ધારી બેઠકમાં વધુ 11 ઉમેદવારી પત્રો ઉપડયા : કુલ 48 ફોર્મ

  • મતી ઉર્વીબેન ટાંક, શ્રી કપીલ વેગડા પછી યુવા આગેવાન શ્રી પીયુષ ઠુંમર અને પાસના આગેવાન શ્રી ધાર્મિક માલવીયાએ પણ અપક્ષ ફોર્મ ઉપાડતા ખળભળાટ
  • કાલે વીપીપીના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ બીજા દિવસે ધારી બેઠકમાં ભાજપના શ્રી જેવી કાકડીયાએ ઉમેદવારી પત્ર રજુ કર્યુ : શ્રીમતી કોકીલાબેન ડમી ઉમેદવાર
  • શુક્રવારે 16, સોમવારે 21 અને મંગળવારે વધુ 7 વ્યક્તિઓએ 11 ફોર્મ ઉપાડતા કુલ 25 ચુંટણી લડવા ઇચ્છુક મુરતીયાઓએ 48 ઉમેદવારી પત્ર ઉપાડયા : 3 ફોર્મ રજુ થયા

અમરેલી,

ગુજરાત વિધાનસભાની પેટાચુંટણીમાં ખાલી પડેલી ધારી બેઠક ઉપર યોજાનારી ચુંટણીમાં મહિલા ઉદ્યોગપતી અને સમાજ સેવીકા શ્રીમતી ઉર્વીબેન અને ભરતભાઇ ટાંક તથા યુવા આગેવાન શ્રી કપીલ વેગડા પછી યુવા આગેવાન અને અગ્રણી ઉદ્યોગપતી શ્રી પીયુષ ઠુંમર અને આજે તેમની સાથે જ સુરત પાસના આગેવાન શ્રી ધાર્મિક માલવીયાએ પણ અપક્ષ ફોર્મ ઉપાડતા ખળભળાટ મચ્યો છે.
જો આ તમામ ફોર્મ ભરી ચુંટણી લડે તો આ બેઠક ઉપર મહાભારત કરતા પણ મોટો મોરચો ખુલી જાય તેવા સંજોગો ઉભા થયા છે દરમિયાન આજે ધારી બેઠકમાં વધુ 11 ઉમેદવારી પત્રો ઉપડયા હોય કુલ 48 ફોર્મ આજ સુધીમાં ઉઠાવાયા છે.
ગઇ કાલે વીપીપીના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ બીજા દિવસે ધારી બેઠકમાં ભાજપના શ્રી જેવી કાકડીયાએ ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતુ અને શ્રીમતી કોકીલાબેન કાકડીયાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે.શુક્રવારે 16, સોમવારે 21 અને આજે મંગળવારે વધુ 7 વ્યક્તિઓ હિતેશભાઇ ગોબરભાઇ સોજીત્રા, અપક્ષ 2 ફોર્મ, નિલેશભાઇ ધરમશીભાઇ નાકરાણી, અપક્ષ 1 ફોર્મ, ઠુંમર પીયુષભાઇ બાબુભાઇ અપક્ષ 1 ફોર્મ, મૌલીક મહેશભાઇ રૂડાણી અપક્ષ 3 ફોર્મ અને મુનવરખાન ચંગીજખાન દુરાનીએ ઇન્ડિયન એલાયન્સ પાર્ટીમાંથી 2 તથા માલવીયા ધાર્મિક નનુભાઇએ અપક્ષ તરીકે 1 ફોર્મ ઉપાડેલ છે ત્રણ દિવસમાં ધારી બેઠક ઉપર કુલ 25 ચુંટણી લડવા ઇચ્છુક મુરતીયાઓએ 48 ઉમેદવારી પત્ર ઉપાડયા છે અને તેમાંથી 3 ફોર્મ રજુ થયા છે.