ધો.૧થી ૧૧માં માસ પ્રમોશન બાદ નવા વર્ગો વધારવાની કવાયત શરૂ

કોરોનાવાયરસની મહામારીને કારણે ગુજરાત સરકારે સ્કૂલોમાં ધોરણ. ૧થી ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. એવામાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ.૯, ૧૦, ૧૧ અને ૧૨ના હયાત વર્ગોની સંખ્યા મગાવાઈ છે. ત્યારે બીજી તરફ નવા વર્ગ વધારા માટે ૧લી જૂનથી ૩૧ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.
માસ પ્રમોશનથી ધો.૧૦ના એકસાથે પાસ થયેલા ૯.૫ લાખ વિદ્યાથીને આગળ પ્રવેશ કેમનો આપવો એને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકાર દ્વારા નવા વર્ગો વધારવા માટે અત્યારથી કામગીરી આરંભી દેવામાં આવી છે. બીજી તરફ, શાળાઓમાં વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ધો.૧૦માં માસ પ્રમોશન આપવાથી ધોરણ.૧૧માં પ્રવેશ લેનારા નવા વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે ૨ હજાર જેટલા વર્ગો અને ૩૦૦૦થી વધુ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે એવું શિક્ષણ વિભાગના જ અધિકારીઓનું માનવું છે. આટલા ટૂંકા સમયમાં સ્કૂલો આટલી મોટી માત્રમાં વર્ગો કેવી રીતે વધારશે અને શિક્ષકોને નિમણૂક આપવી એ મોટો પડકાર છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે, પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઊભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ ૧૧ના ૬ લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે ૯.૫૦ લાખમાંથી ૫૦ હાજર વિદ્યાર્થી ડિપ્લોમા કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તોપણ ૯ લાખ વિદ્યાર્થીનો સવાલ ઊભો રહે.
૬ લાખની વ્યવસ્થાની સામે ૯ લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ તેમને માર્ક્સ કઈ રીતે આપવા તથા માર્ક્સ આપ્યા બાદ હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય એવી પણ પરિસ્થિતિ થશે અને એને કારણે ધોરણ ૧૧ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થશે.
ધોરણ ૧૧માં સાયન્સ/કોમર્સ/આર્ટ્સ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધાવની પણ શક્યતા છે. વધુ વિદ્યાર્થીઓ સાયન્સક્ષેત્ર પસંદ કરે ત્યારે છ અને મ્ ગ્રુપમાં પ્રવેશ આપવા માટે પણ મુશ્કેલી થશે. માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.