ધારી વિધાનસભા મત વિસ્તારના 337 બુથ ઉપર આજે મતદાન

  • ધારી વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે 3 નવેમ્બરના મતદાન અને 10 નવેમ્બરના મતગણતરી
  • 1.13 લાખ પુરુષ અને 1.04 લાખ સ્ત્રી એમ કુલ મળી 2.17 લાખ મતદારો મત આપશે
  • કોવીડ પોઝિટિવ, આઇસોલેટેડ કે લક્ષણો ધરાવતા મતદારો માટે તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા

અમરેલી,
ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરાતાં અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિઠલાણીએ જણાવ્યું હતું કે ધારી વિધાનસભા પેટાચૂંટણી બેઠકનું મતદાન તા. 3-11-2020 રોજ અને મત ગણતરી તા. 10-11-2020 ના રોજ હાથ ધરાશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા તા. 12-11-2020 ના રોજ પુરી થશે.
વધુ વિગતો આપતા શ્રી વિઠલાણીએ જણાવ્યું હતું કે ધારી વિધાનસભા મત વિસ્તારના 337 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
તાજેતરના આંકડાઓ મુજબ આ પેટા ચૂંટણી માટે 1,13,296 પુરુષ અને 1,04,185 લાખ સ્ત્રી અને અન્ય 7 એમ કુલ મળી 2,17,488 લાખ મતદારો નોંધાયેલા છે. ધારીના સરસીયા રોડ પર આવેલી એન્જીનીયરીંગ કોલેજ ખાતે રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટર ઉભું કરાશે. ધારીની જી. એન. દામાણી હાઈસ્કૂલ ખાતે પોલીસ સ્ટાફને તાલીમ આપવામાં આવશે તેમજ ધારીની યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતગણતરી યોજાશે. ચૂંટણી આયોગ દ્વારા કોવીડ-19 અંગે આપવામાં આવેલી ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
કોવીડ-19ની પરિસ્થિતિમાં ફરજ પરના સ્ટાફને સેનિટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ આપવામાં આવશે. તેમજ તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે.ચૂંટણીલક્ષી માહિતી માટે તંત્ર દ્વારા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે બે ટોલ ફ્રી નંબર 1800-233-2792 તથા 1800-233-2892 તેમજ ધારી પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે કોલ સેન્ટર નંબર 02797 225070 કાર્યરત કરવામાં આવ્યા છે. સમગ્ર પેટા ચૂંટણી દરમિયાન તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. ચૂંટણીના હેતુ માટે વપરાતા હોલ/રૂમ/પ્રાંગણના પ્રવેશ દ્વારે તમામ વ્યક્તિઓનું થર્મલ સ્ક્રીનિંગ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.