ધારીના પાણીયામાં દિપડાએ બાળકને ફાડી ખાધો

  • કપાસ વિણી પરત આવતા મધ્યપ્રદેશના ભાગીયા પરિવારના 6 વર્ષના બાળકને દિપડો પરિવારની નજર સામે ઉઠાવી ગયો : તંત્ર દોડયું : ગીરના ગામડાઓમાં ભારે ફફડાટ 

અમરેલી, ધારી તાલુકાના પાણીયા ગામે શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકને ઉઠાવી જઇ દિપડાએ હાહાકાર મચાવ્યો છે અને અને આ બાળકનું મોત નીપજતા વન વિભાગ, ધારી મામલતદાર અને પીએસઆઇ સ્થળ ઉપર દોડી ગયા છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, પાણીયા ગામે શ્રી દીલુભાઇની વાડીમાં ભાગીયા તરીકે રહેતા મધ્યપ્રદેશના કુવરસિંહના પરિવાર વાડીએ કપાસ વિણી સાંજના 5 થી 6 વાગ્યાની વચ્ચે પરત ગામમાં આવી રહયા હતા ત્યારે નદી પાસે ત્રાટકેલા દિપડાએ કુવરસિંહના 6 વર્ષના પુત્ર પારસને ઉઠાવ્યો હતો આગળ પાછળ ચાલતા આ પરિવારે બાળકની ચીસથી નજર નાખતા તેમને દિપડો ઉઠાવી જતો દેખાયો હતો 6 વર્ષના બાળકને લઇ જતા દિપડાને જોઇ આ પરિવાર ફફડી ગયો હતો અને દોડીને ગામમાં આવી જાણ કરતા પાણીયાના સરપંચ શ્રી રઘુભાઇ વાળા સહિતના ગ્રામજનો દોડયા હતા પરંતુ ત્યાં સુધીમાં આ દિપડાએ બાળકનું મોત નીપજાવી દીધુ હતુ આ બનાવની જાણ કરાતા વન વિભાગ, પોલીસ તંત્ર દોડી ગયુ હતુ અને તંત્ર દ્વારા આ ઘટનાના પગલે આસપાસના ગામોમાં સરપંચોને જાણ કરાઇ હતી કે તેઓ રાત્રે વાડી ખેતરોમાં અનિવાર્ય હોય તો જ જાય અને હાથમાં હથીયાર કે ગળામાં કોઇ વસ્તુ વીટેલી રાખે.
કમાણી કરવા માટે વતન મધ્યપ્રદેશથી અમરેલી જિલ્લામાં આવેલા શ્રમિક પરિવારે પોતાનું રતન ખોયુ હતુ અને આ ઘટનાની જાણ થતા પાણીયાની આસપાસના ગામડાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે વન તંત્ર તાકિદે માનવભક્ષી દિપડાને પકડી પાંજરે પુરે અથવા ઠાર મારે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

  • જ્યાં સિંહ નહી હોય ત્યાં દિપડાની વસ્તી વધવાની

 

જે જે વિસ્તારમાં સિંહોની વસ્તી નથી ત્યાં દિપડાઓએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે ધારીના દલખાણીયા વિસ્તારમાં એક સમયે 50 જેટલા સિંહો ગર્જના કરતા હતા હવે તે બે પાંચની સંખ્યામાં રહયા છે સેમરડી નજીકના ડુબકીયામાંથી 30 ઉપરાંતના સિંહોને લઇ જવાયા બાદ તે મૃત્યુ પામ્યા છે અથવા પરત નથી આવ્યા આ વિસ્તારમાં સિંહની સંખ્યા ઘટવાને કારણે દિપડાઓની સંખ્યા વધી છે બિલાડી કુળના આ બંને પ્રાણીઓમાં સિંહની હાજરી અને તેનો વિસ્તાર હોય ત્યાં જવાની દિપડાઓ હિંમત નથી કરતા જેથી સિંહની ગેરહાજરીથી દિપડાઓ ત્યાં ફાલે ફુલે છે.