અમરેલી,
ધારી તાલુકાના માણાવાવ ગામે જમીનના વિવાદ મુદ્દે સમાધાન માટે લોકો એકઠા થયા બાદ મામલો બિચકતા ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો તેમજ કાર અને બાઇકમાં તોડફોડ કરી હતી તથા મકાન ઉપર પત્થરમારો કર્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ધારીના માણાવાવ ગામે વીરાભાઇ જગમલભાઈ રામ અને સોરઠીયા આહિર જ્ઞાતિના સગા સબંધીઓ ખેતીની જમીન વેચાતી રાખીને ઘણા સમયથી ખેતીનો વ્યવસાય કરતા હતા અને મેસુરભાઇના મામાના દીકરા પરબતભાઇ રાજાભાઇ રાજતીયા રહે.કેશોદ તથા મનસુખભાઇ નાનજીભાઇ ડેડાણીયા રહે.રંગપુર તા.કેશોદ વાળાને આજ થી છ સાત વર્ષ પહેલા માણાવાવ ગામની સીમમા મેસુરભાઇની વાડીની બાજુની જમીન મેસુરભાઇએ વેચાતી અપાવેલ જે જમીન વેચાતી રાખવા આરોપીઓએ વાત કરેલી હોય જે જમીન વેચાતી રાખ્યા વગર આ લોકોએ છેલ્લા દોઢ માસથી જમીનનો કબ્જો લઇ જમીનમાં ચણાનુ વાવેતર કરી નાખેલ હતુ જે વિવાદનું સમાધાન કરવાની વાત ચાલતી હોય જેમા હરદીપ વાળા, જશુ વાળા, હકુ વાળા અને ઘેલુ વાળનેઆ જમીન સસ્તા ભાવે જોઇતી હોય પરબતભાઇ તથા મનસુખભાઇને જમીન સસ્તા ભાવે દેવી ન હોય આરોપીઓએ બે ફોરવ્હિલ લઇ આવી પ્રથમ વિરાભાઇ વાડીએ તેના રહેણાંકના મકાને આવી ગાળો આપી ઘરમા છુટ્ટા પથ્થરના ઘા કરી ઘર પાસે પડેલ ફોરવ્હિલ તથા બે મો.સા.મા તોડફોડ કરી અંદાજે રૂ.40 થી 45 હજારનુ નુક્શાન કરી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમા મૈસુરભાઇના વાડી ખેતરે તેના રહેણાંકના મકાને આ તમામ લોકોએ ફોરવ્હિલ લઇ આવી ઘર ઉપર પથ્થરના ઘા કરી ગાળો આપી ડેલા ઉપર લોખંડના પાઇપ મારી ડેલાને ઘોબા પાડી નુકશાન કરેલ અને ફાયરીંગ કરેલ ત્યાર બાદ માલદેભાઇના વાડી ખેતરના રહેણાંકના મકાને જઇ મકાનમા પથ્થરના છુટા ઘા કરી ગાળો આપી મારી નાખવાના ઇરાદે માલદેભાઇના રહેણાંકના મકાનના ડેલામા કોઇ હથિયારથી ફાયરીંગ કર્યું હતું.