ધોધંબામાં બે મહિનાની બાળકી પર દીપડાએ હુમલો કરતા હોસ્પિટલમાં દાખલ કરાઈ

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે જૂનાગઢ અમરેલી બાજુ સિંહ ગામમાં ઘસી આવે છે ત્યારે ગોધરા- પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ ગામમાં આવી ગ્રામજનોને નુકસાન પહોંચાડે છે ત્યારે ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી ગામમાં બે માસની બાળકી પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દીપડાના હુમલાથી લોકોમાં દહેશત જોવા મળ્યો છે. ઘોઘંબા પંથકમાં અવારનવાર દીપડાઓ મનુષ્યો પર હુમલો કરતા દીપડાની દહેશત યથાવત જોવા મળી છે. ત્યારે ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી ગામના ડુંગર ફળિયામાં રહેતા દિનેશભાઈ ભલાભાઈ નાયકની બે માસની માસૂમ બાળકી તેની માતા વર્ષાબેન સાથે મીઠી ઊંઘ માણી રહી હતી. અંધારાનો લાભ લઇ અચાનક જ દીપડાએ ખાટલામાં સુતી બે માસની બાળકી દૃુર્ગાબેન દિનેશભાઈ નાયક પર તરાપ મારી હુમલો કરીને બાળકીને ઢસડીને ડુંગર તરફ લઈને ભાગી ગયો હતો. ત્યારે પરિવારના લોકો જાગી જતા બુમાં બુમ કરી મુકતા દીપડાએ બાળકીને મોતના મોઢામાંથી મૂકીને જંગલમાં ભાગી ગયો હતો. માસુમ બાળકીના હાથે, પેટે તથા ગાલના ભાગે દીપડાએ પોતાના તિક્ષ્ણ નખ વડે ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની જાણ થતા આજુબાજુના ગ્રામજનો દૃોડી આવ્યા હતા. ૧૦૮ને જાણ કરાતા ૧૦૮ના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. બાળકીને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે દિપડો જંગલ વિસ્તારમાંથી આવીને બાળકને ઉઠાવી જતા વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.