ધારી-બગસરા બેઠકની ચૂંટણી માટે સજ્જ બનતુ ગાંધીનગર

અમરેલી,અમરેલી સંસદીય મત વિસ્તારની ધારી બગસરા ખાંભા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ખાલી પડેલી આ બેઠક ઉપર ગુજરાતની અન્ય વિધાનસભા બેઠકો સાથે પેટા ચુંટણી આવી રહી છે અને તેના માટે ગાંધીનગરથી ઉમેદવારો અને બીજી વ્યવસ્થાઓ માટે ચકાસણી શરૂ થઇ ગઇ હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે.જાણવા મળતી માહિતી અનુસાર 2017 ના ગુજરાત વિધાનસભાના જંગમાં એક સમયે ભાજપનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કોંગ્રેસને રાજુલા, ધારી, કુંડલા, અમરેલી, બાબરા મળી પાંચે પાંચ વિધાનસભા બેઠકો મળી હતી આ પાંચ પૈકીની ધારી બેઠક ઉપર શ્રી જે.વી. કાકડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા આ બેઠક ખાલી પડી હતી શ્રી કાકડીયા સાથે રાજ્યમાં અન્ય ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા હોય તે રાજ્યની તમામ બેઠકોની સાથે ધારી-બગસરા બેઠકની ચૂંટણી માટે ગાંધીનગરથી તૈયારીઓ શરૂ કરાઇ હોવાનું જાણવા મળેલ છે.રાજ્યસભાની ચુંટણી પુર્ણ થતા જ કોરોનાનું સંકટ દૂર થાય કે ન થાય પણ ધારી બેઠકની પેટા ચૂંટણી હવે ઝડપથી આવી રહી છે ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા પેટા ચૂંટણીઓ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કોઇ નવા ફેરફાર ન આવે તો ધારી બેઠક ઉપર ભાજપમાંથી શ્રી જે વી કાકડીયાનું નામ લગભગ નિશ્ર્ચીત જેવું છે અને સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર કોણ ?ની ગાંધીનગરમાં પણ ચર્ચા સાથે અમરેલી જિલ્લામાંથી લોકોના રીવ્યુ લેવાઇ રહયા હોવાનું જાણવા મળેલ છે.