ધારી,
ધારી તાલુકા પંચાયતનાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન પદની આજે ચુંટણી હોય તેમાં આદીવાસી મહિલા સભ્ય ચેરમેનપદે ન ચુંટાતા તેમણે તાલુકા પંચાયતમાં જ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે ધારી તાલુકા પંચાયતની દલખાણીયા સીટ ઉપરથી સૌથી વધ્ાુ મતોથી ચુંટાયેલા શ્રી નિર્મળાબેનદેવજીભાઇ લુણગાતર નામના આદિવાસી મહિલા સભ્ય સામાજીક ન્યાય સમિતીના સભ્યપદે હતા આજે 9 મી એ ન્યાય સમિતીના ચેરમેનની ચુંટણી હોય તેમાં ચતુરભાઇ સરવૈયાની પુન: વરણી થતા તાલુકા પંચાયતના હોલમાંથી દાદરો ઉતરતા નિર્મળાબહેનને ઉલ્ટી થવા લાગતા સૌએ પુછતા તેમણે જણાવેલ કે મે ફીનાઇલ પી લીધ્ાુ છે જેથી તેમને પોલીસની ગાડીમાં સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાંથી અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.સિવીલ હોસ્પિટલમાં નિર્મળાબેને જણાવ્યુ હતુ કે આવતા અઢી વર્ષ માટે તમને ચેરમેન બનાવશુ તેવુ કહયુ હતુ પણ મને ચેરમેન ન બનાવી અન્યાય કરવામાં આવતા અને મારી રજુઆતો ન સંભળાતા મે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.તાલુકા પંચાયતની વરણીઓમાં નિર્મળાબેનને ધારી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી હતી અને ન્યાય સમિતીના ચેરમેન પદ માટે તેમને ભરેલા આ પગલાથી ભારે રાજકીય ચર્ચા જાગી છે.