નવદીન સૈની ઇજાગ્રસ્ત: આજની મુંબઇ સામેની મેચમાં રમવા અંગે શંકાસ્પદ

આઇપીએલની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે રસપ્રદ તબક્કામાં છે. આગામી એકાદ બે મેચ બાદ તો નક્કી થઈ જશે કે કઈ ટીમ પ્લે ઓફમાં સ્થાન હાંસલ કરનારી છે. એવામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બુધવારે મેચ રમાશે. આ બંને ટીમ હાલમાં તો મજબૂત સ્થિતિમાં છે અને આ મેચના પરિણામથી કોઈ ટીમને નુકસાન તો થવાનું નથી પરંતુ પ્લે ઓફ માટે તેઓ સારી રીતે પ્રેક્ટિસ કરી શકશે. આ સંજોગોમાં બેંગલોરની ટીમના એક બોલરને હાથે પાંચ ટાંકા આવેલા છે. આ બોલર છે ઝડપી બોલર નવદીપ સૈની.
નવદીપ સૈની ઘાયલ છે અને તે બુધવારે મુંબઈ સામે રમશે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી છે. સૈની માટે આમેય બાકી રહેલી મેચો અત્યંત મહત્વની છે કેમ કે તેને ઓસ્ટ્રેલિયા જનારી ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે. આમ તેણે સાજા થવું જરૂરી છે. જોકે ઓસ્ટ્રેલિયા જતા અગાઉ તેને ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમના પ્રમાણપત્રની જરૂર પડશે. તો જ તે પ્રવાસે જઈ શકશે. આ મેડિકલ ટીમ હાલમાં તમામ ખેલાડી પર નજર રાખી રહી છે.