ધારી ખાતે સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થશે

અમરેલી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને 15 ઓગસ્ટના રોજ, સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ધારી સ્થિત મામલતદાર કચેરીના પટાંગણમાં કરવામાં આવશે. સ્વાતંત્ર્ય દિન ઉજવણીના જિલ્લાકક્ષાના આ કાર્યક્રમના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, અમરેલી ખાતે બેઠક યોજાઇ હતી.
નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપતા જણાવ્યુ કે, આ કાર્યક્રમના આયોજન માટે સમિયાણા, બેઠક વ્યવસ્થા, મંડપ, માઇક, સરકારી કચેરીઓમાં લાઇટીંગ ગોઠવવી, પાર્કિંગ માટે વ્યવસ્થા કરવી. આ ઉપરાંત આ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ, પ્લાટૂન દ્વારા પરેડ કરવામાં આવે તે માટે પોલીસ કચેરી દ્વારા ઘટતું કરવામાં આવે તે માટે તેમણે સૂચના આપી હતી.
કાર્યક્રમના મિનિટ ટુ મિનિટ, એનાઉન્સમેન્ટ, આમંત્રણ કાર્ડ છપાવવા સહિતની કામગીરી અને સમગ્રતયા સંકલન ધારી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવશે. સ્વાતંત્ર્ય સેનાનીઓનું અને ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃત્તિક કૃત્તિઓ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના સ્થળે મેડિકલ ટીમ, પીવાના પાણી અને સેનિટેશન માટે વ્યવસ્થા કરવામાં આવશે.