ધ કપિલ શર્મા શો: ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ પહેલી જ વાર ભારતીસિંહ સેટ પર આવી

કોમેડિયન ભારતીસિંહે ’ધ કપિલ શર્મા શો’નું હાલમાં જ શૂટિંગ કર્યું હતું. ભારતી એક મહિના બાદ સેટ પર પાછી ફરી હતી. આ સાથે જ ભારતીસિંહ આ શોમાંથી બહાર નીકળી ગઈ હોવાની વાત પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. ગયા મહિને એનસીબીએ ભારતી તથા તેના પતિ હર્ષ ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કર્યાં હતાં અને પછી તેઓ જામીન પર છૂટ્યાં હતાં. શો સાથે જોડાયેલા નિકટના સૂત્રોએ કહૃાું હતું, ’શનિવાર, ૧૨ ડિસેમ્બરના રોજ ભારતી કોમેડિયન કપિલ શર્માના શોમાં પરત ફરી હતી. અંદાજે એક મહિના બાદ ભારતી સેટ પર આવી હતી અને તે ઘણી જ ભાવુક થઈ ગઈ હતી.
સાથ આપવા બદલ ભારતીએ પોતાની ટીમનો આભાર માન્યો હતો અને પછી શૂટિંગ શરૂ કર્યું હતું. શનિવાર, ૧૨ ડિસેમ્બરના રોજ સેટ પર અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ ફિલ્મ ’એકે /જએકે’ના પ્રમોશન માટે આવ્યા હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ એક્ટિંગ કરતાં જોવા મળશે. ફિલ્મને વિક્રમાદિત્યે ડિરેક્ટ કરી છે.
ગયા મહિને ૨૧ નવેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈમાં ભારતીના ઘર પર દરોડા પાડ્યા હતા અને ગાંજો જપ્ત કર્યો હતો. ત્યારબાદ ભારતી તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં હર્ષે એ વાત કબૂલ કરી હતી કે તે ગાંજો લે છે. બે દિવસ બાદ બંનેને જામીન મળી ગયા હતા.