ધો.૧થી૫ના શિક્ષકોને વધના કિસ્સામાં ધોરણ.૬થી ૮માં સમાવવામાં આવશે નહી

  • શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર,સિનિયોરિટી અલગ ગણાશે

રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.૧થી ૫ના શિક્ષકોને વધના કિસ્સામાં ધોરણ.૬થી ૮માં સમાવવામાં આવશે નહી. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે. જેના કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. અત્યાર સુધીમાં ધોરણ.૧થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. પ્રાથમિક શાળાઓમાં ધોરણ.૮નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતુ. બે ભાગમાં વહેચાયેલ પ્રાથમિક શાળામાં ધોરણ.૧થી ૫ના શિક્ષકોની ભરતીમાં પીટીસીની લાયકાત નક્કી કરાઈ હતી જ્યારે ધોરણ.૬થી ૮માં બી.એડ અથવા તો પીટીસી સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયુ હતુ. જોકે આ પહેલા માત્ર પીટીસીની લાયકાતથી ભરતી થતી હતી.

જેથી ધોરણ.૬થી ૮માં જે-તે સમયે લાયકાત વાળા શિક્ષકો પુરતા નહોતા. માટે શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે, ધોરણ.૧થી ૫માં જે શિક્ષકો વધમાં પડતા હોય તેઓને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ વધના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. આવા સંજોગોમાં કોઈ શાળામાં વાસ્તવિક રીતે ધોરણ.૬થી ૮માં ગણિતના શિક્ષકની જગ્યા ખાલી પડી હોય પરંતુ ત્યાં ધોરણ.૧થી ૫નો વધનો શિક્ષક મૂકેલ હોવાથી ત્યાં અન્ય શિક્ષકની બદલી થતી નહોતી. બીજુ કે સિનિયોરિટીમાં પણ સળંગ એકમ ગણાતો હતો. હવે નવા નિયમથી વધના શિક્ષકને સમાવવાની જોગવાઈ દૂર કરાઈ છે જોકે ટેમ્પરરી કોઈ શિક્ષકને મૂકવામાં આવે તો તેને બદલી કેમ્પમાં અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવશે. સચિવાલ સંર્ગના બિન બદલીપાત્ર કર્મચારી કે અધિકારીના પતિ કે પત્નિ જે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં હોય તેમની ગાંધીનગર જિલ્લામાં સ્પેશિયલ કેસમાં બદલી કરવાની જોગવાઈ હતી.

જોકે આ નિયમથી અત્યાર સુધી માત્ર સચિવાલયના કર્મચારીઓને જ લાભ મળતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂંક થયેલ કર્મચારી કે અધિકારીઓના નોકરીના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ તેમના શિક્ષક પત્નિ કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂંક આપી શકાશે. આ સિવાય જિલ્લાફેર બદલી વખતે મહિલાઓને મોટી રાહત એ મળી છે કે, તેમનું પ્રતિનિયુક્તિ દરમિયાનનું સ્થળ નહી પણ લગ્ન નોંધણી વાળુ સ્થળ જ ધ્યાનમાં લેવાશે.