ધારીમાં રામ લખન ઉપર લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ

  • ખોડીયાર ડેમની જમીન ઉપર દબાણ કરી મકાન ચણી લેનારા માથાભારે ઝપટમાં
  • કલેકટરશ્રી તથા એસપીશ્રી દ્વારા ભુમાફિયાઓ સામે આકરા પગલાઓ : જળ સિંચન વિભાગ દ્વારા ધારી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઇ

અમરેલી,
જમીન પચાવી પાડનારા ભુમાફીયાઓ માટે નવા ઘડાયેલા કાયદા હેઠળ ધારી ખાતે આવેલ ખોડીયા સિંચાઇ યોજનાની જમીન ઉપર દબાણ કરી કબ્જો જમાવનારા લખન કમાભાઇ મેર અને રામ કમાભાઇ મેર ઉપર લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો દાખલ થતા ભુમાફીયાઓ ફફડી ગયા છે.
જાણવા મળતી માહિતી અનુસાર સરકારી જમીન કે માલીકીની જમીનોમાં કબ્જો જમાવી દબાણ કરનારા માથાભારે શખ્સો સામે 10 થી 14 વર્ષની જેલ અને દંડ સહિતની જોગવાઇઓ સાથે દરેક જિલ્લામાં સ્પેશ્યલ કોર્ટની રચના કરી લેન્ડગ્રેબીંગની તપાસ થનારી છે ધારીમાં ખોડીયાર સિંચાઇ યોજનામાં લીલાવંતીબેન પ્રભુદાસ વાણીયા પાસેથી સરકારે સંપાદન કરેલી અને 1963 થી ખોડીયાર પ્રોજેક્ટ એક્ઝીક્યુટીવ એન્જીનીયરના નામે આવેલી જમીનમાં સરદાર નગર પાછળ રહેતા રામ અને લખન મેરએ 2016 માં દબાણ કર્યાનું ખુલતા તેને નોટીસ આપી ડીમોલેશન કરાયુ હતુ આમ છતા બંનેએ ફરી દબાણ કરતા નોટીસ અપાઇ હતી પરંતુ નોટીસને તે ઘોળીને પી ગયા હતા જેથી ગઇ તા.26 નવેમ્બરે પોલીસ પ્રોટેક્શનમાં દબાણ દુર કરાયેલ એસપીશ્રી નિર્લિપ્ત રાયએ આ અંગે ખાનગી તપાસ કરાવતા અને બંનેની જનમ કુંડળી કાઢતા જાણવા મળેલી વિગતો કલેકટરશ્રી આયુષ ઓક તરફ લેન્ડગ્રેબીંગની દરખાસ્ત મોકલતા કલેકટરશ્રીએ બંને સામે ગુનો દાખલ કરવાનો હુકમ કરતા બંને સામે ગુનો દાખલ કરી ખાસ તપાસ ટીમની રચના કરી ડીવાયએસપી શ્રી સાવરકુંડલકા તથા સહાયક તપાસ અધિકારી શ્રી જી.એ. રબારી અને શ્રી એન.એ. વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે.