નવજોત સિદ્ધુએ ફરી ઉપાડો લીધો ને પ્રદેશ પ્રમુખ પદનો ઘા કરી દીધો

પંજાબમાં કૉંગ્રેસે નવજોત સિદ્ધુને લીધો ત્યારથી શરૂ થયેલા ડખા બંધ થવાનું નામ જ લેતા નથી. સિદ્ધુ કૉંગ્રેસમાં કેપ્ટન અમરિન્દરસિંહની આંગળી પકડીને આવેલો પણ પછી કેપ્ટન સામે જ બાખડતો રહ્યો. આપડા અમરેલીમાં પણ એવા નમૂના પાર વગરના છે કે જેમણે આંગળી પકડી હોય એની જ સામે બાંય ચડાવે. આ એક પ્રકારનો ગુરુદ્રોહ છે પણ સિદ્ધુને એની પડી નથી. કેપ્ટનનો એ વખતે સિતારો બુલંદ હતો તેથી સિદ્ધુનું કોઈએ સાંભળેલું નહીં. સિદ્ધુ રિસાઈને બેસી ગયેલો પણ કોઈએ તેને ભાવ ન આપ્યો એટલે જાતે જ મેદાનમાં આવીને તેણે કેપ્ટનથી દુભાયેલા ધારાસભ્યોને ભેગા કરીને નવો ડખો ઊભો કરી દીધો. કેપ્ટનને કાઢવા માટે સિદ્ધુએ જાતજાતના ધમપછાડા કરેલા. સિદ્ધુને શાંત પાડવા કૉંગ્રેસ હાઈકમાન્ડે તેને પ્રદેશ પ્રમુખ બનાવી દીધેલો તોય સિદ્ધુને જંપ ન વળ્યો. કેપ્ટન સામેના ઉત્પાત ચાલુ જ રાખ્યા ને અસંતોષને એ હદે ભડકાવ્યો કે, કેપ્ટનને ન હટાવાય તો કૉંગ્રેસમાં બળવો થઈ જાય એવી હાલત કરી નાંખી.

કૉંગ્રેસ નેતાગીરીએ બળવો ન થાય એ માટે કેપ્ટન અમરિન્દરસિંહને રવાના કરીને ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રીપદે બેસાડ્યા ત્યારે લાગતું હતું કે, હવે સિદ્ધુ શાંત થઈને બેસશે ને છ મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને જીતાડવા પૂરી તાકાતથી લાગી જશે. ચન્ની સિદ્ધુનો જ માણસ છે તેથી સિદ્ધુ હવે કોઈ ડખો નહીં કરે એવું સૌને લાગતું હતું. તેના બદલે સિદ્ધુએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી જ રાજીનામું ધરી દઈ સૌને આંચકો આપી દીધો. સિધ્ધુ ૧૮ જુલાઈએ પ્રદેશ પ્રમુખ બનેલો એ જોતાં પૂરા બે મહિના ને દસ દિવસ પ્રમુખપદે રહ્યા પછી તેણે પ્રદેશ પ્રમુખપદનો ત્યાગ કરી દીધો.

સામાન્ય રીતે રાજીનામું આપનારા પોતે અંગત કારણોસર રાજીનામું આપે છે એવો બે લીટીનો કાગળ લખીને પતાવી દેતા હોય છે પણ સિદ્ધુ કશું ટૂંકાણમાં પતાવવામાં માનતો નથી. મોટી મોટી વાતો અને વિદ્વતાનો ડોળ એ નવજોત સિદ્ધુની ખાસિયત છે. સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પણ તેણે એવું જ કર્યું છે. સિદ્ધુએ લખ્યું છે કે, કોઈ પણ માણસના ચારિત્ર્યનું પતન એ કઈ હદે સમાધાન કરે છે તેના કારણે શરૂ થયું હોય છે. હું પંજાબના ભવિષ્ય તથા પંજાબના વિકાસના એજન્ડા સાથે કદી સમાધાન ન કરી શકું. આ કારણે હું પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપું છું પણ કૉંગ્રેસની સેવા કરવાનું ચાલુ રાખીશ. સિદ્ધુની વાતમાં શું સમજ્યા? એ જ કે સિદ્ધુને હાલની પંજાબની સરકારના શાસનમાં પંજાબનું ભાવિ સારું લાગતું નથી ને પંજાબનો વિકાસ કરી શકે એવું લાગતું નથી.

સિદ્ધુની વાત સાચી છે કે નહીં તેની ચર્ચાનો મતલબ નથી કેમ કે આ સિદ્ધુનો અંગત મત છે ને આ મત કેમ બંધાયો એ જગજાહેર છે. વાસ્તવમાં સિદ્ધુની હાલત દુ:ખે છે પેટ ને કૂટે છે માથું જેવી છે. સિદ્ધુ પંજાબના વિકાસ ને પંજાબના ભવિષ્યની ડાહી ડાહી વાતો ભલે કરે પણ વાસ્તવમાં મુખ્યમંત્રીપદે ન બેસવા મળ્યું તેના કારણે સિદ્ધુ દુ:ખી થઈને બેસી ગયો છે. નવજોત સિદ્ધુને એમ હતું કે, કેપ્ટન ઘરભેગા થશે એટલે પંજાબની ગાદી આપણી જ છે. આ અભરખા પૂરા કરવા જ તેણે પંજાબના ધારાસભ્યોમાં  અસંતોષ ભડકાવીને કેપ્ટન તો ઠીક પણ કૉંગ્રેસ હાઈકમાન્ડની ઊંઘ પણ હરામ કરી નાંખેલી. પંજાબમાં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે. સામી ચૂંટણીએ કેપ્ટન સામે જોરદાર કકળાટ ઊભો કરીને સિદ્ધુએ પોતાની તાકાત બતાવી ને તેના કારણે કેપ્ટનને ઘરભેગા કરી દેવા હતા એ કબૂલવું પડે.

સિદ્ધુ એમ જ માનતો હતો કે, કેપ્ટન જશે પોતાનો જ વારો છે કેમ કે પોતે અસંતુષ્ઠ ધારાસભ્યોનો આગેવાન હતો ને સાથે સાથે પ્રદેશ પ્રમુખ પણ હતો. સિદ્ધુના કમનસીબે હાઈકમાન્ડવાળા શાણા સાબિત થયા ને તેમણે સિદ્ધુને કોરાણે મૂકીને ચરણજીતસિંહ ચન્નીને ગાદી પર બેસાડી દીધા. સિદ્ધુ એ વખતે જ ઝેંપાઈ ગયેલો પણ બોલી શકે એવી હાલતમાં નહોતો. એ વખતે વાંધો લે તો સત્તાભૂખ્યો લાગે એટલે સિદ્ધુ ચૂપ થઈને બેસી રહેલો પણ ઊંચોનીચો તો થતો જ હતો. હાઈકમાન્ડે પ્રધાનોની પસંદગીમાં પણ સિદ્ધુને સાથે રાખ્યો એટલે સિદ્ધુથી એ વખતે પણ બોલાય એમ નહોતું. આ કારણે સિદ્ધુ ચૂપ રહ્યો પણ હવે ખાતાંની ફાળવણી વખતે તેને મોકો મળી ગયો. ચન્નીએ ખાતાંની ફાળવણીમાં પોતાને પૂછ્યું નથી એવો બળાપો તેણે સોમવારે કાઢેલો ને મંગળવારે રાજીનામું ધરી દીધું. ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કેપ્ટનના ખાસ માણસ રાણા ગુરજીતસિંહને કેબિનેટમાં લેવાયા તેની સામે તેને વાંધો હોવાનું કહેવાય છે પણ એ વખતે સિદ્ધુ બોલ્યો નહોતો તેથી આ વાત ગળે ઉતરે એવી નથી.

સિદ્ધુ પંજાબના વિકાસ ને ભવિષ્યની જે વાતો કરે છે તેમાં દમ નથી. કમ સે કમ હાલના મુખ્યમંત્રી ચરણજીતસિંહના હાથમાં પંજાબનું ભવિષ્ય સલામત નથી એવું આળ તો મૂકી શકાય તેમ જ નથી. તેનું કારણ એ કે, ચન્ની મુખ્યમંત્રીપદે બેઠા એ વાતને હજુ જુમ્મા-જુમ્મા ચાર દિન થયા છે. ચન્ની હજુ તો મંત્રી મંડળની રચના ને ખાતાંની ફાળવણીમાંથી પરવાર્યા નથી ને પોતાની રીતે કામ જ શરૂ કર્યું નથી. આ સંજોગોમાં ચન્ની પંજાબનો વિકાસ નહીં કરી શકે કે તેમના હાથમાં પંજાબનું ભાવિ સલામત નથી એવી વાત કરવી બહુ વહેલી કહેવાય. ચન્નીને ગાદી પર બેઠે છ-આઠ મહિના થયા હોય ને કોઈ આવી વાત કરે તો સમજી શકાય પણ અત્યારથી ચન્ની વિશે કશું કઈ રીતે કહી શકાય?

ચન્ની મુખ્યમંત્રી બન્યા તેથી સિદ્ધુ માટે મુખ્યમંત્રી બનવાની તક સમાપ્ત થઈ ગઈ છે. પંજાબમાં છ મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ જીતે તો સ્વાભાવિક રીતે જ ચન્નીને તેનો જશ મળે. ચન્ની મુખ્યમંત્રી હોવાથી જીત મળી તેથી ચન્ની જ ફરી મુખ્યમંત્રી બને ને સિદ્ધુને તક ના મળે એ સ્વાભાવિક છે. કોંગ્રેસ હારી જાય તો પછી સિદ્ધુને તક મળવાનો સવાલ જ નથી. સિદ્ધુએ પાંચ વર્ષ મજૂરી કરીને કૉંગ્રેસને ફરી બેઠી કરવી પડે ને એ પછી પણ ગાદી મળે તેની તો ગેરંટી નહીં. આ કારણે પણ સિદ્ધુની ધીરજ ખૂટી ગઈ હોય એ શક્ય છે.

સિદ્ધુ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપ્યા પછી કૉંગ્રેસમાં રહેશે કે નહીં એ ખબર નથી પણ અત્યારે કૉંગ્રેસે જે ગોઠવણ કરી છે તેમાં ફેરફાર માટે કોઈ અવકાશ નથી એ પણ સ્પષ્ટ છે. ચરણજીત ચન્નીને પંજાબનાં બધાં રાજકીય સમીકરણોને સાચવી લેવા ગાદી પર બેસાડાયા છે ને તેમાં ફેરફાર કરવા જાય તો પંજાબમાં કૉંગ્રેસનું તપેલું ચડી જાય એમ છે. પંજાબ ભૌગોલિક અને રાજકીય રીતે માલવા, દોઆબા અને માઝા એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે પણ રાજકીય રીતે માલવાનો પ્રભાવ  છે. તેનું કારણ એ કે, માલવા ભૌગોલિક ને રાજકીય બંને રીતે સૌથી મોટો વિસ્તાર છે. માલવામાં કુલ ૧૪ જિલ્લા આવેલા છે ને ભૌગોલિક રીતે માલવા સૌથી મોટો વિસ્તાર છે. રાજકીય રીતે પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકોમાંથી દોઆબામાં ૨૩ ને માઝામાં ૨૫ મળીને કુલ ૪૮ બેઠકો છે જ્યારે એકલા માલવામાં જ ૬૯ બેઠકો છે. મતલબ કે, પંજાબ વિધાનસભાની બેઠકોમાંથી અડધા કરતાં વધારે બેઠકો માલવા વિસ્તારમાં જ છે.

ટકાવારીની રીતે ગણીએ તો ૬૦ ટકાની આસપાસ બેઠકો માલવા વિસ્તારમાં છે. ચન્ની પહેલાં રોપડ ને હવે રૂપનગર તરીકે ઓળખાતા જિલ્લાના છે ને રૂપનગર માલવામાં આવે છે તેથી ભૌગોલિક ને રાજકીય સમીકરણમાં એ ફિટ બેસે છે. ચન્ની જ્ઞાતિનાં સમીકરણોમાં પણ ફિટ બેસે છે કેમ કે એ દલિત નેતા છે ને પંજાબમાં સૌથી મોટી મતબૅંક દલિતોની છે. દલિત મતદારોનું દેશના કોઈ રાજ્યમાં ના હોય એટલું જંગી પ્રમાણ પંજાબમાં છે. પંજાબના કુલ મતદારોમાં ૩૨ ટકા મતદારો દલિત હોવાનું મનાય છે. ઘણા રાજકીય વિશ્ર્લેષકો આ પ્રમાણ ૩૫ ટકા સુધીનું હોવાનું માને છે. દલિતોમાં ૬૦ ટકા શીખ છે જ્યારે ૪૦ ટકા હિંદુ છે પણ એ બધા એક જ છે.

પંજાબમાં જાટ સમાજ આર્થિક, સામાજિક ને રાજકીય રીતે સમૃદ્ધ છે. તેના કારણે પંજાબના કુલ મતદારોમાં જાટ મતદારોનું પ્રમાણ ૨૦ ટકાની આસપાસ જ હોવા છતાં તેમનું ધાર્યું જ થાય છે. આ જાટમાં ૬૦ ટકા શીખ છે ને ૪૦ ટકા હિંદુ છે. જાટ શીખ સમાજના વર્ચસ્વના કારણે દલિતોની મતબૅંક બહુ મોટી હોવા છતાં પંજાબમાં બહુમતી મુખ્યમંત્રી શીખ જાટ જ્ઞાતિના આવ્યા છે. પંજાબના ૧૬ મુખ્યમંત્રીમાંથી ૧૩ મુખ્યમંત્રી જાટ સમાજના છે તેના પરથી જ તેમના વર્ચસ્વનો ખ્યાલ આવે. જો કે જાટ સમાજના મતો વહેંચાઈ જાય છે તેથી કૉંગ્રેસે દલિત મુખ્યમંત્રી બેસાડીને યોગ્ય દાવ રમ્યો છે. સિદ્ધુને રાજી કરવા સોનિયા આ સમીકરણો થોડાં બદલે ?