નફરત દૂર થવા માંડે તો ઓવૈસી જેવા નેતાઓની કોઈને જરૂર ના રહે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડો. મોહન ભાગવતે ઓલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલિયાસી સહિત મુસ્લિમ નેતાઓને મળ્યા તેમાં અસદુદ્દીન ઓવૈસીને મરચાં લાગી ગયાં છે. ઓવૈસીએ બળાપો કાઢ્યો છે કે, ભાગવતને મળનારા બધા ભદ્ર વર્ગના મુસ્લિમો છે ને તેમને જમીન પરની વાસ્તવિકતાની ખબર જ નથી. ઓવૈસીનું કહેવું છે કે, આખી દુનિયાને સંઘની વિચારધારાની ખબર છે. મુસ્લિમ સમાજનો આ ભદ્ર વર્ગ માને છે કે પોતે બહુ જ્ઞાની છે પણ તેમને લોકોની તકલીફોની કંઈ ખબર જ નથી. એ લોકો આરામથી જીવે છે, જઈને ભાગવતને મળી શકે છે. એ લોકોનો એ બંધારણીય અધિકાર છે ને હું તેની સામે સવાલ કરતો નથી પણ એ લોકોને અમારી સામે સવાલ કરવાનો પણ અધિકાર નથી. અમે અમારા મૂળભૂત અધિકારો માટે રાજકીય લડાઈ લડીએ છીએ ત્યારે અમને ખરાબ ચિતરવામાં આવે છે.
અસદુદ્દીન ઓવૈસીએ આ બળાપો કાઢ્યો કેમ કે મોહન ભાગવતની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે એક મહિનામાં આ બીજી બેઠક છે. ગુરુવારે દિલ્હીના કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં ભાગવત અને ઈલાયાસી મળ્યા હતા. એક કલાક સુધી ચાલેલી બેઠકમાં મોહન ભાગવતની સાથે સંઘ વતી કૃષ્ણગોપાલ, રામલાલ અને ઇન્દ્રેશ કુમાર પણ હાજર હતા જ્યારે ઈલિયાસી સાથે બીજા કેટલાક બુદ્ધિજીવી હાજર હતા.આ પહેલાં ગયા મહિને 22 ગસ્ટે મોહન ભાગવત મુસ્લિમ બુદ્ધિજીવીઓની પાંચ સભ્યોની ટીમને મળ્યા હતા. ગયા મહિને ભૂતપૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશી, દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ઝમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ તથા સમાજવાદી પાર્ટીના સાંસદ રહી ચૂકેલા સઈદ શેરવાની મોહન ભાગવતને મળ્યા હતા.
ડો. મોહન ભાગવતને મળ્યા પછી ઈલિયાસીએ તેમને રાષ્ટ્રપિતા ગણાવ્યા. ઈલિયાસીએ ભાગવતની જ ભાષા બોલીને કહ્યું કે, અમારા ડીએનએ એક જ છે, માત્ર પૂજા કરવાની પદ્ધતિ અલગ અલગ છે. ભાગવતે બેઠકમાં હિંદુઓને કાફિર ગણાવાય છે તેની સામે વાંધો લીધેલો. સાથે સાથે હિંદુઓ સે જિહાદનું એલાન કરાય છે તેને પણ અયોગ્ય ગણાવેલું. મુસ્લિમ બુદ્ધિજીવીઓએ ભાગવતની વાતમાં સૂર પુરાવ્યો છે. ઓવૈસીને આ કારણે પણ મરચાં લાગી ગયાં છે. ઓવૈસી પોતાની રાજકારણની દુકાન સંઘ હિતનાં હિંદુવાદી સંગઠનોનો મુસ્લિમોમાં ડર ઊભો કરીને ચલાવે છે. ભારતમાં કહેવાતા સેક્યુલર તમામ નેતા આ જ ધંધો કરે છે ને ઓવૈસી પણ અપવાદ નથી. હવે ભાગવત મુસ્લિમોને મળવા માંડ્યા તેના કારણે મુસ્લિમોમાં સંઘ પ્રત્યે જે અણગમો છે, જે નફરત છે એ દૂર થવા માંડે તો ઓવૈસી જેવા નેતાઓની કોઈને જરૂર ના રહે. હિંદુવાદી સંગઠનો સાથે સંબંધ હોય તો તેમનો ડર પણ ના રહે. ઓવૈસીને આ વાતનો ડર છે તેથી બળાપો કાઢી રહ્યા છે.
પણ ઓવૈસી જેવા ગમે તે કહે, ભાગવત મુસ્લિમોને મળે એ સાચી દિશાનું પગલું છે ને અત્યારે દેશમાં જે માહોલ છે એ જોતાં તેની ખાસ જરૂર છે. અત્યારે કેટલાક કહેવાતા હિંદુવાદીઓ મુસ્લિમો વિશે બકવાસ કરીને નફરતનો માહોલ પેદા કરી રહ્યાં છે.આ સંજોગોમાં દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરીને હિન્દુ-મુસ્લિમોની વચ્ચે પહોળી થઈ રહેલી ખાઈને દૂર કરવાની જરૂર છે. ભાગવત મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરીને એ જ કામ કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં મુસ્લિમ બુદ્ધિજીવીઓ જે ભૂમિકા ભજવી રહ્યા છે તેની પણ પ્રસંશા કરવી જરૂરી છે. મોહન ભાગવતને મળવાની પહેલ મુસ્લિમ બુદ્ધિજીવીઓ તરફથી કરવામાં આવી હતી ને એ મોટી વાત છે. ભાજપ પ્રવક્તા નુપુર શર્માએ મોહમ્મદ પયગંબર સાહેબ અંગે કરેલી ટીપ્પણી, હિજાબ વિવાદ સહિતના મુદ્દાઓના કારણે માહોલ તણાવનો છે ત્યારે મુસ્લિમોએ સ્થિતિ સુધારવા આ પહેલ કરી છે. જે પાંચ બુદ્ધિજીવી ગયા મહિને ભાગવતને મળ્યા હતા તેમણે દેશમાં બગડતી જતી સ્થિતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ અંગે અંદરોઅંદર વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન બધાએ નક્કી કર્યું કે સંઘના વડા મોહન ભાગવતને મળવું જોઈએ અને તેમની સાથે આ તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. તેમણે સંઘ પ્રમુખને પત્ર લખીને મળવા માટે સમય માંગ્યો ને તેમણે સમય આપતાં બેઠક થઈ. આ બેઠક દરમિયાન ભાગવતે સાફ શબ્દોમાં કહેલું કે, અમને ઇસ્લામથી, કુરાનથી અને મુસ્લિમોથી કોઈ તકલીફ નથી. આપણે પરસ્પર ગેરસમજને દૂર કરવી જોઈએ અને એકબીજા માટે દિલના દરવાજા ખોલવા જોઈએ. આ વાત ભાગવતને મળનારા સિદ્દીકીએ જ કરી છે. એ પછી ભાગવત સામેથી ઈલિયાસીને મળ્યા. એ રીતે એક પ્રક્રિયા શરૂ થઈ છે ને આ બેઠકોની પ્રક્રિયા ચાલુ રહે એ દેશના હિતમાં છે. ભાગવતને મળ્યા પછી ઈલિયાસીએ ભારતના હિંદુ અને મુસ્લિમોના ડીએનએ એક હોવાનું કહ્યું એ પણ મહત્ત્વનું છે. ભારતના હિંદુ અને મુસ્લિમોના “ડીએનએ’ એક છે એવી વાત મોહન ભાગવત વારંવાર કહી ચૂક્યા છે. ભાગવતના મતે, ભારતમાં હિંદુ અને મુસ્લિમોના વડવા એક જ હતા તેથી બંનેનાં ડીએનએ એક જ છે. દરેક ભારતીય નાગરિક હિંદુ છે અને હિંદુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનો સમાનાર્થી છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમોને ભલે અલગ ગણવામાં આવતા હોય પણ બંનેનાં મૂળિયાં એક જ છે.
ભાગવતે તો ત્યાં સુધી પણ કહેલું કે, ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે, પછી તે ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય. હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો ભ્રામક છે કેમ કે વાસ્તવમાં હિંદુ અને મુસ્લિમો અલગ છે જ નહીં. બંનેની પ્રાર્થના કરવાની પદ્ધતિ અલગ હશે પણ બંને એક જ છે અને ભગવાનને પૂજવાની અલગ પદ્ધતિના આધારે ભારતીયોમાં ભેદભાવ થઈ શકે નહીં. મુસ્લિમ નેતાઓ પણ આ જ ભાષા બોલતા હોય તો સારું છે. મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા. આપણા નેતાઓ લોકોને એક કરી શકે તેમ નથી અને રાજકારણ લોકોને એક કરવાનું માધ્યમ બની શક્યું નથી. બલકે દેશની એકતા સામે ખતરો ઊભો કરી દીધો છે ત્યારે આ રીતે એકતા થતી હોય તો તેમાં ખોટું શું છે ?