નદીમાં હાથ-પગ ધોવા ગયેલા ખેજ મજૂર પર મગરનો હુમલો

વડોદરા,
વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામની નવીનગરી પાસેથી પસાર થતી દૃેવ નદીમાં હાથ પગ ધોવા ગયેલા ખેત મજૂર ઉપર મગરે હુમલો કર્યો હતો. જોકે તેઓએ હિંમત કરીને મગરના મોઢામાંથી હાથ છોડાવી લેતા જીવ બચી ગયો હતો. મગરે કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત ખેતમજૂરને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામની નવીનગરીમાં રહેતા જગદીશભાઇ કાલિદાસ વસાવા (ઉ.૪૬) બુધવારે આખો દિવસ કામ કર્યાં બાદ દૃેવ નદીમાં કિનારા ઉપર ઉભા રહીને હાથ પગ ધોઇ રહૃાા હતા. આ સમયે પાણીમાંથી ધસી આવેલા મગરે તેમણો જમણો હાથ પકડીને પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, જગદીશભાઇએ મગરે કરેલા હુમલાથી ગભરાવાને બદલે પ્રતિકાર કરીને મગરના મોઢામાંથી હાથ છોડાવી લીધો હતો. પરંતુ, મગરની પૂંછડીથી છાતી અને પેટના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી. મગરે કરેલા હુમલામાં ઇજા પામેલા જગદીશભાઇને પરિવારજનો વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હાલ તેઓને સારવાર આપવામાં આવી રહી છે.