નિર્મલા સીતારામને દરેક ક્ષેત્રોને બજેટમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી તો આપી છે

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબર જામી રહ્યો છે ને રાજકીય પટ્ટાબાજીની મોસમ પૂરબહારમાં જામી છે. આ માહોલમાં સંસદમાં ગઈકાલે બજેટ રજૂ થઈ ગયું છે. એ પહેલા બજેટ સત્રના પહેલા દિવસે નાણાં મંત્રી નિર્મલા સીતારામને આર્થિક સર્વે રજૂ કર્યો ને તેમાં દેશ અને દુનિયાના સંદર્ભે અર્થતંત્ર પાછું પહેલાંની જેમ ધમધમતું થઈ ગયું હોવાની વાત પણ છે. નિર્મલા સીતારામને રજૂ કરેલા આર્થિક સર્વેમાં 2022-23ના નાણાંકીય વર્ષમાં આર્થિક વિકાસ દર આઠ ટકાથી સાડા આઠ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે. ગયા વરસે નિર્મલાએ આર્થિક સર્વે રજૂ કર્યો ત્યારે નવા નાણાંકીય વરસમાં દેશના જીડીપીનો વિકાસ દર 11 ટકાની આસપાસ રહેશે એમ આશાપૂર્વક કહ્યું હતું. એ પછી મોદી સરકારના જ આંકડા વિભાગ હેઠળ કામ કરતી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)એ આર્થિક વિકાસ દર ઘટાડીને 9.2 ટકા કરેલો.
કોરોના વાઇરસના કારણે વિકાસ દર ઘટાડવો પડ્યો એવું કારણ સરકારે આપેલું. હવે ઓમિક્રોનનો ખતરો ઘટી ગયો હોવાના દાવા કરાઈ રહ્યા છે ત્યારે આર્થિક વિકાસ દર સાડા આઠ ટકાની આસપાસ રહેશે એવો અંદાજ મુકાયો છે. તેની પાછળનો તર્ક નિર્મલા મેડમ જ જાણે, પણ ગયા વરસની સરખામણીમાં આ વિકાસ દર વાજબી ગણી શકાય. ગયા વરસે પણ નિર્મલાએ કહ્યું હતું કે, કોરોના રસીકરણના કારણે દેશનું અર્થતંત્ર પાછું ધમધમતું થઈ જશે.આ વખતે પણ નિર્મલાએ એ જ રેકર્ડ વગાડી છે કે, દેશની મોટા ભાગની વસતીને કોરોનાની રસી અપાઈ ગઈ હોવાથી અર્થતંત્ર ગતિ પકડી રહ્યું છે.
સાથે સાથે સરકારે લીધેલાં લાંબા ગાળે ફાયદાકારક પગલાંના કારણે દેશનું અર્થતંત્ર પાછું ગતિમાં આવી ગયું છે ને આ વખતે સાડા આઠ ટકાની આસપાસ વિકાસ જોવા મળશે. આર્થિક સર્વેમાં ક્યાં ક્ષેત્રોને કોરોના કારણે આવેલી આર્થિક મંદીનો માર પડ્યો છે ને ક્યાં ક્ષેત્રો બચી ગયાં એ સહિતની વાતો પણ કરાઈ છે ને એવો દાવો પણ કરાયો છે કે, લોકોને હવે ચીજવસ્તુઓ વાપરવામાં કરકસર કરવાના બદલે પહેલાંની જેમ બધું વાપરવાનું શરૂ કરી દીધું છે તેથી ચીજવસ્તુઓની માંગ પણ વધી છે. સરકારી ખર્ચ પણ વધ્યો છે તેથી અર્થતંત્રની હાલત સુધરી રહી હોવાનો દાવો પણ કરાયો છે. આર્થિક સર્વેમાં સરકારે અર્થતંત્રને સુધારવા શું શું કર્યું તેનાં ગુણગાન પણ છે ને એકંદરે હવે દેશનું અર્થતંત્ર પાછું પહેલાંની જેમ ફૂલગુલાબી થઈ જશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે.
ટૂંકમાં મોદી સરકારે કોરોનાની ખરાબ અસરોને ખાળીને દેશના અર્થતંત્રની ગાડી પાછા પાટા પર ચડાવી દીધી છે ત્યાં લગીની વાતો નિર્મલાએ કરી છે. દેશના અર્થતંત્રની હાલત ખરેખર નજર સામે જ સુધરતી જાય છે તેથી ઝાઝી વાત કરવાનો મતલબ નથી. આર્થિક સર્વેમાં આમ પણ આંકડાની માયાજાળ વધારે હોય છે. મોદી સરકાર તો હોંશિયાર છે. નિર્મલાએ આર્થિક સર્વેમાં એ બંને કામ કરી બતાવ્યાં છે તેથી તેની વાત કરવાનો બહુ મતલબ નથી પણ નિર્મલાએ ગઈકાલે જે સામાન્ય બજેટ રજૂ કર્યું છે તેની વાત કરી લઈએ કેમ કે આખા દેશની નજર આ બજેટ પર છે.
નરેન્દ્ર મોદી 2019ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી જીતીને ફરી વડા પ્રધાન બન્યા પછી નિર્મલા સીતારામનને નાણાં મંત્રી બનાવેલા. નિર્મલાએ 2019ના જુલાઈ મહિનામાં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું ને 2020માં 1 ફેબ્રુઆરીએ બીજું બજેટ રજૂ કરેલું. આ બંને બજેટમાં તેમણે ઘણી કમાલ કરેલી છે. એ વખતે કોરોના કે બીજું કશું હતું નહીં ને અર્થતંત્ર સામાન્ય રીતે ચાલતું હતું, લોકોનું જનજીવન પણ શાંતિથી ચાલતું હતું છતાં નિર્મલા કોઈ છાપ છોડી શક્યાં નહોતાં. નિર્મલાનાં પહેલાં બે બજેટમાં આયોજનો ભાગ વિશેષ હતો નહીં ને નર્યાં વાતોનાં વડાં ન હતાં. મોદીને નિર્મલાનાં રબ્બર સ્ટેમ્પ ફાયનાન્સ મિનિસ્ટર ગણાવાતાં હતાં. મોદી પોતાને સૂઝે એ પોલિસીનો અમલ કરી શકે એ માટે નિર્મલા જેવાં મહિલાને નાણાં મંત્રી બનાવી દીધાં એવી વાતો થતી હતી. પહેલાં બે બજેટના કારણે નિર્મલા મોદીનાં રબ્બર સ્ટેમ્પ ફાયનાન્સ મિનિસ્ટર છે એ વાત સાચી સાબિત થઈ ગયેલી.
ગયા વરસે નિર્મલાએ પોતાનું ત્રીજું બજેટ રજૂ કરેલું. કોરોનાના કાણે લાદવા પડેલા લોકડાઉન પછીનું આ પહેલું બજેટ હતું તેથી લોકોને બહુ આશાઓ હતી. લોકડાઉનને કારણે અધમૂઆ થઈ ગયેલા લોકોને મોદી સરકાર ભારે રાહતો આપશે એવી આશા સૌ રાખતાં હતાં અને એ આશા ફળી લતી. નિર્મલા સીતારામને રજૂ કરેલાં પહેલા બે બજેટમાં પણ ચર્ચા કરી શકાય એવું ઘણું હતું. ગયા વરસના બજેટમાં તો ચર્ચા કરાય એવું પણ કશું જ નહોતું. કોઈ મોટી કલ્યાણકારી યોજના કે ટેક્સને લગતા સુધારા કે બીજી કોઈ એવી જાહેરાત જ નહોતી કે કે જેના પર ચર્ચા કરી શકાય. નિર્મલા સીતારામને બજેટ પહેલાં કહ્યું હતું કે, અત્યાર સુધી કદી જોવા ના મળ્યું હોય એવું બજેટ આ વખતે રજૂ કરીશ. આ વાત સાવ સાચી પડી હતી કેમ કે નિર્મલાએ સાચે જ કદી જોવા ન મળ્યું હોય એવું બજેટ જ રજૂ કર્યું હતું.
આ કારણે આ વખતે પણ નિર્મલાના બજેટમાં બહુ પ્રયોગશીલતા છે એવી સામાન્ય માન્યતા છે પણ સાથે સાથે છૂપો આશાવાદ પણ છે. જે આશા ફળી છે. તેનું કારણ એ કે, ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આ પાંચ રાજ્યો પૈકી સૌથી જોરદાર જંગ ઉત્તર પ્રદેશમાં છે કેમ કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. લોકસભાની 80 બેઠકો ઉત્તર પ્રદેશમાં છે તેથી ઉત્તર પ્રદેશમાં જીતે એ પક્ષ કેન્દ્રમાં સરકાર રચે એ સમીકરણ વરસોથી ચાલે છે. મોદીએ પણ 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી જીતવું હોય તો ઉત્તર પ્રદેશ પર પોતાનો કબજો રાખવો જરૂરી છે. આ ચૂંટણી જીતવા મોદી સરકારે બજેટમાં આ વખતે લોકોને સાવ એપ્રિલ ફુલ નથી બનાવ્યા પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો આપી જ છે એવું સૌ માને છે.
બીજું એ કે, લોકસભાની ચૂંટણી માથે છે. મોદી સરકારની બીજી ટર્મને પોણા ત્રણ વર્ષ થઈ ગયાં છે. હવે સવા બે વરસ પછી લોકસભાની ચૂંટણી આવશે. લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારને આ વરસે આવતા વરસે એમ બે વાર બજેટ રજૂ કરવાની તક મળશે. લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે તેથી મોદી સરકાર 2024માં પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ નહીં કરી શકે. માત્ર ત્રણેક મહિના માટે ખર્ચને મંજૂરીનો અંદાજ મૂકીને સંસદની મંજૂરી લેવી પડશે. મોદી લોકોને લોભાવવા લોકસભાની ચૂંટણી પહેલાંનાં છેલ્લાં બે બજેટમાં પૂરું જોર લગાવી દેશે એવું સૌને લાગે છે ને તેના કારણે લોકોમાં આશાવાદ છે.
બજેટમાં રાહતની આશા બધા વર્ગો રાખે છે પણ સૌથી વધારે રાહતની જરૂર મધ્યમ વર્ગને છે કેમ કે કોરોનાનો સૌથી વધારે માર મધ્યમ વર્ગને પડ્યો છે. કોરોનાના કપરા કાળમાં ગરીબોને સરકાર તરફથી વિના મૂલ્યે અનાજ સહિતની ચીજો અપાઈ છે, બિઝનેસ કરનારાંને કરવેરા તથા બેંક લોનના સ્વરૂપમાં રાહત અપાઈ છે પણ મધ્યમ વર્ગને કશું અપાયું નથી. આ સંજોગોમાં મધ્યમ વર્ગને હજુ બજેટ પછી પણ વધુ રાહતો મળે એ જરૂરી છે. મધ્યમ વર્ગ અત્યારે મોંઘવારીના કારણે ભારે હાડમારી ભોગવી રહ્યો છે એ જોતાં તેને થોડી રાહત મળે એ જરૂરી છે. જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને ચીજોના ભાવોમાં ઘટાડો થાય એવાં પગલાં લેવાય તેના કારણે બધાંને ફાયદો થશે. લોકો વધારે નાણાં ખર્ચશે ને સરવાળે વેપાર-ધંધાને ફાયદો થશે.