ધારી-બગસરા બેઠકની ચૂંટણી જાહેર : ત્રીજી નવેમ્બરે મતદાન

કોરોના સંકટ વચ્ચે યોજાશે વિધાનસભાની પેટાચૂંટણી : આગામી નવમી તારીખથી ઉમેદવારીપત્ર ભરાશે : નવમીએ જ જાહેરનામુ પ્રસિધ્ધ કરાશે : આચારસહિંતા લાગુ
ઇવીએમથી મતદાન : 10મીએ મતગણત્રી : અમરેલી જિલ્લાની ધારી-બગસરા-ખાંભા વિધાનસભા બેઠક ઉપર શ્રી જેવી કાકડીયાએ રાજીનામુ આપતા બેઠક ખાલી પડેલ

અમરેલી, ગુજરાત વિધાનસભાની 8 પેટાચૂંટણીઓ માટે જે ઘડીની રાહ જોવાઈ રહી હતી, તે ક્ષણ આખરે આવી ગઈ છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ધારી-બગસરા સહિતની 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી થશે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે 9થી 16 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનો ફોર્મ ભરી શકશે. 09 ઓક્ટોબરે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ પેટાચૂંટણીની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે. ચાવડાએ જણાવ્યું છે કે આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે.ચાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પેટાચૂંટણીઓ માટે ભાજપ જવાબદાર છે. પરંતુ પક્ષપલટુઓને આ વખતે પ્રજા જાકારો આપશે. હાલ કોંગ્રેસમાં આઠેય બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલું છે.
ધારી, અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ગઢડાવ અને કરજણ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 12 રાજ્યોની 56 વિધાનસભાની સીટો અને બિહારની એક લોકસભા સીટ પર પેટાચૂંટણીઓની તારીખ જાહેર કરીદીધી છે અહીં 3 નવેમ્બરે વોટિંગ અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.