ધારીમાં 14 વર્ષની જીગરના ટુકડા જેવી દિકરીની મા રાહ જોઇને બેઠી હતી

  • પરિવારને જ્યારે અસ્થિ મળ્યા ત્યારે ખબર પડી ગઇ હતી પણ મા અજાણ હતી
  • પોલીસે જ્યારે કહયુ કે તમારી દિકરી હવે નથી ત્યારે મા ના રૂદનથી કઠણ કાળજાની પોલીસની આંખ પણ ભીની થઇ ગઇ

અમરેલી,
ધારીના પ્રેમપરા વિસ્તારની 14 વર્ષની અણસમજુ સગીરાને ભગાડી જવામાં સફળતા ન મળતા તેના પ્રેમીએ મિત્રો સાથે મળી તેનું ખુન કરી અને લાશને દાટી દીધાના બનાવનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કર્યાના બનાવમાં હૈયુ હચમચાવી દેતી અનેક બીજી બાબતો પણ સામે આવી રહી છે. 2016 ની 18 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પરિવારની 14 વર્ષની દિકરી ગુમ થઇ એટલે પરિવારે તેની શોધ ખોળ કરી હતી અને ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી ત્યાર બાદ થોડા સમય સુધી તેની શોધખોળ પણ કરી હતી પણ આ દિકરી ગમે તેની સાથે સંસાર માંડી સુખી હશે તેવી છાની ગણતરી કદાચ આ પરિવારને હશે પણ તેણીની આવી ઘાતકી હત્યા થઇ હોય તેવી કલ્પના નહી હોય આ સગીરાને ગળુ દાબી મારી નાખનાર તેના પ્રેમી વિમલ અને મિત્રો હિતેશ, જયરાજ અત્યારે પોલીસના હાથમાં છે અને જ્યારે પોલીસે ચાર વર્ષ પહેલા દાટી દેવાયેલી આ સગીરાના અસ્થિ બહાર કઢાવ્યા ત્યારે તેના પરિવારને અંદેશો આવી ગયો હતો કે આપણી દિકરી હવે નથી રહી પણ પોલીસ જ્યારે નિવેદન માટે તેણીની માતા સમક્ષ ગઇ ત્યારે તેમણે તેને જાણ કરી કે તમારી દિકરી હવે આ દુનિયામાં નથી ત્યારે અનેક પ્રકારની વાતો છતા દિકરી મળશે તેવી આશાએ તેમની માતા રાહ જોઇ રહી હતી અને આ સમાચારથી આ મા ની મમતાના ચિતકારભર્યા રૂદનથી કઠણ કાળજાની પોલીસની આંખો પણ નરમ થઇ ગઇ હતી.

  • બાળાના અસ્થિ મળ્યા પણ ખોપરી હજુ ગાયબ

ધારીના પ્રેમપરાની અણસમજુ અને કમનસીબ બાળાનું ખુન કર્યા બાદ એક વર્ષે ત્યાં જોવા ગયેલા હત્યારાઓએ બાળાનું મસ્તક જમીનમાંથી ઉચુ આવેલુ જોઇ તેને તળાવમાં ફેંકી દીધ્ાુ હતુ અને પોલીસ દ્વારા ત્યાં સઘન શોધખોળ કરવા છતા તે ન મળતા તેનું મસ્તક કાં તો પુરમાં તણાઇને ચાલ્યુ ગયુ હોય અથવા કાંપમાં દટાઇ અને સડી ગયુ હોય તેવી અટકળો થઇ રહી છે.

  • દિકરીની અંતિમ નિશાની જેવા અસ્થિ પણ પરિવારને હમણા નહી મળે

હત્યારા વિમલ, જયરાજ અને હિતેષને તેણે કરેલા જધન્ય અપરાધની કડક સજા મળે તે માટે શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વૈજ્ઞાનીક ઢબે સજ્જડ પુરાવાઓ શોધવામાં આવી રહયા છે અને આ બાળાના અસ્થિ ડીએનએ સહિતની કાનુની પ્રક્રિયાઓ માટે હાલમાં પોલીસના કબ્જામાં રહેનાર હોય પરિવારને આ પ્રક્રિયા પુર્ણ થયા બાદ તે અસ્થિ મળી શકશે.