- મનનાં માનેલ સાથે સંસાર માંડવા દોટ મુકતી નાસમજ ટીનએજર માટે લાલબતીરૂપ બનાવ : ચાર વર્ષે ખબર પડી કે દીકરી ભાગી નથી પણ જમીનમાં દાટી દેવાઇ છે
- ચાર વર્ષ પહેલા રક્ષાબંધનના દિવસે જ બાળાને ભગાડી જવા બાઇક ઉપર બેસાડી પણ બાળાએ પ્રતિકાર કરતા ભાંડો ફુટશે તે ડરે મિત્ર સાથે મળી બાળાનું ખુન કરી નાખ્યું હતુ
- ચાર વર્ષ પહેલા ખુન કરી લાશને ભાયાવદરના જંગલમાં દાટી દીધી હતી : હત્યા કરી લાશ દાટવામાં મદદરૂપ થનાર બે મિત્રોને પણ પોલીસે પકડયા : ખળભળાટ મચાવતો કિસ્સો
અમરેલી,
તા.18 ઓગસ્ટ 2016 ના રક્ષાબંધનના દિવસે ધારીના પ્રેમપરા વિસ્તારમાં રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ થઇ હતી જે તે વખતે પોલીસે આકાશ પાતાળ એક કરવા છતા સગીરા કે તેને ભગાડી જનારનો પતો લાગેલ નહી પણ ચાર વર્ષે એસપી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સગીરાને ભગાડી ગયેલ તેના પ્રેમીએ મિત્રોની મદદથી આ સગીરાની ગળુ દાબી હત્યા કરી લાશને દાટી દીધી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસની તપાસમાં સમાજની આંખ ઉઘાડનાર ગંભીર બનાવનો પર્દાફાશ થયો હતો.
આ સમગ્ર વિગત આપતા સાવરકુંડલાના ડીવાયએસપી અને આ બનાવનું સુપરવીઝન કરી રહેલ શ્રી કે.જે.ચૌધરીએ જણાવેલ કે આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ગત તા. 18 ઓગસ્ટ 2016 ના ધારીના પ્રેમપરા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા ઘેરથી ગુમ થઇ હતી અને 19મી એ પોલીસમાં કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ થઇ હતી દરમિયાન ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અને રેલ્વેઝ દ્વારા સગીર વયના ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ તે અંતર્ગત અમરેલી જિલ્લામાં એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાના ગુમ થયેલા સગીર વયના બાળકોની માહિતી એકત્ર કરી પોલીસને શોધી કાઢવા સુચના અપાઇ હતી.
દરમિયાન ધારીના પ્રેમપરામાં 2016 માં અપહરણ કરાયેલ 14 વર્ષની બાળાની આજ દિન સુધી કોઇ ભાળ મળેલ ન હોય અને પરિવારના સભ્યોનો સંપર્ક ન કરેલ હોવાથી અઘટીત બનાવ બન્યો હોવાની શંકા શ્રી નિર્લિપ્ત રાયને જતા તેમણે આ બનાવની તપાસ ઇન્વેસ્ટીગેશન માટે જાણીતા એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી આર.કે. કરમટાને સોંપી અને માર્ગદર્શન આપ્યુ હતુ શ્રી કરમટાની ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલફર્લો સ્કવોર્ડની ટીમના એ.એસ.આઇ. મહેશભાઈ ભુતૈયા, બળરામભાઇ પરમાર, વિજયભાઈ ગોહિલ, મયુરભાઇ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ ચાવડા, જયદિપસિહ ચુડાસમા, જયપાલસિહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રકુમાર ધાધલ, જીજ્ઞેશભાઇ પોપટાણી, મહેશભાઈ મુધવા, જનકભાઈ કુવાડીયા, અજયભાઈ સોલંકીને તેના અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે આ ગુમ થયેલી બાળા તેના જ વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે વધ્ાુ વાતચીત કરતી હતી આથી પોલીસે આ યુવકની શોધખોળ શરૂ કરી હતી તે હાલ વિસાવદરના શોભાવડલા ગામમાં રહેતો હોય જેને ઉઠાવી પુછપરછ કરતા તેમણે પોતાના બે મિત્ર સાથે મળી આ બાળાનું અપહરણ કરીને ગળુ દબાવી ખુન કરીને લાશને દાટી દીધી હોવાની ચોંકાવનારી કબુલાત આપી હતી.
પોલીસની તપાસ દરમિયાન એવી વિગત ખુલી હતી કે ધારીના પ્રેમપરાનો વતની અને હાલ શોભાવડલા વિમલ વિનુ ભારોલાએ માત્ર 14 વર્ષની આ બાળાની અપરિપકવતાનો લાભ લઇ તેની સાથે અવાર નવાર શરીર સબંધ બાંધેલ અને 18મી એ ધારીમાં જ રહેતા પોતાના મિત્ર જયરાજ મંગા બતાડા સાથે આ બાળાને લલચાવી ફોસલાવી મોટરસાયકલ ઉપર લઇ જતા હતા ત્યારે આ બાળાએ વિમલ સાથે જવાની ના પાડતા તેને સમજાવવાને બહાને ધારીના ભાયાવદરથી આગળ જંગલ વિસ્તારમાં લઇ જઇ પોતાની સાથે ભાગી જવા સમજાવેલ પણ તેણી ન માનતા તે ઘરના સભ્યોને પોતાનું નામ દઇ દેશે અને પોતાના પાપનો ઘડો ફુટશે તેવી બીક લાગતા વિમલે તેણીને મોઢે ડુચો દઇ હાથ પકડી રાખેલ અને જયરાજે તેમનું ગળુ દબાવી ખુન કર્યુ હતુ ખુન કરી લાશને બાવળીયામાં સંતાડી બંને પોતાના ઘરે ચાલ્યા ગયેલ રાત્રે વિમલ અને જયરાજે પોતાના ત્રીજા મિત્ર હિતેશ ભનુ પાટડીયાને બોલાવી ત્રીકમ પાવડા સાથે ખુનની જગ્યા જઇ જમીનમાં ખાડો કરી લાશને દાટી ત્રીકમ પાવડો શેત્રુજી નદીમાં ઘુનામાં નાખી દીધેલ.
આરોપી વિમલે ઉપરોક્ત કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચના શ્રી કરમટાએ તેને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લઇ પુછપરછ કરતા તેના બંને મિત્રોની સંડોવણી નીકળતા તે બંનેની પણ ધરપકડ કરી હતી અને એફએસએલના અધિકારીશ્રી ઇટાળીયા, ધારીના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની હાજરીમાં વિમલે ખુનની જગ્યા બતાવી હતી પોલીસે ખોદકામ કરાવતા હાડકા મળી આવ્યા હતા જેને પોસ્ટમોટમ અને સાઇન્ટીફીક તપાસ માટે ભાવનગર મોકલી આપવામાં આવેલ ચાર વર્ષ સુધી કોઇ પુછપરછ ન થતા હત્યારાઓ નચિંત બની ગયા હતા પણ પોલીસના હાથ ચાર વર્ષે પણ તેના સુધી પહોંચી ગયા હતા શ્રી કરમટાની સાથે એલસીબીના પીએસઆઇ શ્રી પૃથ્વીરાજસિંહ મોરી તથા શ્રી ડી.એ. તુવર અને સ્ટાફે આ પરફેક્ટ ડીટેક્શનની કામગીરી કરી હતી.
- પરિવારને એમ કે 18 વર્ષની થતા દિકરી આવશે પણ તેનું હાડપીંજર આવ્યું
ધારીના ગુમ થયેલી 14 વર્ષની દિકરીના પરિવારને એમ હતુ કે દિકરી 18 વર્ષની થતા કદાચ પરિવારનો સંપર્ક કરશે કે પરત આવશે પરંતુ ગુમ થયાના બરાબર ચાર વર્ષે તેણીના પોટલુ ભરેલા હાડકા બહાર નીકળ્યા હતા?
- પોલીસે ડીસ્કવર પંચનામું કરી લાશને દાટી હતી તે જગ્યા ખોદાવી
શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસે ડીસ્કવર પંચનામું કરી લાશની જે જગ્યાને દાટી હતી ત્યાં ખોદકામ કરાવ્યુ હતુ અને એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ આ હાડકા સ્ત્રીના છે કે પુરૂષના ? એની ઉમર કેટલી ? જો તે સ્ત્રી હોય તો પ્રેગ્નેન્ટ હતી કે કેમ? તે જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરવા ભાવનગર મોકલેલ છે.
- એક વર્ષે વિમલ લાશ જોવા ગયો અને લાશનું માથુ બહાર નીકળી ગયું હતુ
સગીરાની લાશને માત્ર દોઢ બે ફુટ ઉંડા ખાડામાં જ દાટી હોય તે બહાર તો નથી નીકળી ને તે જોવા માટે એક વર્ષે વિમલ ખુનના સ્થળે ગયો હતો અને ત્યાં તેણીનું માથુ બહાર નીકળી ગયેલુ જોવા મળ્યુ હતુ જો કે હાલમાં મળેલ અસ્થિમાં તેમની ખોપરી ગુમ છે.આ ઉપરાંત વિમલ ચાર વર્ષમાં 16 વખત બનાવની જગ્યાએ લાશ ત્યાં જ છે કે કેમ તે જોવા માટે ગયો હતો.
- હત્યા કરી હત્યારો વિમલ ભારોલા ધારી છોડી સુરત ચાલ્યો ગયો હતો
સગીરાની હત્યા કરી વિમલ ધારી મુકી સુરત ચાલ્યો ગયેલ અને ત્યાંથી વિસાવદરના શોભાવડલા ગામે બગસરા રોડ ઉપર આવેલ ભરડીયા પાસે રહેતો હતો અને ફેબ્રીકેશનનું કામ કરતો હતો પણ ધારી મિત્રો સાથે તે સંપર્કમાં હતો.
- વિમલનું પાપ પોકારતુ હતું તેથી ચાર વર્ષે પોલીસને તેની માહિતી મળી
સાવ નિર્દોષ એવુ ગભરૂ 14 વર્ષની બાળાની સાથે મોઢુ કાળુ કરી તેની ઘાતકી હત્યા કરનાર વિમલ ઉપર કોઇને શક ન હતો અને તે પણ નચિંત હતો પણ છાના ખુણે તેને ભય હતો જેથી તે અવાર નવાર લાશ જોવા માટે જતો હતો અને તેના મગજમાં રહેલા ભયએ ચાર વર્ષે પોલીસ પાસે બાતમી પહોંચાડી કે આ બાળા ગુમ થવામાં નક્કી વિમલનો જ હાથ છે.
- વિમલને પકડી સગીરાનો પત્તો પુછયો અને પોલીસ ચોંકી
વિમલને પકડી અને આ બાળાનું તેની પાસેથી કબ્જો લેવા માટે પોલીસ દ્વારા વિમલની પુછપરછ કરાઇ હતી પણ જ્યારે વિમલે આ બાળાની પોતે ચાર વર્ષ પહેલા હત્યા કરી હોવાનું જણાવતા કઠણ કાળજાની પોલીસ પણ અરેરાટી કરી ગઇ હતી અને હત્યા પણ કેવા સંજોગોમાં થઇ હતી તેનું રીકંટ્રકશન કરાયુ હતુ ફેબ્રીકેશનનું કામ કરતા વિમલે સગીરાને મોઢે ડુચો દીધો અને જયરાજે તેણીનું ગળુ તેનો તરફડાટ શાંત ન થાય ત્યાં સુધી દબાવી રાખ્યુ હતુ.