ભારત અને ચીન વચ્ચે આજ સુધી વ્યાપાર સંબંધો કેમ ચાલુ રહ્યા એ જ મોટો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદી પહેલા એવા વડાપ્રધાન છે જેમણે ચીન માટે વિવિધ બાબતોમાં ચોકડી મારવાની શરૂઆત કરી છે. યુનોમાં ભારતના પ્રવેશ પછીયે ભારત-ચીન સંબંધો વણસેલા જ રહેશે? આ પ્રશ્નના હવે અનેક પ્રત્યુત્તરો મળવા માંડ્યા છે. પરંતુ ચીન સાથેની મૈત્રીને આપણે ક્યા પરિઘમાં મૂલવવી જોઈએ? ભારત-ચીન સંઘર્ષ વાસ્તવિક રીતે 10 ઓક્ટોબર 1962ના દિવસથી શરૂ થયો. અલબત્ત, એ પહેલાં નુક્તાચિનીનો આરંભ તો ક્યારનો થઈ ગયેલો. 1951માં ચીને સીમાનિર્ધારણનો સવાલ ઉઠાવેલો અને ગિરજાશંકર બાજપેયી (તત્કાલીન ભારતીય કૂટનીતિજ્ઞ) એ માટે તૈયાર હતા. ‘ઇંડિયાઝ ચાઈના વોર’ના લેખક મેક્સવેલના મત પ્રમાણે ‘એમ કરવા નેહરુ તત્પર નહોતા.’ પરંતુ હકીકત એ હતી કે પંચશીલના બુરખા હેઠળ ચીને એવો કુટિલ પગપેસારો કરવા માંડ્યો હતો કે જવાહરલાલ પણ દુઃખી દુઃખી હતા.
1950માં ચીને સૈનિકી બળ દ્વારા તિબેટ પર કબજો કર્યો. નેહરુ ખામોશ રહ્યા. 1950માં તિબેટમાં વ્યાપાર અને આવાગમન સંબંધી સમજૂતી કરવા ચીને સાથે ભારતે હાથ લંબાવ્યા. પણ નિષ્ફળતા મળી. ચીને અક્ષય ચીનમાં ખટપટ શરૂ કરી ત્યારે જ ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’માં ‘હિમાલય પર લાલ ખતરા’ની જાહેરાત દ્વારા અમેરિકાએ દુનિયાને જાણ કરી. 25 ઓગસ્ટ 1959 ના દિવસે લોંગ્જુ પર હુમલો થયો. વીસમીએ ભારતીય સૈનિકોને પકડવામાં આવ્યા. બે દિવસ પછી નવ ભારતીયોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. નેહરુ લોકસભામાં પહેલી વાર બોલ્યાઃ ‘હું સમજતો હતો કે સવાલ હલ થઈ જશે, પણ મારી ભૂલ છે.’
લોંગ્જુની ઘટનાએ રશિયા-ચીન સંબંધો પર પ્રભાવ પાડ્યો. ચીને તેને પ્રસિદ્ધિની ના પાડેલી, રશિયાએ તે ઘટનાઓ પ્રકટ કરી, ભારતનો પક્ષ લીધો. ચીન એ સમયે દુઃખી હતું – ભારતમાં કેરળ સરકારનું પતન થયું હતું. ભારત રશિયા સાથે વધુ હળતુંમળતું હતું, મેનન ‘રશિયાતરફી પ્રધાન’ હતા અને મોટી આયાતો રશિયામાંથી થઈ રહી હતી. ચીન આ બધાને ‘ચીન-વિરોધી શત્રુની જમાવટ’ રૂપે જોતું થયું હતું. તેણે જોયું કે અમેરિકા પણ ભારતને મદદ કરતું હતું, પરંતુ ભારતનું અર્થતંત્ર મોટા ભાગે ‘વિદેશી સહાય’ પર નિર્ભર હતું. ‘પિપલ્સ ડેઈલી’એ ત્યારે લખ્યું પણ ખરુંઃ નેહરુ બુદ્ધિમતા બતાવવાને બદલે દક્ષિણપંથી રાજનીતિજ્ઞો, સંસદસભ્યો અને લશ્કરી અધકારીઓના ફંદામાં ફસાઈ જઈને ચીન-વિરોધી ચક્રમાં ઝડપાઈ ગયા છે!’
– અને ચીને પોતાના વિસ્તારવાદનો પરચો બતાવવો શરૂ કરી દીધો. 8 સપ્ટેમ્બર 1959ના દિવસે તેણે ભારતની પચાસ હજાર ચોરસ માઈલ જમીન પર પોતાનો દાવો કર્યો. તેમાંની બાર હજાર ચોરસ માઈલ જમીન ત્યાં સુધીમાં તેણે પચાવી પાડી હતી. નેહરુ ચીન મેકમોહન રેખાનો સ્વીકાર કરે એ માટે ચીનની જરૂરિયાત સમજીને અક્ષય ચીનમાં સડક માટે કેટલીક સુવિધા આપવા પણ તૈયાર હતા. એટલે તેમણે ચાઉને દિલ્હી આવવા આમંત્રણ પણ આપ્યું.
કૃપલાણી, અશોક મહેતા, મીનુ મસાણી, બાજપેયી વગેરે આ વલણથી સખત નારાજ હતા. એક નેતાએ તો ત્યાં સુધી કહી નાખ્યું કેઃ ‘ઇન્સાનને બે વસ્તુ પ્રિય છે – ઔરત અને જમીન. આપે ચીનને બાર હજાર ચોરસ માઈલ જમીન તો આપી દીધી, હવે શું અમારી સ્ત્રી પણ આપી દેવાનો ઈરાદો છે?’ (કૌલ, ‘અનટોલ્ડ સ્ટોરી’) 19 એપ્રિલ 1960ના દિવસે ચાઉ દિલ્હી આવ્યા. તેમણે નહેરુજીને કહ્યુંઃ અમે મેકમોહન માની લઈએ, તમે અમને અકસાઈ ચીન આપી દો! નેહરુનો જવાબ હતોઃ પછી હું પ્રધાન મંત્રી નહી રહી શકું! સ્થિતિ જલદ હતી.
શ્રી ધનંજયરાવ માંકેકરના જણાવ્યા પ્રમાણે 1952-54 સુધી તો અકસાઈ ચીનમાં ભારતીય પેટ્રોલિંગનું અસ્તિત્વ જ નહોતું. એટલું જ નહીં પણ બોર્ડરનું રજિસ્ટર ગૃહ ખાતાને બદલે સુરક્ષા ખાતા પાસે હતું. હવે લેહની ઉત્તરપશ્ચિમે ત્રણ ચોકીઓ બનાવવા અને ચાનચન-મૌમાં કાંગકા લગી પેટ્રોલિંગ માટેનો નિર્ણય લેવાયો. નેહરુએ ચીની ચોકીઓની વચ્ચે ઘૂસીને પેટ્રોલિંગ કરવા જણાવ્યું. પણ સાથે જ હથિયારોનો પ્રયોગ ન કરવા આદેશ આપ્યો. આ એક શતરંજની રમત હતી. નેહરુ માનતા હતા કે હજી યે ચીન માની જશે અને સંધિ કરશે. પછી એકાદ વાર ચીને રશિયા સાથે આવી જ રીતે સરહદો બાબતમાં સંધિ કરી પણ ખરી. પણ ત્યાં તો 10 ઓક્ટોબર 1962 ના દિવસે મોર્ટાર, બોંબ વગેરે શસ્ત્રો સાથે 500 ચીની સૈનિકોએ ઘોલા-તવાંગ ક્ષેત્રે પર આક્રમણ કર્યું. ત્યારે ત્યાં કેવળ 50 ભારતીય સૈનિકો જ હતા. આ ખુલ્લા આક્રમણની પહેલી અને અત્યંત ગંભીર ઘટના હતા.
ચીને ચોતરફ ભરડો લેવા માંડ્યો હતો. લડાખમાં ચીનાઓ કારાકોરમથી નીકળી સિંધની ખીણ લગી પહોંચતા હતા. ચિપચાપ નદીની ઉપર દૌલતબેગ ઓલ્દીમાં બેઠેલી ભારતીય ચોકી તેને ખટકતી હતી. અક્સાઈ ચીનના અર્ધદક્ષિણે પનગાંગ ઝીલ પર પણ ભારતીય ચોકી હતી. એ બંનેને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાનો ચીની મકસદ હતો. જુલાઈમાં એવો પ્રયાસ થયો. બીજી તરફ નેફામોરચે પણ સળવળાટ થયો. ત્યાં તેની નજર ઘોલા થાણા પર હતી. એ ભારત-ભૂતાન-તિબેટ સીમાના ત્રિકોણી વિસ્તાર પર બરાબર થાગલાની સામે નામકા નદી પર આવેલું મહત્ત્વનું થાણું હતું. બરાબર દસમી ઓક્ટોબર તેના પર ચીની આક્રમણે ભારત-ચીન યુદ્ધનું પ્રકરણ ખુલ્લું મૂક્યું. કૌલ લખે છે આઠમીથી જ ચીની છેડછાડ ચાલુ થઈ. તેઓ ભારતીય સીમામાં ઘૂસી ચૌના ઉત્તર કિનારા સુધી આવી ગયા હતા. તેઓ હિંદીમાં એલાન કરતા હતા. તુમ ચલે જાઓ, યહ જમીન હમારી હૈ, હિન્દી-ચીની ભાઈ ભાઈ!
19 મી સપ્ટેમ્બરે દિલ્હીએ નિર્ણય કર્યો ચીની આક્રમણને મારી હઠાવવાનો. 9 ઓક્ટોબરે નેફા મોરચાને દિલ્હીનો સંદેશો મળ્યો કે થાગલાની પેલી પારથી 300 મોર્ટાર અને તોપો સાથે ચીનાઓ હુમલાની વેંતમાં છે. કદાચ તેઓ તવાંગ પર હુમલો કરે! થાગલા, 14500 ફૂટની અને દૌલા બાર હજાર ફૂટની ઉંચાઈએ હતું. નામકા-ચૌના ઉત્તર કિનારે ફેલાયેલા અને થાપલાથી આવનારા ચીનાઓને સંભાળવા કોઈ ઊંચો મોરચો આવશ્યક મનાયો. નવમીએ જ થાગલાના પશ્ચિમ તરફે યમત્સુ-લા ( સોળ ફૂટ) પર પહોંચવાનો ભારતીય લશ્કરે નિર્ણય કરી નાખ્યો. રાજપૂત બટાલિયનને એ માટે આદેશ પણ મળ્યો. પછી વિચારવામાં આવ્યું કે પહેલા તસંગ- જોગ સુધી પેટ્રોલ મોકલી પરીક્ષા કરીએ.
પંજાબી બટાલિયનના પચાસ જવાનો એ જ સમયે નદી પાર કરીને તસંગ-જોગ પહોંચ્યા. ચીનાઓએ તેમના પર હુમલો ન કર્યો. પણ 10 ઓક્ટોબરે, હજી મોંસૂઝણું થયું નહોતું ત્યાં રાજપુત બટાલિયને એ તરફ કૂચ કરી અને આ તરફ તસંગ-જોગ પર ચીનાઓની પાંચસોની સંખ્યાએ આક્રમણ કર્યું. તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. ત્યારથી આજ સુધી ચીને સતત દગાબાજી કરીને પોતાની સરહદોનો વિસ્તાર કર્યો છે. ચીન મનઘડંત નકશાઓ બનાવે છે. એને કારણે ભારત અને ચીનનો સંઘર્ષ ચાલુ જ રહેવાનો છે.