નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર આઇસીસી કાર્યવાહી કરશે…!?

અમદાવાદ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને ૧૦ વિકેટથી માત આપી છે. જોકે, ભારતની જીત કરતાં પિચના વિવાદને લઈને વધારે ચર્ચા થઈ રહી છે.. રમતના બીજા દિવસે ૧૭ વિકેટ પડી હતી. સમગ્ર ટેસ્ટ મેચમાં ૩૦માંથી ૨૮ વિકેટ સ્પિન બોલરોને મળી. મેચ ખતમ થયા બાદ અનેક દિગ્ગજ ખેલાડીઓએ આ પિચ પર સવાલ ઊભા કર્યા છે. યુવરાજ સિંહ, હરભજન સિંહ, વીવીએસ લક્ષ્મણે આ પિચને ખરાબ ગણાવી. બીજી તરફ પુર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ પિચ પર બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને દૃોષ આપ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટએ કહૃાું કે અમદાવાદની પિચ બરાબર હતી કે ખરાબ હતી તે આઇસીસી નક્કી કરશે. આવો આપને જણાવીએ કે આઇસીસીના પિચને લઈ શું નિયમ છે. કેવી પિચને ખરાબ ગણવામાં આવે છે? જો પિચ ખરાબ હોય તો શું સજા ફટકારવામાં આવે છે?

આઇસીસીના વેબસાઇટ મુજબ પિચ એક એવો ટ્રેક હોય છે જ્યાં બોલ અને બેટની વચ્ચે સંતુલિત મુકાબલો ન હોય. વેબસાઇટ મુજબ, જો પિચ બેટ્સમેનોને વધુ મદદગાર હોય અને બોલરોને જરા પણ મદદ ન મળી રહી હોય કે પછી પિચમાં વધુ સ્પિન કે સીમ હોય અને બેટ્સમેનોને રન કરવાની તક ન મળી રહી હોય તો તેને ખરાબ પિચ કહેવામાં આવે છે. જો પિચમાં સ્પિનર્સને વધારે પડતી મદદ મળી રહી હોય તો પણ ખરાબ પિચની શ્રેણીમાં આવે છે. ભારતીય ઉપમહાદ્વિપમાં પહેલા દિવસે થોડાક ડિગ્રી સુધી બોલ ફરવા લાગે છે પરંતુ તેની સાથે અસમાન ઉછાળ મંજૂર નથી.

વર્ષ ૨૦૧૮માં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે જોહનસબર્ગ ટેસ્ટ મેચની પિચને ખરાબ શ્રેણીમાં રાખવામાં આવી હતી. રમતના ત્રીજા દિવસે અસમાન ઉછાળના કારણે આ પિચ પર સવાલ ઊભા થયા હતા અને રમતને રોકવી પણ પડી હતી. વર્ષ ૨૦૧૭માં ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે પુણે ટેસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી પિચને પણ ખરાબ કરાર કરવામાં આવી હતી જ્યારે તેની પર સ્ટીવ સ્મિથે સદૃી પણ ફટકારી હતી અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ચાર વિકેટ પણ ઝડપી હતી. જો અમદાવાદ ટેસ્ટની વાત કરીએ તો અહીં ફાસ્ટ બોલરોને ૩૦માંથી ૨ વિકેટ મળી. ૨૮ વિકેટ સ્પિનર્સે લીધી અને ૧૭ વિકેટ તો એક જ દિવસમાં પડી ગઈ. હવે આઇસીસી તેને ખરાબ પિચ કરાર કરે છે કે નહીં એ તો ટૂંક સમયમાં જાણવા મળશે.

ખરાબ પિચ પુરવાર થાય છે તો મેજબાન સ્થળ પર બે વર્ષ સુધીનો પ્રતિબંધ લાગી શકે છે. જો કોઈ સ્ટેડિયમ પાંચ ડીમેરિટ પોઇન્ટ સુધી પહોંચી જાય છે તો આઇસીસી તેની માન્યતા ૧૨ મહિના એટલે કે એક વર્ષ સુધી રદ કરે છે. બીજી તરફ ૧૦ ડીમેરિટ પોઇન્ટ પર બે વર્ષ સુધી તે સ્ટેડિયમમાં મેચ નથી યોજાતી.