- વનવિભાગ ઘટના સ્થળે દોડી ગયો : લાશને પી.એમ. માટે દવાખાને ખસેડાઇ દિપડાએ ખાધ્ોલા વૃધ્ધનો એક હાથ બાંધેલો હતો : ખળભળાટ મચાવતો કિસ્સો
અમરેલી,
ધારીના તુલસે શ્યામ જતા માર્ગમાં આવેલા અમૃતપુર ગામની સીમમા આજે વહેલી સવારે વાડીએ રહેલ વૃધ્ધ મનુભાઈ સાવલીયા ઉ.વ.75ને દિપડાએ ફાડી ખાતા તેમનું મોત નિપજ્યું હતું અને સાથે સાથે આ ઘટના એ માટે ગંભીર મનાઇ રહી છે કે, મરનારનો એક હાથ સાંકળથી બંધાયેલ નજરે પડયો હતો.આ ઘટનાની જણ થતા વનવિભાગ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. અને મૃતદેહને પી.એમ માટે દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
ધારી ડીસીએફ ડો. અંશુમન શર્માની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા હોવાની વન વિભાગના સીસીએફ શ્રી દુષ્યંત વસાવડાએ પુષ્ટિ કરી હતી. જોકે સ્થળ પર વૃદ્ધને સાંકળથી બાંધેલાં દ્રશ્યો વિશે વન વિભાગ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યો છે અને સમગ્ર મામલે પેનલ પીએમ કરવામાં આવશે. પોલીસ પણ સમગ્ર મામલે નજર રાખી રહી છે. વૃદ્ધને સાંકળથી બાંધ્યાની દિશામાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અધિકારીની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં નિવેદન લઇને તપાસ શરૂ કરાઈ છે, જોકે આ અંગે પરિવારજનો દ્વારા મૌન સેવવામાં આવ્યું છે પણ એક પરિવારજન આ વૃધ્ધને માનસિક તકલીફ હોવાનું એક સ્થાનિક વેબચેનલને જણાવતા નજરે પડેલ હતા.