નિર્મલા સીતારામનનું આ નવું પેકેજ બજારને ફૂલગુલાબી તો બનાવશે જ

કોરોનાનો રોગચાળો દૂર કરવા માટે લાદવા પડેલા લોકડાઉને દેશના અર્થતંત્રની હાલત બગાડી નાખી છે. ઉદ્યોગ-ધંધા સાવ પડી ભાંગ્યા છે ને બેરોજગારોની તો ફોજ ખડકાઈ ગઈ હોય એવી હાલત છે. મોદી સરકારે લોકડાઉનના કારણે અર્થતંત્રની આવી માઠી દશા થશે એવી કલ્પના પણ નહીં કરી હોય તેથી સરકાર સતત કામે લાગી ગઈ છે. અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે શું કરવું તેની તેના ભાગરૂપે મોદી સરકાર જાતજાતનાં પેકેજ જાહેર કર્યા કરે છે પણ તેના કારણે ગાડી પાટે ચડી રહી છે. મોદી સરકારનાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને સોમવારે સરકારી કર્મચારીઓ માટે એવું જ એક પેકેજ જાહેર કરી દીધું.

મોદી સરકારે જાહેર કર્યું છે કે, તહેવારોની મોસમ આવી રહી છે તેથી સરકારના દરેક કર્મચારી અને અધિકારીને દસ હજાર રૂપિયા એડવાન્સ અપાશે ને તેના પર કોઈ વ્યાજ નહીં લેવાય. આ એડવાન્સ રોકડમાં નહીં અપાય પણ પ્રી-પેઈડ રૂપે કાર્ડના રૂપમાં અપાશે ને 31 માર્ચ, 2021 સુધીમાં વટાવી લેવાનાં રહેશે. આ ઉપરાંત એલટીસી કેશ વાઉચર સ્કીમ પણ જાહેર કરાઈ છે. આ સ્કીમ હેઠળ કર્મચારીઓ તથા અધિકારીઓને લીવ એન્કેશમેન્ટ હેઠળ રોકડ રકમ મળશે. કર્મચારીઓ ટિકિટ ભાડાની ત્રણ ગણી રકમ જેટલાં વાઉચર લઈ શકશે પણ આ રકમ તેમણે જેના ઉપર 12 ટકા કે વધારે જીએસટી લાગતો હશે એવી ચીજોની ખરીદી પાછળ વાપરવી પડશે. કર્મચારી હપ્તે હપ્તે દસ હપ્તામાં આ રકમ ચૂકવી શકશે. સરકારી કર્મચારીઓને દર ચાર વરસે વેકેશન પર જવા માટે એલટીસી મળે છે પણ આ વખતે કોરોનાના કારણે બધું બંધ હતું તેથી કર્મચારીઓ પ્રવાસે ના જઈ શક્યા. તેમને માટે આ યોજના જાહેર કરાઈ છે.

આ સિવાય રાજ્યો માટે 12 હજાર કરોડ રૂપિયાની વ્યાજ વિનાની લોનની સ્કીમ પણ નિર્મલાએ જાહેર કરી છે. આ રકમ 50 વર્ષમાં પાછી ચૂકવવાની છે ને રોજગારી પેદા કરે એવા મોટા પ્રોજેક્ટ પર ખર્ચ કરવાની રહેશે. આ રકમમાંથી 1600 કરોડ રૂપિયા ઉત્તર-પૂર્વનાં રાજ્યોને 900 કરોડ રૂપિયા હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડને અપાશે. આ સિવાય નિર્મલા સીતારામને બીજા પણ નાનાં નાનાં પગલાં જાહેર કર્યાં છે. નિર્મલા સીતારામનનો દાવો છે કે, આ બધાં પગલાંથી માર્ચ, 2021 સુધીમાં દેશમાં 32 હજાર કરોડ રૂપિયાના માલની ખપત થશે ને બજારમાં એ રૂપિયો ફરતો થશે એટલે આપણા માંદલા અર્થતંત્રની હાલતમાં સુધારો થવાની શરૂઆત થશે.

નિર્મલાનો તર્ક સાચો છે કેમ કે અર્થતંત્રને ધબકતું કરવું હોય તો લોકોને નાણાં ખર્ચતા કરવા પડે. લોકો પાસે પૈસો હોય તો લોકો બજારમાં આવે ને માલ ખરીદે. એ પૈસો ગ્રાહક પાસેથી વેપારી પાસે ને વેપારી પાસેથી ડીલર પાસે જાય. ડીલર પાસેથી ઉત્પાદક પાસે ને તેની પાસેથી કાચો માલ આપનારા પાસે જાય. આ તો ચેઈનના મુખ્ય મુખ્ય ખેલાડીઓની વાત કરી, બાકી ટ્રાન્સપોર્ટરથી માંડીને પોર્ટર સુધીના બહુ બધા નાના નાના ખેલાડીઓને પણ તેમાંથી તેમના કામના પ્રમાણમાં પૈસા મળે. એ લોકો પાસે પૈસો આવે તો એ લોકો પણ બીજે ખર્ચતા થાય ને સરવાળે બધાંનું ભલું થાય.

અર્થશાસ્ત્રનો આ બહુ સાદો સિદ્ધાંત છે ને દુનિયાભરનાં અર્થતંત્ર આ સિદ્ધાંત પર ચાલે છે. આ સિદ્ધાંતમાં મૂળ મુદ્દો જ એ છે કે, લોકોના હાથમાં રૂપિયા હોવા જોઈએ ને એ રૂપિયો બજારમાં ફરતો થવો જોઈએ. નિર્મલાએ જે સ્કીમો જાહેર કરી છે તેમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના હાથમાં રૂપિયા આવશે ને એ રૂપિયા બજારમાં ફરતા કરવા જ પડે એ રીતે આવશે તેથી સૈદ્ધાંતિક રીતે આ જાહેરાતો સારી છે તેમાં શંકા નથી પણ તકલીફ એક જ છે કે આ બધું એટલા નાના પાયે છે કે તેના કારણે અર્થતંત્રને કોઈ મોટો ફાયદો થશે કે નહીં તેમાં શંકા રહે.

આ દેશની વસતીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રમાણ એક ટકા કરતાં પણ ઓછું છે. બલ્કે પૂરો અડધો ટકો પણ નથી, કેમ કે ભારતમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓની સંખ્યા 47 લાખની આસપાસ જ છે. આપણી 130 કરોડની વસતીમાં ગણવા જાઓ તો માંડ એક ટકાના પણ ત્રીજા ભાગ જેટલી વસતી થાય. તેમાં પણ 14 લાખ તો લશ્કરના જવાનો છે ને તેમને આ લાભ મળશે કે નહીં તેમાં શંકા છે. માનો કે મળે તો પણ બધા મળીને 47 લાખ જ થાય. હવે સરકાર આટલાં લોકોના હાથમાં દસ-દસ હજાર રૂપિયા આપે તો પણ બજારમાં રૂપિયો ફરતો થાય.

માનો કે કેન્દ્ર સરકારમાંથી પ્રેરણા લઈને દેશનાં તમામ રાજ્યો પણ એ જ રસ્તો અપનાવો તો પણ સરકારી કર્મચારીઓની સંખ્યા પાંચ કરોડથી વધારે ન થાય. રાજ્યોની અત્યારે જે હાલત છે એ જોતાં તેમને તો પગાર કરવાનાં પણ ફાંફાં છે ત્યાં સરકારી કર્મચારીઓને કોઈ નવો લાભ આપવાની તો કલ્પના જ ન થાય પણ ઘારવા ખાતર ધારીએ તો પણ તમામ કેન્દ્રીય ને રાજ્ય સરકારના કર્મચારીઓને ગણતરીમાં લઈએ તો પણ દેશની વસતીમાં માંડ ચાર ટકા લોકો થયા. આ બધા કર્મચારીઓ પાછો લાભ લે એ પણ નક્કી નહીં કેમ કે આ રકમ સરકાર ખેરાતમાં નથી આપવાની પણ લોન તરીકે આપવાની છે. આ રકમ પછીથી પગારમાં કપાશે જ એ જોતાં બધા કર્મચારીઓ આ વિકલ્પ પસંદ કરે એવું બનવાનું નથી. અડધા કર્મચારીઓ વિકલ્પ પસંદ કરે તો દેશની બે ટકા વસતી થાય ને થોડાક વધારે પસંદ કરે તો ત્રણ ટકા થાય. તેનાથી વધારે ન થાય તો પણ ફેર તો પડે જ.

આપણા અર્થતંત્રનું કદ એટલું મોટું છે કે તેમાં જેટલું કરો એટલું ઓછું છે ત્યારે આ તો કશું પણ નહીં કર્યા બરાબર જ છે એવું મોદીના ટીકાકારોને ભલે લાગે પણ સરકાર કંઈ બેસી રહેવા માટે નથી. એટલે જે પેકેજ આપ્યું છે એના સારા પરિણામો તો દેખાવાના જ છે. મોદી સરકારે પોતે મૂકેલા આંકડા પ્રમાણે જ ચારેક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ સરકારને થશે ને બજારમાંથી કુલ છત્રીસ હજાર કરોડ રૂપિયાનો માલ ખપશે. ભારતમાં એફએમસીજી માર્કેટ સાત લાખ કરોડ રૂપિયાનું છે. તેની સરખામણીમાં આ રકમ ભલે નાની કહેવાય. આ રકમમાંથી એફએમસીજી પ્રોડક્ટ્સ ખરીદી શકાવાની નથી પણ આ આંકડો એક સરખામણી માટે આપ્યો છે.

મોદી સરકારે સાચી દિશામાં પગલું લીધું છે તેનો ઈનકાર ન થઈ શકે. સરકારને એ અહેસાસ થયો છે એ સારું છે. નરેન્દ્ર મોદીએ લોકડાઉન ઉઠાવી લેવાની વાત કરી એ પહેલાંથી અર્થશાસ્ત્રીઓ તો આ વાત કહેતા જ હતા. એ લોકો કહી કહીને થાકી ગયા કે, લોકોના હાથમાં રૂપિયા આપો તો બજારમાં એ રૂપિયો આવશે ને તેજી આવશે. બાકી કાગળ પર ગમે તેટલી જોરદાર જાહેરાતો કરો તેનાથી કોઈ ફરક નહીં પડે. એ વખતે મોદી સરકાર આ વાત સમજવા તૈયાર નહોતી પણ હવે મોડે મોડે તેને એ વાત સાચી લાગી છે એ સારું છે.જો કે હજુય આ વિચારને મોટા પાયે અમલી બનાવવાની જરૂર તો છે જ. કેન્દ્રીય કર્મચારીઓની સાથે સાથે સામાન્ય લોકોના હાથમાં પણ રૂપિયા આવે એ પ્રકારની યોજના વિચારવાની જરૂર છે જ. લોકોના બૅંક ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવાની જરૂર નથી પણ એ પ્રકારની કોઈ યોજના બનાવવી પડે. તેના માટે થોડુંક મગજ કસવું પડે કેમ કે તેના વિના ઉદ્ધાર નથી. આપણા અર્થતંત્રની ખરાબ હાલત જોતાં એ કરવું જ પડે એમ છે. જેટલું મોડું કરીશું એટલી તકલીફો વધશે ને ફરી બેઠા થવાનું મુશ્કેલ થશે