નવા લોકડાઉન અંગે વિચારણા ચાલુ પણ તોય હવે એ શક્યતા નહિવત્ છે

બહુ જ ગંભીરતાથી વડાપ્રધાન કોરોના સામેના જંગમાં લડી રહ્યા છે. અને એય આખા દેશની ટકટક વચ્ચે. ભાન ન પડતી હોય એ બહુ વધુ બોલતા હોય છે. આ બધા બેઠા બેઠા દાળમાં ડોયો હલાવવા વાળા છે. પણ મોદી તો જંગે ચડેલો માથાભારે એકલવીર ગુજરાતી છે. એને દેશસેવામાં કોઈ આડે આવે એની કાંઈ પડી નથી. ગોળો ને ગોફણ કેડે બાંધી રાખે છે ને ભલભલાના ઘા કરવાની કળા જાણે છે. ભારતમાં કોરોનાના કેસો વધવા માંડ્યા છે ને લોકો ફફડી ગયેલાં છે ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બે મહત્ત્વની પહેલ કરી. મોદીએ પહેલી પહેલ કોરોનાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવા માટે 4 ડિસેમ્બર ને શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવીને કરી છે. મોદીએ બીજી પહેલ કોરોનાની રસી વિકસાવી રહેલી કંપનીઓના વિજ્ઞાનીઓ સાથે વાત કરીને તેમને સામાન્ય લોકોને સમજાય એવી રીતે કોરોનાની રસી વિશે સમજ આપવા કહ્યું છે.
મોદીએ કોરોના મુદ્દે ચર્ચા કરવા આ બીજી વાર સર્વપક્ષીય બેઠક બોલાવી છે, પણ બંનેના સંજોગો અલગ અલગ છે. ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની એન્ટ્રી થઈ ને માર્ચ મહિનામાં કોરોનાના કેસો ધડાધડ વધવા માંડ્યા પછી મોદીએ 26 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરેલી. લોકડાઉન લાદવાની જાહેરાતના પંદરેક દિવસ પછી એટલે કે આઠમી એપ્રિલે તેમણે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. મોદીએ પહેલા તબક્કામાં એકવીસ દિવસના લોકડાઉનની જાહેરાત કરેલી ને આ લોકડાઉન 14 એપ્રિલે પૂરું થતું હતું તેથી હવે પછી શું કરવું તેની ચર્ચા કરવા ને સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવાયેલી. આ બેઠકમાં મોદીએ લોકડાઉન સંપૂર્ણ રીતે હટાવી લેવાની ચોખ્ખી ના પાડેલી. વિપક્ષો પણ એ વાત સાથે સંમત થયેલા કેમ કે એ વખતે દેશમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહેલા. આ બેઠકમાં ચર્ચા પછી મોદીએ લોકડાઉન લંબાવી દીધેલું ને એ પછી તો બે વાર લંબાવીને છેક 30 મે સુધી લોકડાઉન ખેંચી દેવાયેલું.
આ વખતે પણ કોરોનાના કેસો ધડાધડ વધી જ રહ્યા છે પણ મોટ ફરક એ છે કે લોકડાઉન અમલમાં નથી. અલબત્ત મોદીએ સર્વપક્ષીય બેઠક બોલવી તેના કારણે મોદી ફરી લોકડાઉન લાદશે એવી વાતો વહેતી થઈ ગઈ છે. પહેલી વાર લોકડાઉનની જાહેરાત કરતાં પહેલાં મોદીએ કોઈને પૂછ્યું નહોતું. મોદીએ બે મહિના જેવું લોકડાઉન લગાવી દીધું તેમાં અર્થતંત્ર જરાક આડે પાટે જઈને ઊભું રહી ગયું. લોકડાઉન લદાયું ત્યારે કોઈ બોલતું નહોતું પણ તેની અસર વર્તાવા માંડી પછી બધાં સરકાર પર તૂટી પડ્યાં છે. સરકારે મનમાની કરીને લોકડાઉન લાદીને દેશની હાલત બગાડી નાખી એવી ટીકાઓનો મારો વિપક્ષ ચલાવી રહ્યો છે. આ વખતે એવી સ્થિતિ ન સર્જાય એટલે સરકારે લોકડાઉન લાદતાં પહેલાં વિપક્ષોને પૂછવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે એવી વાતો પણ ચાલી રહી છે.
મોદી પહેલાં જ કહી ચૂક્યા છે કે દેશમાં ફરી લોકડાઉન લાદવાનો સવાલ જ નથી આવતો પણ રાજકારણીઓ બોલે એ બધું પાળે જ એ જરૂરી નથી. મોદીએ જ્યારે વાત કરી ત્યારે સંજોગો અલગ હતા ને અત્યારે અલગ સંજોગો છે તેથી મોદી નિર્ણય બદલે તો તેમાં તેમનો વાંક પણ ન કહેવાય, પણ એકંદરે લોકડાઉન લદાય એવી શક્યતા ઓછી છે. જો કે લોકોમાં ડર એટલો છે કે નાની વાતમાંથી પણ લોકો મોટા અર્થ કાઢવા માંડે છે. સોશિયલ મીડિયા હવા આપે છે તેમાં વા વાયા ને નળિયું ખસ્યું જેવું થઈ જાય છે. અત્યારે એ જ સ્થિતિ છે ને મોદી ફરી લોકડાઉન લાદશે કે શું એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મોદી જે નિર્ણય લેશે તેની ખબર આવતા શુક્રવારે કે એ પછીના એક-બે દિવસમાં પડી જ જશે તેથી એ મુદ્દે ચર્ચા કરવાનો અર્થ નથી, પણ મોદી સરકાર પોતાની વાતને વળગી રહીને લોકડાઉન ન લાદે તો સારું. દેશમાં અર્થતંત્રની ગાડી પાટા પર ચડવા લાગી છે ત્યારે ફરી લોકડાઉનની બ્રેક મારીને તેને ખોરવી નાંખવી એ મૂર્ખામી ગણાશે. કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી તેને કાબૂમાં લેવા માટે પગલાં જરૂરી છે પણ લોકડાઉન ઉપાય નથી. મોદી સરકારે રાજ્ય સરકારો સાથે મળીને આકરાં નિયંત્રણ લાદવાં જોઈએ ને તંત્રને કામે લગાડીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એવા પ્રયત્નો કરીને કોરોનાને રોકવો જોઈએ. લોકડાઉન બિલકુલ ન લાદવું જોઈએ. જે રાજ્યોમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એ રાજ્યો માટે અલગ નીતિ કે વ્યૂહરચના બનાવી શકાય પણ દેશવ્યાપી લોકડાઉન દેશના હિતમાં નથી.

મોદી જે નિર્ણય લેશે એ સારો લેશે એવી આશા રાખીએ પણ અત્યારે તો તેમણે કોરોનાની રસી પર કામ કરી રહેલા વિજ્ઞાનીઓની ટીમ સાથે વાત કરીને લોકોને રસી વિશે સમજાવવાની અપીલ કરીને વધુ એક સારું કામ કર્યું છે. કોરોનાની રસી વિશે લોકોમાં અસમંજસ છે. આ રસી કામ કરશે કે નહીં એ વિશે લોકો અવઢવમાં છે. તેમાં પણ રવિવારે કોરોનાની રસી લેનારા એક વોલન્ટિયરે રસીના કારણે પોતાની માનસિક સ્થિતિ ખરાબ થઈ હોવાની અને હાલત બગડી ગઈ હોવાનો દાવો કરીને લોકોને ફફડાવી નાખ્યા છે. આ વોલન્ટિયરે તો સિરમ ઈન્સ્ટિટ્યુટ પાસે પાંચ કરોડનું વળતર પણ માગ્યું છે. આ કારણે લોકોને એક જ કંપનીની નહીં પણ તમામ રસી સામે શંકા-કુશંકાઓ થવા લાગશે તેથી સામાન્ય લોકો સુધી રસીની સમજ પહોંચે એ જરૂરી છે.

અત્યારે કોરોનાની રસી વિશે લોકોને કંઈ જ સમજ કે જાણ જ નથી. મીડિયામાં જે વાતો આવે તેના કારણે લોકોને થોડીઘણી માહિતી મળે છે પણ મીડિયામાં આવતા અહેવાલો કરતાં સોશિયલ મીડિયામાં ગપગોળા વધારે આવે છે. તેના કારણે રસી વિશે સાચું ચિત્ર જ લોકોને ખબર નથી. મીડિયામાં આવતા અહેવાલ પણ સાચા હોય એ જરૂરી નથી જ. અત્યારે મીડિયામાં જે અહેવાલો આવે છે તે પ્રમાણે, અમદાવાદમાં ઝાયડ્સ કેડિલા દ્વારા બનાવાઈ રહેલી રસી ઝાયકોવ-ડીની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ વાત સાચી હોય તો પણ લોકોને પહેલા, બીજા ને ત્રીજા તબક્કાની ટ્રાયલમાં શુ ફરક છે તે જ ખબર નથી. આ વાતો લોકોને સમજાવવી જરૂરી છે. ઝાયડસ કંપની કોરોના-વિરોધી રસી વિકસિત કરવામાં શરૂઆતથી જ કામે લાગી ગઈ હતી.
સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા અને સ્વદેશી નિર્માણપ્રક્રિયા સાથે ઝાયડસે આ રસી વિકસાવી હોવાનું કહેવાય છે. આ વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાની અને હ્યુમન ટ્રાયલ માટેની અપ્રૂવલ મળી જશે તો બહુ જલદી લોકો સુધી પહોંચી જશે એવું મીડિયા કહે છે. આ વાત કેટલા અંશે સાચી છે એ સ્પષ્ટતા થવી જરૂરી છે. કોવિશિલ્ડ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા દ્વારા પણ કોરોનાની રસી વિકસાવાઈ છે. આ રસીનું ઉત્પાદન પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહી છે ને ડખો તેમાં જ થયો છે. આ રસી પણ અંતિમ મંજૂરીના તબક્કામાં હોવાનું કહેવાય છે પણ વોલન્ટિયરના આક્ષેપના કારણે બધું સખળડખળ થઈ શકે છે. ત્રીજી રસી કોવેક્સિન ભારત બાયોટેક અને ઈન્ડિયન ક્લિનિકલ એન્ડ મેડિકલ રીસર્ચ દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવાયેલી કોવેક્સિન રહી છે.
હૈદરાબાદમાં ભારત બાયોટેક અને આઈસીએમઆરના વિજ્ઞાનીઓ આ વેક્સિન પર કામ કરી રહ્યા છે. કોવેક્સિન વેક્સિનની હ્યુમન ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે એવું કહેવાય છે. અમદાવાદ અને હાલ ભોપાલમાં બેય રસીના ડોઝ વોલન્ટિયર્સને અપાઈ રહ્યાં છે ને બહુ જલદી બીજાં શહેરોમાં પણ ટ્રાયલ ચાલુ કરાશે એવી વાતો છે. આ રસીનાં આરંભિક પરિણામો પ્રોત્સાહક છે એવી બધી વાતો મીડિયા દ્વારા કહેવાય છે. મીડિયા સૂત્રોના હવાલાથી આ બધી વાતો કરે છે ને મીડિયાનાં સૂત્રો સાચાં જ હોય એ જરૂરી નથી એ જોતાં વિજ્ઞાનીઓ પોતે જ સાચું ચિત્ર લોકો સામે મૂકે એ સારી જ વાત છે. આપણા વિજ્ઞાનીઓ સામાન્ય લોકો સુધી કોરોનાની વાત સાદી ને સરળ ભાષામાં પહોંચાડે એ બીજાં કારણર પણ જરૂરી છે. કોરોના સાવ નવો રોગ છે ને આપણને હજુ તો એ રોગનું મૂળ ક્યાં છે એ વિશે ચોકક્સ ખબર નથી. કોરોના સાર્સ ટાઈપનો વાઈરસ છે એવું કહેવાય છે પણ એ સાબિત થયેલું નથી.
કોરોના વાયરસ વિશે હજુ વિશ્વભરના વિજ્ઞાનીઓ ગોથાં ખાય છે અને દરેક દેશના વિજ્ઞાનીઓ અલગ અલગ વાતો કરે છે. કોરોનાની રસી શોધવી જરૂરી છે કે નહીં એ મુદ્દે પણ અલગ અલગ મતો છે તેથી લોકો ગૂંચવાડામાં છે. હમણાં એક અમેરિકન વિજ્ઞાનીએ તો વળી એવો દાવો કર્યો કે, હવે કોરોના ખતમ થઈ ગયો છે તેથી કોરોનાની રસીની જરૂર નથી. આ પ્રકારની વાતોના કારણે લોકો ગૂંચવાયેલા છે ત્યારે આપણા વિજ્ઞાનીઓ આગળ આવીને લોકોનો સમજાવે તો તેનાથી બહુ મોટો ફરક પડી જાય. મોદીની અપીલ પછી વિજ્ઞાનીઓ શું કહેશે એ ખબર નથી પણ રસી અંગેની પ્રક્રિયા તથા તેની આડઅસરો વિશે પણ લોકોને જાગૃત કરવા જરૂરી છે કે જેથી લોકોમાં કોઈ ભ્રમ ના રહે. કોરોનાની વેક્સિનની વાતો થાય છે પણ લોકોમાં ડર છે. આ ડર સંપૂર્પણે દૂર થાય ને લોકોને વેક્સિન સલામત છે તેનો અહેસાસ થાય એ જરૂરી છે. બાકી ભારે મહનેત કર્યા પછી વેક્સિન બનાવો ને લોકો ડરના માર્યા વેક્સિન લેવા જ ન આવે તો બધી મહેનત માથે પડશે.