નકલી ઇન્જેક્શન કૌભાંડ મામલે ૪ આરોપીની ધરપકડ

  • થોડા દિવસો પહેલા કૌભાંડ બહાર આવ્યું હતું
  • ૪૦૦ મિલિગ્રામના ઇન્જેક્શનનું સુરત ખાતેથી વેચાણ થતું હોવાનું રાજ્યવ્યાપી કૌભાંડ હતું : એક આરોપી ફરાર

અમદાવાદ,
રાજ્યમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે થોડા દિવસો અગાઉ નકલી ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડમાં અનેક લોકોના નામ સામે આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ ૫ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જે મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.
રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાના નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના વેચાણ થતા હોવાનો પર્દૃાફાશ કર્યો હતો. ૪૦૦ મિલિગ્રામના ઇન્જેક્શનનું સુરતથી વેચાણ થતું હોવાનું રાજ્યવ્યાપી કૌભાંડ હતું. જે બાદ અમદાવાદમાં ખાનગી તબીબના ત્યાં દૃાખલ થયેલા દર્દીને આ ઇન્જેક્શન અપાયું હતું અને દર્દીના સગાને ગુણવત્તા બાબતે શંકા જતા ફરિયાદ કરી હતી.આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સાબરમતીની મા ફાર્મસીના આશિષ શાહ દ્વારા રોકડેથી ૧.૩૫ લાખમાં ઇન્જેક્શન ખરીદવામાં આવ્યા હતા. જો કે, તેઓ પાસે આ દવાનો કોઇ જથ્થો મળી આવ્યો ન હતો. પરંતુ તેઓએ આ ઇન્જેક્શન ચાંદખેડાના હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી વગર બીલે રોકડેથી ૮૦,૦૦૦ માં ૪ બોક્સ ખરીદ્યા હતા. જે પૈકી ૩ બોક્સ ફાર્મસીને આપ્યા હતા અને ખબર પડતા ૧ બોક્સનો નાશ કર્યો હતો. હર્ષ ભરતભાઇ ઠાકોરની પૂછપરછ કરતાં તેઓ આ ઇન્જેક્શનના પાલડી હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના નિલેશ લાલીવાલા પાસેથી વગર બીલે ૭૦ હજારમાં ખરીદ્યા હતા.તપાસ બાદ તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. આ ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અધિકારી તરફથી આપવામાં આવી છે. જેમાં આશિષ શાહ, અક્ષય શાહ, હર્ષ ઠાકોર, નિલેશ લાલીવાલા, સુરતના સોહેલ તાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.