ધારીમાં લુખ્ખાઓ પાસેથી મિલ્કતો પાછી ઓકાવતા શ્રી નિર્લિપ્ત રાય

  • આ તો માત્ર ટ્રેલર છે આખી ફિલ્મ હવે આવી રહી છે
  • માથાભારે શખ્સો દ્વારા સરદાર નગર રેસીડેન્સીમાં પાંચ મકાનો ઉપર કબ્જો કરી લેવાયો હતો

અમરેલી,
વ્યાજખોરોની સામે જંગ છેડનાર શ્રી નિર્લિપ્ત રાય દ્વારા વધુ એક મોરચો ખોલવામાં આવ્યો છે અને એ છે લુખ્ખાઓ દ્વારા કોઇની પચાવી પાડેલી મિલ્કતો પરત આપવાનો. આજે ધારીમાં શ્રી નિર્લિપ્ત રાય દ્વારા પાંચ મકાનો ઉપર કબ્જો જમાવનાર માથાભારે શખ્સોની શાન ઠેકાણે લાવી તેના મુળ માલીકને કબ્જો પરત અપાવ્યો હતો આ અંગેની વિગતો એવી છે કે ધારીમાં અજયભાઇ મનુભાઇ સોની, રહે.જીરા, તા.સાવરકુંડલા તથા વિનોદભાઇ પોપટભાઇ પડશાળા, રહે.સરસીયા, તા.ધારી તથા દિપકભાઇ બાલાભાઇ કથીરીયા, રહે.મોટા ગોખરવાળા, તા.જિ.અમરેલી વાળાઓએ મળીને ધારીમાં સરદારનગર રેસીડેન્સીનું નિર્માણ શરૂ કરેલ હતું, જેમાંથી કુલ 26 મકાનો બની ગયેલ હતાં. આ 26 મકાનોમાંથી 3 મકાનો વેચાઇ ગયેલ અને બાકીના મકાનો બંધ હાલતમાં પડેલ હતાં. આ બંધ મકાનોમાંથી કુલ 5 મકાનો ઉપર સને 2018 થી ધારીના માથાભારે અને પ્રોહિ પ્રવૃતિ કરતા ઇસમો રામ કમાભાઇ મેર તથા લક્ષ્મણ કમાભાઇ મેર દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવેલ. કબજો કરેલ 5 મકાનોમાંથી 3 મકાનોમાં તેઓ પોતે રહેતા હતાં, અને 2 મકાનો તેમણે ભાડે આપી દીધેલ હતાં. આ 26 મકાનો પૈકીનું એક મકાન જે બગસરાના સંજયભાઇ વજુભાઇ ધાણકનું હોય, અને તેના ઉપર આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી લીધેલ હોય, સંજયભાઇના સમજાવવા છતાં, આ માથાભારે ઇસમો મકાનનો કબજો ખાલી કરતાં ન હોય, ધાક ધમકી આપતાં હોય, જેથી મકાન માલિક સંજયભાઇ દ્વારા ધારી પોલીસમાં ગુનો દાખલ કરાવાયો અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ આમ જનતાની મિલ્કત પચાવી પાડનાર ઇસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરી, મુળ માલિકને તેમની મિલ્કત પરત મળી જાય, તે માટે કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, માથાભારે ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી, ગુનો દાખલ થતાં, આ ઇસમોએ મકાન જેને ભાડે આપેલ, તે ભાડુઆત દ્વારા મુળ માલિકને તેમના મકાનનો કબજો પરત સોંપી આપેલ હતો તેમજ કબજો પચાવી પાડનાર ઇસમો દ્વારા પણ મકાનોનો કબજો મુળ માલિકને પરત સોંપી આપવામાં આવેલ હતુ.