નવી શિક્ષણ નીતિ પાસેથી તો દેશ અનેક પ્રકારની અપેક્ષાઓ રાખે છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટો નિર્ણય લઈને નવી શિક્ષણનીતિને મંજૂરી આપી દીધી. આપણી શિક્ષણ પદ્ધતિ બાવા આદમના જમાનાની છે તેમાં આજના જમાના સાથે મેળ ખાતો નથી. મોદી સરકારે આ સ્થિતિ બદલવા માટે કમર કસી છે ને તેના ભાગરૂપે આ નવી શિક્ષણનીતિ ઘડી છે. વિદેશી રોકાણ આવે એટલા માટે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા જાહેરાત આ નીતિમાં છે. એ જ રીતે ટ્રાન્સલેશન, ઈન્ટરપ્રીટેશન વગેરે માટે ઈન્સ્ટિટ્યૂટ બનાવવા જેવાં નિર્ણયો પણ છે, પણ એવા નિર્ણયોની સંખ્યા ઓછી છે.

આ નીતિનો ઉદ્દેશ ભારતને ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવવાનો છે, પણ તેના માટે શિક્ષણનીતિમાં ધરમૂળથી જે ફેરફાર કરવો પડે તેની વાત પ્રારંભિક તબક્કામાં છે કારણ કે એક સાથે સો પગથિયા ચડવા જેવો કૂદકો મારી શકાય નહિ. કોંગ્રેસના લાંબા અને દાયકાઓ જુના શાસનમ જે ન થઈ શક્યું એ કંઈ રાતોરાત થવાનું નથી. હજુ પણ ઘણા લોકો માને છે કે શિક્ષણમાં પણ ચમત્કાર થઈ જાય તો સારું. પણ એવા ચમત્કાર કંઈ થાય નહિ. વડાપ્રધાન મોદીએ બહુ જ ધીરજપૂર્વક શિક્ષણ નીતિ બદલાવી છે. અને એના મીઠાં ફળ ચાખવા પ્રજાએ પણ ધીરજ રાખવી ઘટે.

દેશમાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને એક જ વિષયના અભ્યાસક્રમને બદલે તમામ વિષયો ભણાવે એવી સંસ્થાઓમાં બદલવામાં આવશે ને લોકોને અંદરથી જ ભારતીય હોવાનો ગર્વ અનુભવાશે. મોદી સરકાર ભારતીયતાના નામે પહેલાં જ જ્યોતિષ, આયુર્વેદ વગેરેના અભ્યાસક્રમો લાવી ચૂકી છે ને આ બધા શિક્ષણના કારણે દેશ નોલેજ સુપરપાવર બનવાની દિશામાં થોડીક તો થોડીક પણ આગેકૂચ તો થાય છે. .

ભાજપે આ પહેલાં પણ કેન્દ્રમાં તેમની સરકાર હતી ત્યારે શિક્ષણનીતિ બદલવાનો પ્રયત્ન કરેલો. નરસિંહરાવે 1992માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ બનાવી તેનો અમલ અટલ બિહારી વાજપેયી સરકારે ચાલુ રાખેલો ને સાવ નવી શિક્ષણનીતિ નહોતી બનાવી, પણ શિક્ષણને પોતાની વિચારધારા પ્રમાણે ઢાળવાનો પ્રયાસ ચોક્કસ કરેલો.

વાજપેયી સરકારમાં મુરલી મનોહર જોશી માનવ સંસાધન વિકાસ મંત્રી હતા. જોશી પોતે અલાહાબાદ યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર હતા તેથી શિક્ષણ અંગેના તેમના જ્ઞાન સામે શંકા ન કરાય, પણ તેમનું જ્ઞાન જુદી દિશામાં વળી ગયેલું. જોશી ફિઝિક્સના પ્રોફેસર હતા તેથી ખરેખર તો તેમણે દેશના શિક્ષણમાં સાયન્સ અને ટેકનોલોજીનું શિક્ષણ વધે એ માટે પ્રયત્ન કરવા જોઈતા હતા. આ શિક્ષણ પણ થોથાં વાંચીને અપાતા શિક્ષણ જેવું નહીં પણ વિદ્યાર્થીઓ વાસ્તવિક જિંદગીમાં તેનો ઉપયોગ કરી શકે એ પ્રકારનું બનાવવાની જરૂર હતી, પણ તેના બદલે જોશી અવળા રસ્તે ચડી ગયા. જોશીની પિન ઈતિહાસ પર ચોંટી ગયેલી તેથી સાયન્સ અને ટેકનોલોજીના બદલે તેમણે ઈતિહાસની પથારી ફેરવવાનું નક્કી કર્યું. આ દેશમાં ડાબેરી વિચારધારા ને કૉંગ્રેસના પીઠ્ઠુઓએ ખોટો ઈતિહાસ લખીને હિંદુઓને માયકાંગલા ચિતર્યા એવી રેકર્ડ એ વગાડ્યા કરતા. આઝાદીના ઈતિહાસમાં પણ કૉંગ્રેસીઓની વાહવાહી છે ને બીજાંનાં બલિદાનને ભૂલાવી દેવાય છે એવું જોશી માનતા.

વિદ્યાર્થીઓને ખોટો ઈતિહાસ ભણાવાય છે ને તેમને સાચો ઈતિહાસ ભણાવવો જોઈએ એવું માનતા જોશી ઝનૂનપૂર્વક ઈતિહાસ બદલવા મચી પડેલા. આ માન્યતાના કારણે જોશીના સમયમાં ઈતિહાસનાં પુસ્તકોમાં ભારે ફેરફારો કરાયેલા. જોશીનું કહેવું હતું કે, આ ઈતિહાસ જ ભારતની સંસ્કૃતિનો સાચો ઈતિહાસ અને હિંદુઓને ન્યાય કરનારો છે. બીજા ઈતિહાસકારોને આ વાત માફક નહોતી આવી ને તેમણે જોશીની ઝુંબેશને શિક્ષણનું ભગવાકરણ ગણાવીને ભારે દેકારો મચાવેલો. જોશીએ તેની સામે મચક નહોતી આપી ને પુસ્તકોમાં બહુ ફેરફારો કરાવી દીધેલા. વાજપેયીની સરકાર રહી ત્યાં સુધી એ બધું ચાલ્યું, પણ 2004માં વાજપેયી સરકાર ગઈ એ સાથે બધું અભરાઈ પર ચડી ગયું. ફરી એ જ જૂનો ઈતિહાસ આવી ગયો ને શિક્ષણમાંથી ભગવો કલર કાઢી નખાયો.

મોદી સરકાર આવી પછી પહેલી ટર્મમાં સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન વિકાસ પ્રધાન બનાવાયેલાં. સ્મૃતિ પોતે બાર ચોપડી ભણેલી બાઈ છે ને મોદીની મહેરબાની ન હોય તો તેને મંત્રાલયની વાત તો છોડો પણ કોઈ કૉલેજમાં એડમિશન ન આપે. આ બાઈને મોદીએ દેશના શિક્ષણને બદલવાની જવાબદારી સોંપી દીધેલી. હલકાને હવાલદારી સોંપો તો શું થાય ? સ્મૃતિના કિસ્સામાં પણ એવું જ થયેલું. સ્મૃતિએ જોશીનીમાંથી પ્રેરણા લઈને ઈતિહાસના ભગવાકરણના ઉધામા શરૂ કરેલા. સાથે સાથે આઈઆઈટી અને આઈએમએમ જેવી સ્વાયત્ત સંસ્થાઓ પર ધોંસ જમાવવા તેમના કામમાં દખલ શરૂ કરી દીધેલી. સ્મૃતિએ બીજા પણ બહુ દાખડા માંડેલા. તેના કારણે મોદીને પણ લાગ્યું કે, સાલુ ભૂલ થઈ ગઈ કે આ બેનને હવાલે શિક્ષણ કરી દીધું. મોદીએ બહુ જલદી એ ભૂલ સુધારીને સ્મૃતિ મેડમને રવાના કરી દીધેલાં.

મોદીએ એ પછી પ્રકાશ જાવડેકરને અને હવે રમેશ પોખરીયાલને આ મંત્રાલય સોંપ્યું. બંને ઠાવકા માણસો સાબિત થયા છે ને દોઢ ડહાપણ ડહોળીને આબરૂના ધજાગરા નથી કર્યા. આપણી ખરી જરૂરિયાત શિક્ષણને વધારે વાસ્તવવાદી અને ટેકનોલોજી આધારિત બનાવવાની છે. તેના માટેનું મોડલ પણ જવાહરલાલ નેહરુના સમયથી તૈયાર છે ને તેને અત્યારની જરૂરિયાત પ્રમાણે ઢાળવાની જ છે. નહેરુએ નવા વિચારો માટે મોટી સંસ્થાઓ ઊભી કરેલી ને તેનો અમલ કરી શકાય એવું પ્રાયોગિક જ્ઞાન આપવા તેણે આનુષંગિક નાની સંસ્થાઓ બનાવેલી. ઉદાહરણ તરીકે ટેકનોક્રેટ અને એન્જિનિયરો પેદા કરવા માટે આઈઆઈટી હતી. એ લોકોના વિચારોને વાસ્તવિક રીતે અમલમાં મૂકવા જે સ્કિલ્ડ પર્સન્સ જોઈએ તેમના માટે આઈટીઆઈ હતી. ભારત કૃષિલક્ષી દેશ છે તો કૃષિના જ્ઞાન માટે કૃષિ યુનિવર્સિટીઓને એ પ્રમાણે નવી સુધરેલી ખેતી કરી શકે એ માટે ઉત્તર બુનિયાદી સ્કૂલો બનાવાયેલી. આ તો બે જ ઉદાહરણ આપ્યાં, પણ આ રીતનું માળખું એ જમાનામાં જે પણ અભ્યાસક્રમો હતા તેને અનપરૂપ બનાવાયેલું. મોદીએ તેને અનુસરવાનું જ છે.

મોદી સરકારે માનવ સંસાધન વિકાસ (હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ) મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ (એજ્યુકેશન) મંત્રાલય કરવાનો નિર્ણય પણ લીધો છે. આ નિર્ણય બરાબર છે કેમ કે આ મંત્રાલયનું મુખ્ય કામ જ શિક્ષણને લગતી બાબતો જોવાનું જ છે. આ મંત્રાલય હેઠળ ઘણા બધા વિભાગો આવે છે, પણ તેનું મુખ્ય કામ તો દેશમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું છે. માનવ સંસાધન વિકાસ શબ્દ પણ ભારેખમ ને સામાન્ય લોકોને બોલતાં જીભ ગોટે ચડી જાય એવો છે. બલકે તેને આ શબ્દનો અર્થ પણ ખબર નહીં હોય, જ્યારે શિક્ષણ શબ્દ તો સામાન્યમાં સામાન્ય માણસના પણ જીભે ચડેલો છે. માનવ સંસાધન વિકાસ કોને કહેવાય એ સમજાવવું પડે, જ્યારે શિક્ષણ એટલે શું એ કોઈને સમજાવવાની જરૂર જ નથી એ જોતાં શિક્ષણ મંત્રાલય નામ બરાબર જ છે.

મોદીએ આ નામકરણ કરીને રાજીવ ગાંધીએ કરેલી ભૂલને સુધારી છે. રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા પછી તેમણે સપ્ટેમ્બર, 1985માં શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંશાધન વિકાસ મંત્રાલય કરેલું. પી.વી. નરસિંહરાવ દેશના પહેલા માનવ સંશાધન વિકાસ મંત્રી બન્યા, પણ એ પહેલાં મૌલાના અબ્દુલ કલામથી માંડીને કૃષ્ણચંદ્ર પંત સુધીના પ્રધાનો શિક્ષણ પ્રધાનો જ કહેવાતા. રાજીવ ગાંધી નવાસવા વડા પ્રધાન બન્યા ત્યારે તેમને બધું બદલી નાખવાનો ભારે ઉત્સાહ હતો. રાજીવ ગાંધીને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે, આ ઉત્સાહ દેશને ફળ્યો પણ ખરો ને આ દેશમાં ટેલિકોમ ક્રાંતિ સહિતનાં એવાં ઐતિહાસિક પગલાં ભરાયાં કે જેણે આ દેશની દિશા અને દશા બદલી નાખી. આ દેશને પછાતપણામાંથી વિકાસની દિશામાં આગળ વધનારા દેશની કક્ષામાં લાવી દીધો. રાજીવે એ ઉત્સાહમાં શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરી નાખેલું.

રાજીવ ગાંધીએ આ નામ બદલ્યા પછી બીજા વર્ષે એટલે કે 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ બનાવેલી. રાજીવે શિક્ષણને બિબાઢળ ઘરેડમાંથી બહાર કાઢીને ટેકનોલોજી આધારિત શિક્ષણ વધે એ પ્રકારની નીતિ બનાવી હતી. એ વખતે હજુ કોમ્પ્યુટર ભારતમાં આવ્યાં જ નહોતાં એમ કહીએ તો ચાલે. રાજીવે કોમ્પ્યુટરને પણ શિક્ષણમાં સમાવી લીધેલું ને ઉચ્ચ શિક્ષણમાં તેને લગતા કોર્સિસ શરૂ કરાવેલા. રાજીવનો ઉદ્દેશ સારો હતો ને તેમણે બહુ મોટું કામ કરેલું, પણ તેના માટે નામ બદલવાની જરૂર નહોતી. આ અલગ નામકરણના કારણે દેશને કશું નુકસાન થયું નથી એ હકીકત છે, પણ લોકોને આ નામ ગોઠતું નહોતું. કેટલાંકને તો એવું પણ લાગતું કે, કેન્દ્રની સરકારમાં શિક્ષણ વિભાગ જ નથી. મોદી સરકારે નામ બદલતાં હવે ગેરસમજ નહીં થાય. ઘણાં લોકોને માનવ સંસાધન વિકાસ મંત્રાલય કામ શું કરે એ જ સમજ નહોતી પડતી. હવે તેમને મુંઝવણ નહીં થાય.