ધારી બગસરા બેઠક ઉપર શુક્રવારથી ઉમેદવારીનો પ્રારંભ

  • ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સતાવાર ઉમેદવારની જાહેરાત થઇ નથી 
  • ધારી બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે : ધારી બગસરા પંથકમાં ચુંટણીની તૈયારીથી રાજકીય ગરમી
  • લોકડાઉનમાં આર્થિક રીતે ખરાબ હાલતમાં મુકાયેલા ધારી બગસરા અને ખાંભા પંથકમાં દિવાળી જેવી રોનક દિવાળી પહેલા જ પેટાચુંટણી દેખાડશે

અમરેલી,
શુક્રવારે તા.9મી ઓક્ટોબરે રાજ્યની આંઠ વિધાનસભા બેઠકો પૈકીની અમરેલી જિલ્લાની ધારી, બગસરા, ખાંભા વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં જાહેરનામુ પ્રસિધ્ધ થતા જ ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થનાર છે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસે પોતાના સતાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી અને આમ આદમી પાર્ટી આ બેઠક ઉપર જુકાવનાર હોવાનું જાણવા મળેલ છે આ ઉપરાંત અહીં બીજી પાર્ટી અને સબળ અપક્ષ ઉમેદવાર પણ લડવા માટે શસ્ત્રો સજાવી રહયા હોય આ બેઠક ઉપર બહુપાંખીયો જંગ થાય તો પણ નવાઇ નહી.
લોકડાઉનના કપરા સમયે આર્થિક રીતના મંદીના ભરડામાં ફસાયેલા અમરેલી જિલ્લામાં ધારી બગસરા અને ખાંભા વિસ્તારમાં ચુંટણી આવી રહી હોય ત્યાં દિવાળી તો મોડી આવશે પણ તે પહેલા ચુંટણીરૂપી દિવાળીની આતશબાજીનો ફાયદો આ વિસ્તારને ચોક્કસ થશે તેમ મનાઇ રહયુ છે.