નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં દેશના લોકો માટે દૂરબીન પર પ્રતિબંધ અને વિદેશીઓ માટે કઈ નહીં

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં લોકો દેશ-વિદેશથી મેચ જોવા માટે આવી રહૃાા છે. આ સ્ટેડિયમમાં ૬ વર્ષ બાદ મેચ રમાઇ રહી હોવાથી લોકો મેચની સાથે સ્ટેડિયમને જોવા માટે પણ ઘણા આતુર છે. આ સ્ટેડિયમમાં લોકોને સરળતાથી પ્રવેશ મળે તે માટે સ્ટેડિયમની બહાર પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સ્ટેડિયમની અંદર ઘણીબધી વસ્તુઓને લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેમાં આજે સ્ટેડિયમની બહાર દર્શકો અને સ્ટેડિયમના ગેટ પરના અધિકારીઓ જોડે ઘર્ષણ જોવા મળ્યું હતું.

જેમાં કેટલાક લોકોને દૂરબીન લઈને સ્ટેડિયમમાં જતા રોકવામાં આવ્યા હતા. સ્ટેડિયમના અધિકારીઓનું કહેવું છે કે, દૂરબીનને અંદર લઈ જવા પર તેમણે પ્રતિબંધ મૂક્યો છે. તેવામાં દર્શકોના કહેવા પ્રમાણે ટિકિટ ખરીદતી વખતે અને ટિકિટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરાયો નથી. આ વિવાદને લઈને દર્શકો અને અધિકારીઓના વચ્ચે ભારે ઘર્ષણ થવા પામ્યું હતું. તેમના વિરોધ કરવા છતા પણ અંતમાં તો ક્રિકેટ રસિકોને સ્ટેડિયમમાં દૂરબીન સાથે પ્રવેશ આપાયો ન હતો.

આ વિવાદ વચ્ચે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડથી આવેલા દર્શકોને દૂરબીન સાથે સ્ટેડિયમમાં પ્રવેશ અપાયો હતો. જોકે સામાન્ય રીતે નિયમો તમામ માટે સરખા હોય છે. તો આપણા દેશમાં જ હજુ પણ ઇંગ્લેન્ડના લોકોની વાત સાંભળીને તેમને ઘણી બઘી બાબતોમાં છૂટછાટ અપાઈ રહી છે. બીજી બાજુ આપણા દેશના જ લોકો સાથે ભેદભાવ કરવામાં આવતા લોકોએ આના પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા.