ધારી પંથકમાં તોફાની પવન સાથે એક ઇંચ : વૃક્ષો ધરાશાયી

અમરેલી,વાવાઝોડાના પગરણ થાય તે પહેલા તેની અસરના ભાગરૂપે અરબી સમુદ્રને અડીને આવેલા અમરેલી જિલ્લામાં પવન સાથે ખાબકેલા વરસાદથી ધારી અને બગસરામાં વૃક્ષો ધરાશાયી થયા છે આંબરડીમાં કેરીના પાકનો સોથ બોલ્યો છે અને ધારીમાં અમુક જગ્યાએ વાવણી થઇ શકે તેવો વરસાદ પડતાં આજે અગીયારસ હોય મેઘરાજાએ અગીયારસના શુકન સાચવ્યા છે.
ધારી પંથકનાં ખીચા, દેવળા અને આંબરડીમાં ધોધમાર વરસાદ પડયો હતો આંબરડીથી પત્રકાર શ્રી ધીરૂભાઇ દેસાઇ જણાવે છે આંબરડી આસપાસ એકથી દોઢ ઇ ંચ જેટલો વરસાદ પડયો હતો જેના કારણે જેણે કેરી નથી ઉતારી તેના બગીચાને નુકશાન થયુ છે જ્યારે ધારીથી ઉદય ચોલેરાનો અહેવાલ જણાવે છે કે ધારીમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે તુલસીશ્યામ રોડ ઉપર રેલ્વે ફાટક પછી પાંચ જેટલા વૃક્ષો ભારે પવનને કારણે જમીનદોસ્ત થઇ ગયા હતા અમરેલી ડીજાસ્ટર વિભાગના મામલતદાર શ્રી બીરજુ પંડયાએ જણાવ્યુ હતુ કે ધારીમાં 13 એમએમ વરસાદ પડયો છે.
બગસરાથી રૂપેશ રૂપારેલીયાનો અહેવાલ જણાવે છે કે સમી સાંજે બગસરાના નટવરનગરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો વરસાદ તો ઓછો હતો પરંતુ ભારે પવનને કારણે 7 થી 8 વૃક્ષો જમીનદોસ્ત થઇ જતા વિજ વાયરો તુટી ગયા હતા જેના કારણે વિજ પુરવઠો ઠપ થઇ ગયો હતો અને હુડકો વિસ્તારની શાળા નં.4 મુખ્ય દરવાજો પણ જમીનદોસ્ત થયો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ છે.
લીલીયાથી મહેશ દવેનો અહેવાલ જણાવે છે કે સંભવીત વાવાઝોડાના કારણે અમરેલી જીલ્લામાં છેલ્લા 3 – 4 દિવસથી વાતાવરણ બદલાતા બફારાનું પ્રમાણ વધ્યું છે. બપોર બાદ આકાશમાં વાદળાઓ છવાતા આ સાંજે 6:30 કલાકે લીલીયા પંથકમાં ગાજવીજ અને પવનની વાજડી સાથે અડધા થી પોણો ઈંચ વરસાદ પડયો હતો.ચલાલાથી પ્રકાશ કારીયાનો અહેવાલ જણાવે છે કે રોડ ભીના થાય તેવો વરસાદ પડયો હતો અને લાઠી, દામનગર, અમરેલીમાં અમી છાટણા થયાં હતા અમરેલીના પ્રતાપપરામાં તથા વરૂડી, વેણીવદર, આંકડીયાની સીમ તરફ જરમર વરસાદ પડયો હતો અને અમરેલી શહેરમાં સાંજે રોડ ભીના કરી દેતુ ઝાપટુ પડયું હતુ.