે કે નહીં એ જાણવામાં પણ સૌને રસ હતો.

મંગળવારે મોદીએ પ્રવચન આપ્યું તેમાં કોઈ વિવાદ ખડો ન થાય તેનું બરાબર ધ્યાન રાખ્યું પણ અત્યંત રસપ્રદ અને જીવનોપયોગી શિખામણોનો બરાબર મારો ચલાવ્યો. મોદીએ પોતાના શાસનમાં ધર્મના ભેદભાવો વિના બધાંને સરખા લાભ મળે છે એમ કહ્યું. દેશના વિકાસની વાત આવે ત્યારે રાજકીય ચશ્માં ચડાવીને કશું ન જોવું જોઈએ ને દેશની પ્રગતિની વાત આવે ત્યારે વૈચારિક મતભેદો ગૌણ બની જવા જોઈએ એવી કેટલીક મહત્ત્વની વાતો એમણે કહી. મોદી પહેલાં પણ ઘણા નેતા આ વાત કહી ચૂક્યા છે ને મોદી પછી પણ નેતાઓ કહેતા રહેશે, પણ કોઈ એ રીતે વર્તતું નથી. મોદી સિવાયના નેતાઓ પોતે પણ એ રીતે વર્તતા નથી પછી બીજાં લોકોની વાત જ ક્યાં કરવી.

ખેર, અત્યારે આપણે રાજકારણીઓ કઈ રીતે વર્તે છે તેની ચર્ચા કરવી નથી પણ આ શિખામણોની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર કેટલી અસર થશે ને યુનિવર્સિટીનો માહોલ કેટલો બદલાશે તેની વાત કરી લઈએ. એએમયુ વરસોથી મુસ્લિમ કટ્ટરવાદીઓનો અડ્ડો છે ને તોતિંગ શૈક્ષણિક સંસ્થા હોવા છતાં નવી હવાથી અલિપ્ત છે. આઝાદી પહેલાં અલગ પાકિસ્તાનની રચનાનાં બીજ આ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદે રોપેલાં. તેના કારણે આ યુનિવર્સિટી કટ્ટરવાદીઓની પ્રવૃત્તિઓનો અડ્ડો બની ને સો વરસ પછી પણ સ્થિતિ બહુ બદલાઈ નથી. એએમયુનો ઈતિહાસ જાણશો તો આ વાત સારી રીતે સમજાશે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવા થયેલી, પણ કમનસીબે આ યુનિવર્સિટીએ મુસ્લિમોમાં કટ્ટરતાને પોષી. સત્તાવાર રીતે આ યુનિવર્સિટી 1920માં અમલમાં આવી પણ તેનાં મૂળ મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કૉલેજ (માઓ)માં છે. માઓ કૉલેજની સ્થાપના 1875માં સર સૈયદ અહમદે કરેલી. સર સૈયદ અંગ્રેજોના પીઠ્ઠુ હતા તેથી તેમણે આધુનિક શિક્ષણના નામે અંગ્રેજોની હિંદુ-મુસ્લિમોમાં ભાગલાની નીતિને પ્રોત્સાહન આપ્યું. આ કારણે માઓ કૉલેજ મુસ્લિમ કટ્ટરવાદનું કેન્દ્ર બની ને મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની વિચારધારા પણ આ કૉલેજમાંથી જ ઉદભવી. સર સૈયદ આ વિચારધારાના પ્રણેતા હતા એવું સૌ સ્વીકારે છે.

સર સૈયદનો પરિવાર મોગલ દરબારમાં મોટા હોદ્દા પર હતો પણ મોગલ સામ્રાજ્યના વળતાં પાણી શરૂ થઈ ગયાં હતાં તેથી મોગલોની નોકરી કરવાના બદલે સૈયદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં નોકરીમાં જોડાયા હતા. તેના કારણે અંગ્રેજોની નજીક આવ્યા ને અગ્રેજોની મદદથી 1859માં મુરાદાબાદમાં ગુલશન સ્કૂલ શરૂ કરી. 1863માં ગાઝીપુરમાં વિક્ટોરિયા સ્કૂલ સ્થાપી. અંગ્રેજોના કહેવાથી તેમણે એ વખતે અંગ્રેજી સ્કૂલોમાં ભણાવાતાં વિજ્ઞાન અને આધુનિક કલાઓનાં પુસ્તકોનો ઉર્દૂમાં અનુવાદ કરીને પોતાની સ્કૂલોમાં તેનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનાં બીજાં પુસ્તકોના અનુવાદ માટે તેમણે ટ્રાન્સલેશન સોસાયટી પણ બનાવી હતી. આ સોસાયટીની ઑફિસ ગાઝીપુરમાં હતી, પણ અલીગઢ મોટું કેન્દ્ર હોવાથી અંગ્રેજોના કહેવાથી તેમણે આ ઑફિસ અલીગઢ ખસેડી. સર સૈયદે અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત ઉર્દૂ સાહિત્યના સર્જનની શરૂઆત પણ કરાવડાવી. તેને અલીગઢ ચળવળ કહે છે.

અલીગઢ આવ્યા પછી સર સૈયદે મુસ્લિમોના રાજકીય મંચ તરીકે બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશન શરૂ કર્યું. 1857ના બળવામાં દેશના હિંદુ-મુસ્લિમો એક થઈને લડ્યા હતા. એ પહેલાં પણ ભારતમાં કોમી આધાર પર વિભાજન નહોતું. અંગ્રેજોએ પોતાની સત્તા ટકાવવા માટે હિંદુ-મુસ્લિમોને લડાવવાની નીતિ અપનાવીને મુસ્લિમોમાં રાજકીય મહત્ત્વાકાંક્ષા પેદા કરવાની રમત શરૂ કરેલી. સર સૈયદ જેવા લોકો તેમનો હાથો બનેલા ને અંગ્રેજોના લાભાર્થે આ પ્રકારની સંસ્થાઓ શરૂ કરી હતી. સર સૈયદે મૌલવી સમિમુલ્લાહ સાથે મળીને 1875માં અલીગઢમાં પોતાના બંગલામાં મદરેસાની શરૂઆત કરી હતી. 1877માં તેને મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ (માઓ) કૉલેજ નામ અપાયું. માઓ કૉલેજના માધ્યમથી અંગ્રેજો ઈચ્છતા હતા એ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરાઈ ને મુસ્લિમો માટે અલગ દેશની સ્થાપનાનાં બીજ રોપાયાં.

સર સૈયદે સીધી રીતે અલગ મુસ્લિમ રાષ્ટ્રનો વિચાર વહેતો મૂકેલો. 1866માં મેરઠમાં આપેલા પ્રવચનમાં તેમણે પહેલી વાર હિંદુ અને મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રનો વિચાર વ્યક્ત કર્યો. ભારતીય ઉપખંડમાં મુસ્લિમોની આગવી ઓળખ છે તેથી હિંદુ અને મુસ્લિમો એક ન થઈ શકે એવો તેમનો સ્પષ્ટ મત હતો. સર સૈયદે ઉર્દૂ અને હિંદી વચ્ચે પણ ભેદરેખા દોરી દીધી. ભારતીય ઉપખંડમાં હિંદી હિંદુઓની ભાષા છે, જ્યારે મુસ્લિમોની ભાષા ઉર્દૂ છે એવો વિચાર રમતો મૂકીને તેમણે અંગ્રેજોના ઈશારે હિંદુ-મુસ્લિમોને અલગ કરવાની રમત શરૂ કરેલી. પછીનાં વરસોમાં આ વિચારો મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની રચનાનો આધાર બન્યા ને દેશના ભાગલા પડ્યા. આ દેશના હિંદુ-મુસ્લિમોમાં વૈમનસ્યની શરૂઆત કરવાનું દુર્બોધક શ્રેય સર સૈયદને જાય છે.

સર સૈયદે 1886માં સ્થાપેલી ઓલ ઈન્ડિયા મુહમ્મદન એજ્યુકેશનલ કોન્ફરન્સ મુસ્લિમોની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બનેલી. અંગ્રેજ અધિકારીઓ આ કોન્ફરન્સમાં આવતા ને મુસ્લિમોની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ ભડકાવતા. સર સૈયદ તો 1899માં ગુજરી ગયેલા પણ ત્યા સુધીમાં તેમની કોલેજોમાં ભણેલા મુસ્લિમોનો પ્રભાવ મુસ્લિમ સમાજ પર વધવા માંડેલો. આ મુસ્લિમોએ જ 1906માં મુસ્લિમ લીગની સ્થાપના કરી. મૂળ તો ભારતમાં અંગ્રેજોને મદદ કરવા રચાયેલી કૉંગ્રેસમાં વીસમી સદીની શરૂઆતમાં અંગ્રેજ શાસનના વિરોધી નેતાઓ આવવા માંડેલા તેથી અંગ્રેજોએ તેમની સામે મુસ્લિમ લીગ બનાવડાવીને ખુલ્લેઆમ હિંદુ અને મુસ્લિમોને ધર્મના આધારે લડાવવાનો ખેલ શરૂ કરી દીધો. સર સૈયદે ચાલીસ વર્ષ પહેલાં બે રાષ્ટ્રનો વિચાર વહેતો કરેલો તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે બવેલી મુસ્લિમ લીગે છેવટે 1947માં દેશના ભાગલા કરાવ્યા.

સર સૈયદે અંગ્રેજોની મુરાદ બર લાવવામાં મોટું યોગદાન આપેલું. સર સૈયદે ખાનગીમાં અંગ્રેજોની જે સેવા કરેલી તેના બદલામાં તેમને ‘સર’નો ખિતાબ તો મળ્યો જ, પણ 1920માં માઓ કૉલેજને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવીને તેને યુનિવર્સિટીનો દરજ્જો પણ અંગ્રેજોએ આપી દીધેલો. આ દરજ્જો મળ્યો એ પહેલાં અલીગઢમાં જ જામિયા મિલિયા ઈસ્લામિયા બનેલી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અંગ્રેજોના દલાલ તરીકે વર્તતી હતી તેથી તેના મુકાબલા માટે અલીગઢમાં કૉંગ્રેસ તરફી મુસ્લિમોએ જામિયા મિલિયા બનાવેલી. તેના કારણે માઓ કૉલેજનો દબદબો ન ઘટી જાય ને મુસ્લિમોની સર્વમાન્ય સંસ્થા તરીકે જામિયા મિલિયા ઈસ્લામિયા જામી ના જાય એટલે અંગ્રેજોએ જામિયા મિલિયા ઈસ્લામિયાની સ્થાપનાના બે મહિનામાં જ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધેલો. મુસ્લિમોનાં હિતો સાચવનારી શૈક્ષણિક સંસ્થા આ જ છે એવો મેસેજ જાય એટલે તેનું નામ પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કરી દેવાયેલું.

મુસ્લિમ લીગને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરફથી તન, મન, ધનથી સહાય મળી એમ કહીએ તો ચાલે. મુસ્લિમ લીગે 1930ના દાયકામાં અલગ મુસ્લિમ રાષ્ટ્રની માગ બુલંદ બનાવી પછી મુસ્લિમોની ઘણી સંસ્થાઓએ મુસ્લિમ લીગની વાતનો ઉગ્ર વિરોધ કરેલો. અલીગઢ યુનિવર્સિટીએ કદી તેનો વિરોધ ના કર્યો. બલકે તેનો સ્ટાફ મુસ્લિમ લીગની પ્રવૃત્તિઓમાં ખુલ્લેઆમ ભાગ લેતો ને યુનિવર્સિટી તેને પ્રોત્સાહન આપતી. એ રીતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું પાકિસ્તાનની રચનામાં મોટું યોગદાન છે.

હવે અંગ્રેજો નથી ને મુસ્લિમ લીગ પણ નથી તેથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર તેમનો પ્રભાવ છે એવું ન કહેવાય પણ તેમણે જે માહોલ ઊભો કરેલો એ બહુ બદલાયો નથી. આઝાદી પછી પણ એએમયુએ રાષ્ટ્ર નહીં પણ ધર્મ મોટો એ માનસિકતાને જ પોષી છે. તેના કારણે આજે પણ આ યુનિવર્સિટીમાં કટ્ટરતાનો પ્રભાવ છે, ધર્માંધતાની બોલબાલા છે. એએમયુમાં અત્યારે 28 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે ને 1500 તો અધ્યાપકો છે. આ વિદ્યાર્થીઓને કટ્ટરતાના પાઠ વધારે ભણાવાય છે તેથી એએમયુ આજે પણ તેની શૈક્ષણિક સિદ્ધિઓના બદલે વિવાદો માટે વધારે સમાચારોમાં રહે છે. સ્ટુડન્ટ યુનિયનની ઑફિસમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવાના ને એવા વિવાદો માટે વધારે ચર્ચામાં રહે છે.

ઈતિહાસને બદલી શકાતો નથી, પણ ભાવિને ચોક્કસ બદલી શકાય છે. એએમયુની સ્થાપનાને સો વરસ પૂરાં થયાં છે ત્યારે તેના કારભારીઓ આ સંસ્થા જે ઉદ્દેશ સાથે સ્થપાયેલી એ તરફ પાછા વળે તો ઘણું. સર સૈયદ અહમદે પોતાની મહત્ત્વકાંક્ષા સંતોષવા આ સંસ્થાનો ઉપયોગ કર્યો, હાલના કારભારીઓ મુસ્લિમ સમાજના ભલા માટે તેનો ઉપયોગ કરે તો ભયો ભયો.