નક્સલવાદીઓને ભૂલ્યા વિના ભારત સરકારે મોતને ઘાટ ઉતારવા જ પડશે

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ આપણા ત્રેવીસ જવાનોની હત્યા કરી નાખી એ મુદ્દો ધાર્યા કરતા ઝડપથી ઠંડો પડી ગયો છે. છત્તીસગઢની જોનાગુડાની ટેકરીઓમાં ધામા નાખીને પડેલા નક્સલવાદીઓને ખતમ કરવા શુક્રવારે રાત્રે સીઆરપીએફના કોબ્રા કમાન્ડો, સીઆરપીએફની બસ્તરિયા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના બે હજાર જવાનો નિકળી પડેલા. આ જવાનોમાંથી ત્રેવીસ જવાનોની નક્સલવાદીઓએ હત્યા કરી ત્યારે આખા દેશમાં નક્સલવાદીઓ સામે આક્રોશ હતો. આપણા શાસકો પણ આક્રમક મૂડમાં હતા ને શહીદ જવાનોની શહાદતને એળે નહીં જવા દઈએ એવી વાતો કરતા હતા. નરેન્દ્ર મોદી ને અમિત શાહ બંને નક્સલવાદને ખતમ કરી નાખવાની વાતો કરતા હતા. તેમની વાતો સાંભળીને ઝનૂનમાં આવી ગયેલા સુરક્ષા દળોના અધિકારીઓ પણ આ હુમલાનો બદલો તાબડતોબ લેવાના હોય એમ બેઠકો કરવા મચી પડેલા.
માત્ર બે દિવસમાં જ બધી આક્રમકતા ને ઝનૂન ઓસરી ગયાં છે. અત્યાર સુધીનો આપણો અનુભવ છે કે, કોંગ્રેસના જમાનામાં આવો કોઈ પણ હુમલો થાય એટલે હુમલાને વખોડીને ખરખરા કરવાની પ્રેક્ટિસ કરતા. બહુ શૂરાતન ચડી જાય તો હુમલાનો જડબાતોડ જવાબ આપવાની વાતો કરતા. એ સિવાય રાજકારણીઓ ઝાઝું કશું કરતા નથી. આ હુમલા પછી પણ એવું જ થયું છે. પહેલા બે દિવસ નિવેદનબાજી ને પછી ખરખરા કરવાની વિધિ રાજકારણીઓએ પતાવી દીધી ને હવે કશું જ ના બન્યું હોય એ રીતે વર્તવાનું શરૂ કરી દીધું છે. પરંતુ વડાપ્રધાન મોદી આ ઘા ભૂલે એમ નથી. તેઓ ચોક્કસ નક્કર વ્યૂહરચના અપનાવીને નક્સલોને પાઠ ભણાવશે એમાં કોઈ શંકા નથી.
શહીદોની શહાદતની દુહાઈઓ આપનારા રાજકારણીઓ પાછા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે તો પણ મોદી આ વાત ભૂલી શકે નહિ એની પ્રજાને ખાતરી છે. શહીદ જવાનોના પાર્થિવ દેહ કોફીનમાં ભરીને અને તેના પર તિરંગો મૂકીને તેમના પરિવારોને મોકલી અપાયા એટલે પોતાની ફરજ પતી ગઈ હોય એ રીતે રાજકારણીઓ ને સુરક્ષા દળોના અધિકારીઓ પણ કાશ્મીરમાં થતા હૂમલાઓ વખતે વર્તતા હતા એ કોંગ્રેસના સત્તાકાળના અનુભવો છે. ઉત્તર પ્રદેશમાં તો અકળાયેલા ધર્મદેવ નામના શહીદ જવાનના પરિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના આવે ત્યાં લગી મૃતદેહ લેવાનો જ ઈન્કાર કરી દીધો. સ્થાનિક અધિકારીઓએ માંડ માંડ તેમને સમજાવીને ધર્મદેવનો મૃતદેહ સોંપ્યો ને અંતિમવિધિ કરાવી.
બીજે બધે શહીદોના પરિવારો શહીદ ધર્મદેવના પરિવારજનોની જેમ નથી વર્ત્યા, પણ તેમનામાં આક્રોશ તો છે જ. કમનસીબે આ આક્રોશ સત્તાધીશો કે અધિકારીઓને અસર કરતો નથી. શહીદોના પરિવારજનો આખી જિંદગીની પીડાનો ભાર વેંઢારીને ફર્યા કરે છે ને જેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે એ લોકો કશું કર્યા વિના હાથ પર હાથ મૂકીને બેસી રહે છે. આ સ્થિતિ વરસોથી છે ને શાસકો બદલાય છે પણ સ્થિતિ બદલાતી નથી. આ પહેલાં ગઢચિરોલીમાં હુમલો થયો ત્યારે મોદી સરકારે આવી જ વાતો કરી હતી ને પછી બધું ભુલાઈ ગયું.
આ માનસિકતા આઘાતજનક છે કેમ કે નક્સલવાદનો ખતરો ખરેખર બહુ મોટો છે. સત્તામાં બેઠેલા લોકો ખરેખર આ દેશનું ભલું ઈચ્છતા હોય તો તેમણે નક્સલવાદની પ્રવૃત્તિને ગંભીરતાથી લેવાની જરૂર છે ને નક્સલવાદને કઈ રીતે નાથવો તે વિશે પણ વિચારવાની જરૂર છે જ. તેનું કારણ એ કે, નક્સલવાદનો આ દેશમાં બહુ મોટા વિસ્તાર પર પ્રભાવ છે ને કરોડો લોકોની જીંદગીને આ નક્સલવાદ અસર કરે છે.
છત્તીસગઢના હુમલા પછી લોકોને પણ સવાલ થઈ રહ્યો છે કે, આપણે ચીન-પાકિસ્તાનને સીધાં ન કરી શકીએ એ સમજાય પણ ભારતમાં જ રહેતા નક્સલવાદીઓને પણ કેમ સાફ નથી કરી શકતા? ભારતમાં આતંકવાદને પોષતા પાકિસ્તાનને આપણ ખોખરું નથી કરી શકતા કે આપણી સરહદમાં છાશવારે ઘૂસી જતા ચીનને પણ આપણે પાસરું નથી કરી શકતા તેનાં કારણો સમજી શકાય તેમ છે. પાકિસ્તાન અને ચીન બંને બહારના દુશ્મનો છે ને આપણે તેમની સરહદમાં ઘૂસીને કશું કરવા જઈએ તો ઘમાસાણ થઈ જાય તેથી આપણે ધાર્યું નથી કરી શકતા. આ મર્યાદા સમજાય એવી છે પણ નક્સલવાદીઓના મુદ્દે તો એવી કોઈ મર્યાદા નથી છતાં આપણે પાંગળા સાબિત થયા છીએ એ જોતાં આ સવાલ ઊઠવો સ્વાભાવિક છે.
આ સવાલનો જવાબ પણ નક્સલવાદના ઉદભવ અને નક્સલવાદીઓને મળતા સમર્થનમાં છે. ક્યાંક આ સમર્થન સહાનુભૂતિના કારણે મળે છે તો ક્યાંક ડરના કારણે મળે છે પણ નક્સલવાદીઓને ભારતમાં જ લોકોનું સમર્થન મળે છે એ વાસ્તવિકતા છે. એ સિવાય કોઈ હિંસક ચળવળ પાંચ દાયકા કરતાં વધારે સમય ટકે ખરી? બિલકુલ ન ટકે. નક્સલવાદ ભારતનું સૌથી મોટું ને સૌથી હિંસક રાજકીય આંદોલન છે. આ આંદોલનમાં હત્યાઓ થઈ, બોમ્બ ફેંકાયા, સામૂહિક હત્યાકાંડ થયા ને સરકારોએ આ ચળવળને દાબી દેવા માટે પાશવી અત્યાચારો પણ કર્યા છતાં નકસલવાદ જીવંત છે તેનું કારણ લોકોનું સમર્થન છે.
નક્સલવાદની શરૂઆત 1967માં સામ્યવાદી પક્ષના બે નેતા કનુ સાન્યાલ અને ચારૂ મજુમદારે કરેલી. બંગાળમાં ખેતમજૂરોના જમીનદારો દ્વારા શોષણનો મુદ્દો બહુ મોટો હતો. સાન્યાલ અને મજુમદારે ખેતમજૂરોને ભેગા કરીને શોષણ કરતા જમીનદારો સામે હથિયાર ઉઠાવવાનું એલાન કર્યું ને નક્સલવાદ પેદા થયો. નક્સલવાદ હિંસા પર આધારિત ચળવળ છે ને નક્સલવાદીઓ રાજકીય રીતે કે સૈદ્ધાંતિક રીતે જે વસ્તુ ન મળે તેને છિનવી લેવામાં માને છે. તેમને સરકાર સામે શસ્ત્રો ઉઠાવવામાં છોછ નથી ને કાયદાની ઐસીતૈસી કરી નાખવામાં પણ છોછ નથી. સામ્યવાદીઓએ નક્સલવાદને પોષ્યો ને તેના જોરે સત્તા સુધી પહોંચી ગયા. સામ્યવાદીઓએ સત્તા મળ્યા પછી સત્તા જાળવવા નક્સલવાદને પોષ્યો તેના કારણે બંગાળ તો રાજકીય હિંસાની નાગચૂડમાં ફસાયું જ પણ દેશનાં બીજાં રાજ્યોમાં પણ તેનો પ્રભાવ ફેલાયો.
અત્યારે સ્થિતિ એ છે કે, આ દેશમાં લગભગ દસ ટકા કરતાં વધારે વિસ્તાર એવો છે કે જે નક્સલવાદથી પ્રભાવિત છે ને ત્યાં રહેનારાં લોકોની જીંદગી નક્સલવાદીઓના ઈશારે ચાલે છે. આ દેશમાં નક્સલવાદથી પ્રભાવિત એક આખો વિસ્તાર રેડ કોરિડોર એટલે કે લાલ પટ્ટા તરીકે ઓળખાય છે. મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતના આ વિસ્તારોમાં નક્સલવાદી હિંસા સામાન્ય છે. નક્સલવાદીઓને માઓવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે ને આ વિસ્તારો માઓવાદીઓના ગઢ છે. આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ એ દસ રાજ્યોના વિસ્તારો આ રેડ કોરિડોરમાં આવે છે. ભારતમાં કુલ 726 જિલ્લા છે ને તેમાંથી આ દસ રાજ્યોના 74 જિલ્લા એવા છે કે જે નક્સલવાદથી અસરગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં કુલ 36 જિલ્લા છે ને ગુજરાતમાં 33 જિલ્લા છે. બંનેનો સરવાળો કરો તો 69 જિલ્લા થાય ને એ રીતે જોઈએ તો મહારાષ્ટ્ર ને ગુજરાત બંને રાજ્ય ભેગાં મળીને જેટલો વિસ્તાર થાય એટલો વિસ્તાર દેશમાં નકસલવાદથી અસરગ્રસ્ત છે.
આ આંકડા સરકારે આપેલા છે ને સત્તાવાર છે તેથી સત્તાવાર રીતે પણ નક્સવલાદનો પ્રભાવ આ વિસ્તારોમાં છે જ. જો કે એવો આક્ષેપ થાય જ છે કે, નક્સલવાદનો પ્રભાવ ઘટી ગયો છે એવું બતાવવા માટે આંકડામાં ગરબડ કરાય છે. બાકી સરકારે પોતે 2009માં કબૂલેલું કે, દેશમાં 180 જિલ્લામાં નક્સલવાદની અસર છે. આ આક્ષેપ સાચા ન હોય તો પણ 74 જિલ્લા એ નાનો વિસ્તાર ન જ કહેવાય. આટલા મોટા પ્રમાણમાં આ દેશનો કોઈ વિસ્તાર હિંસાથી ગ્રસ્ત હોય એ નાનીસૂની વાત નથી જ.
આપણે ત્યાં સરહદ પારના આતંકવાદની ચર્ચા થાય છે ને તેની જ ચિંતા કર્યા કરીએ છીએ પણ નક્સલવાદ તેનાથી પણ મોટી સમસ્યા છે તેનો પુરાવો આ આંકડા છે. આપણે માત્ર આંકડાની જ વાતો કરી. નક્સલવાદના કારણે થતા નુકસાનની તો વાત જ નથી કરી. નક્સલવાદને કારણે દર વર્ષે કેટલાંય લોકોના જીવ જાય છે ને સરકારે પણ કરોડોનું આંધણ કરવું પડે છે. આપણા સંખ્યાબંધ જવાનો શહીદ થાય છે ને તેમના પરિવારો નોંધારા થઈ જાય છે. નક્સલવાદથી પ્રભાવિત આ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ તો ઠપ્પ જ છે ને તેના કારણે વેઠવા પડતા આર્થિક નુકસાનની તો વાત જ કરી શકાય નહીં. આ નુકસાન રોકવું હોય તો નક્સલવાદને નાથવો જોઈએ, જાન-માલનું નુકસાન રોકવું જોઈએ. અ