આપણે ત્યાં સમસ્યાઓનો પાર નથી ને લોકોની તકલીફોનો અંત નથી પણ આપણા રાજકારણીઓને તેની કંઈ પડી નથી. લોકો તકલીફ ભોગવતા હોય તો ભોગવે, રાજકારણીઓને પોતાના રાજકીય રોટલા શેકવામાં જ રસ છે. સાવ સામાન્ય કહેવાય એવા મુદ્દાઓને ચગાવીને લોકોને લડાવી મારીને પોતાની દુકાન ચલાવવામાં તેમને રસ હોય છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મસ્જિદોમાં લાઉડસ્પીકર વગાડવાના મુદ્દે ઊભો કરેલો વિવાદ તેનો પુરાવો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે મસ્જિદોના લાઉડસ્પીકર બંધ કરવાની માંગ કરીને એલાન કરેલું કે, મસ્જિદોમાં લાઉડસ્પીકર જોરથી વગાડવામાં આવે છે એ બંધ કરવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. રાજ ઠાકરેની ધમકીનો તેના પક્ષના કાર્યકરોએ અમલ પણ શરૂ કરી દીધો છે. મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ મનસેના કાર્યકરો મસ્જિદની સામે જ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી રહ્યા છે ને તેના કારણે તણાવનો માહોલ છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી ચાલતી શિવસેનાની સરકાર છે. એક જમાનામાં શિવસેના પોતે આ રીતે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર સવારના પહોરમાં કરાતા શોરબકોરની વિરુધ્ધ હતી. એ બધું બંધ કરાવવા તેણે બહુ દાખડા કરેલા. મુસ્લિમો મસ્જિદોની બહાર પણ નમાઝ પઢે છે તેની સામે શિવસેનાએ રસ્તા પર મહાઆરતીનાં નાટક કરેલાં પણ હવે સેક્યુર કહેવાતા પક્ષોની સંગતમાં શિવસેના વટલાઈ ગઈ છે તેથી આ બધું તેને આઘાતજનક લાગતું નથી. બલ્કે શિવસેનાના નેતાઓ તેનો બચાવ કરી રહ્યા છે. મહારાષ્ટ્રનો આ લાઉડસ્પીકરનો વાવર કર્ણાટક લગી પણ પહોંચ્યો છે. કર્ણાટકમાં કોઈ રાજકીય પાર્ટી મેદાનમાં નથી આવી પણ હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં છે. શ્રી રામ સેના અને બજરંગ દળ જેવાં હિંદુવાદી સંગઠનોએ મસ્જિદનાં લાઉડસ્પીકર બંધ કરાવવા સરકારને કહ્યું છે. સરકાર આ વાત ના માને તો આંદોલન કરવાની ધમકી પણ અપાઈ છે. કર્ણાટકમાં પહેલાંથી જ હિઝાબ ને હલાલ વિવાદ ચાલી રહ્યા છે તેમાં તણાવનો માહોલ છે ત્યાં આ નવો ફણગો ફૂટતાં તણાવ
વધ્યો છે.
રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકરના અવાજનો જે મુદ્દો ઊભો કર્યો એ બરાબર છે પણ તકલીફ એ છે કે,
રાજ તેનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કરી રહ્યો છે. મસ્જિદોમાંથી વગાડાતાં લાઉડસ્પીકર્સ લોકો માટે પરેશાની ઊભી કરે જ છે તેમાં શંકા નથી. સવારની નમાઝ પહેલાં અઝાનનો શોરબકોર લોકોની ઉંઘ બગાડે જ છે તેમાં કોઈ શક નથી. લોકો આખો દિવસ કામ કરીને હાર્યાં-થાક્યાં ઘરે આવ્યાં હોય, મધરાતે માંડ માંડ ઉંઘભેગાં થયાં હોય, ત્રણ-ચાર કલાકે માંડ માંડ ઉંઘ જામવા માંડી હોય ત્યાં અઝાનનો શોરબકોર લોકોની ઉંઘ ઉડાડી જ મૂકે. કાચી ઉંઘ તૂટે તેની ખરાબ અસર તબિયત પર પડતી જ હોય છે તેથી રાજ ઠાકરેના વાંધો
વ્યાજબી છે.
ભારત લોકશાહી દેશ છે તેથી લોકો પોતાના મનગમતા ધર્મનું પાલન કરે તેમાં કશું ખોટું નથી પણ ધર્મમાં આસ્થા બતાવવાના ઉત્સાહમાં બીજાં લોકોનું જીવવું હરામ ના જ કરી શકાય. જેમને ઈસ્લામમાં શ્રધ્ધા છે તેમને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે ને મસ્જિદમાં જઈને વહેલી સવારે નમાઝ પઢવાનો પણ અધિકાર છે. મુસ્લિમો આ અધિકારનો ઉપયોગ કરે તેની સામે કોઈને વાંધો નથી પણ પોતાની આસ્થા માટે થઈને લાઉડસ્પીકર્સ વગાડીને લોકોને તકલીફમાં મૂકવાં એ વાંધાજનક જ છે.
કમનસીબે જે લોકોની આ બધું રોકવાની જવાબદારી છે એ લોકો કશું કરવા તૈયાર નથી. મુસ્લિમો નારાજ થઈ જશે તો મત નહીં આપે તેના ડરમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર વગાડવાનું તૂત ચાલ્યા જ કરે છે. આપણે ત્યાં કોંગ્રેસ સહિતના કહેવાતા સેક્યુલર પક્ષો પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ મૂકાય છે પણ ભાજપ શાસિત રાજ્યોમાં પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર્સ પર અઝાન પોકારીને લોકોની ઉંઘ ઉડાડાય જ છે તેથી કોઈને વખાણવા જેવા નથી.
રાજનો વાંધો એ રીતે સો ટકા સાચો છે પણ તકલીફ એ છે કે, રાજ શોરબકોરની સામે શોરબકોરનો ઉપાય લઈ આવ્યા છે. શોરબકોર સામે શોરબકોર કરવો એ ઉપાય નથી. તેના કારણે તો લોકોની તકલીફો ઉલટાની વધે છે ને અત્યારે એ જ થઈ રહ્યું છે. મસ્જિદોમાંથી લાઉડસ્પીકર્સ પર અઝાન પોકારાય ને તેની સામે આખો દિવસ મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડાય તો લોકોને તો બે મિનિટ આરામ કરવાની ના મળે. આ રીતે લોકોની તકલીફ વધવાની કે ઘટવાની? રાજ ઠાકરે કે બીજા જેમને પણ લાઉડસ્પીકર્સ સામે વાંધો હોય તેમણે મુસ્લિમ આગેવાનોનો સંપર્ક કરીને તેમને સમજાવવા જોઈએ. થોડાં વરસો પહેલાં સોનુ નિગમે અઝાન સામે વાંધો લીધો ત્યારે મોટો વિવાદ થયેલો. એ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલે સીધા ને સરળ શબ્દોમાં કહી દીધેલું કે, વહેલી સવારે લોકોને મસ્જિદમાં નમાઝ પઢવા માટે પોકારાતી અઝાન જરૂરી છે પણ એ અઝાન લાઉડસ્પીકર પર પોકારવી જરૂરી નથી. અહમદ પટેલની વાતનો અર્થ એ હતો કે તમે ધર્મને ધર્મસ્થાન કે તમારા ઘર પૂરતો મર્યાદિત રાખો. ધર્મના કારણે બીજાં લોકો પરેશાન થાય તેવી સ્થિતિ પેદા ન કરો.
રાજ ઠાકરે કે બીજા આગેવાનોએ મુસ્લિમ આગેવાનોને આ વાત સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ. અહમદ પટેલ જેવા મુસ્લિમ આગેવાન જે વાત સમજતા હતા એ વાત બીજા મુસ્લિમ આગેવાનો પણ સમજતા જ હશે. જરૂર તેમનો સંપર્ક કરીને સમજાવવાની છે કેમ કે અઝાનથી ખાલી હિંદુઓને તકલીફ થતી નથી, મુસ્લિમોને પણ થાય જ છે. માનો કે મુસ્લિમ આગેવાનો સમજવા તૈયાર ન થાય તો કોર્ટનો આશરો લેવો જોઈએ. આ મુદ્દો વ્યાજબી છે એ જોતાં કોર્ટ તેનું સાચું નિરાકરણ લાવશે જ. કોર્ટ સરકારને આદેશ આપે તો સરકારે જખ મારીને કશુંક કરવું જ પડે, આગેવાનોએ તેમની વાત માનવી પડે. હિઝાબ વિવાદમાં એવું થયું જ છે ને? આ બંને લોકશાહી ઢબે વિચારાયેલા રસ્તા છે પણ નેતાઓને એ રસ્તાઓમાં રસ નથી પણ સંઘર્ષમા રસ છે કેમ કે સંઘર્ષના કારણે તણાવ પેદા થાય છે ને તેના કારણે તેમની દુકાન ચાલે છે.