નારોલમાં એકસાથે ૬૬ કબૂતરનાં શંકાસ્પદ મોત, બર્ડ લૂની આશંકા

બુધવારે નારોલના આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ અર્થેે મોકલી આપ્યા હતા. બર્ડ લૂની આશંકાને ધ્યાને લઇને ઘટનાસ્થળે સેનેટાઇઝ અને ફોગિંગ કરાયું હતું. નારોલ-વટવા જીઆઇડીસીની વચ્ચે આવેલા આકૃતિ ટાઉનશીપમાં બુધવારે મોટી સંખ્યામાં કબૂતરોના મોતની ગંભીરતાને ધ્યાને લઇ પશુપાલન ખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પશુપાલન વિભાગના ડો.સુકેતુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બુધવારે આ સ્થળો પર કબૂતર પડીને મરી રહૃાાં હતાં. ઘટના સ્થળેથી દિવસ દરમિયાન ૬૬ કબૂતરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બર્ડ લૂને લઇને કબૂતરના સેમ્પલ સાથે એક ટીમને ભોપાલ રવાના કરી છે. બે દિવસમાં ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઘટનાસ્થળની નજીકમાં ઇન્ડસ્ટ્રીઓ હોઇ, કદાચ ત્યાંથી ટોક્સિનયુક્ત ચીજ ખાધી હોવાથી પણ કબૂતરોના મોત થવાની શંકા છે.