ધોનીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ૧૪ ઓગસ્ટે ચેન્નાઇ પહોંચશે

રાંચી. ચેન્નાઇ સુપરિંકગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે સીએસકેના મોનુ સિંહનો રિપોર્ટ હજી આવ્યો નથી. બંનેનો બુધવારે ટેસ્ટ થયો હતો. રિપોર્ટ આવ્યા પછી ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનમાં રમવા ૧૪ ઓગસ્ટે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ જવા રવાના થશે. કોરોનાવાયરસને કારણે આ વખતે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી યુએઈમાં રમાશે. સીએસકેની ટીમના ખેલાડીઓ યુએઈ જતા પહેલા ૧૫ ઓગસ્ટથી ચેન્નાઇમાં ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે. સીએસકેની ટીમ ૨૧ ઓગસ્ટે યુએઈ જશે. આઈપીએલમાં ધોની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે રહે છે,

પરંતુ આ વખતે ટૂર્નામેન્ટમાં તેની ટીમના સભ્યો સાથે સમય વિતાવશે. સીએસકેના કેપ્ટન ધોનીએ ટીમના તમામ ખેલાડીઓ સાથે મળીને નિર્ણય લીધો છે કે કોરોનાને લીધે તેમનો પરિવાર ખેલાડીઓ સાથે યુએઈ જશે નહીં. ટીમમાં જોડાતા પહેલા ધોનીએ રાંચી સ્થિત ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન માં ઇન્ડોર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પ્રેક્ટિસ દરમિયાન, કોરોનાને લીધે બોલર કે અન્ય કોઈને પણ આવવાની પરવાનગી મળી નહોતી. આ કારણોસર, ધોની બોલિંગ મશીન દ્વારા પ્રેક્ટિસ કરી રહૃાો છે.